ભારતના આ પડોશી દેશમાં ભૂખમરાનું ભયાનક સંકટ, પોતાના જ બાળકો વેચવા મજબૂર બન્યા માતા પિતા!

Spread the love

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ગરીબી, બેરોજગારી અને ભૂખમરાનું સંકટ અત્યંત ભયાનક અને કટોકટીના સ્તરે પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના તાજેતરના અહેવાલ અનુસાર, દેશના આશરે 4.7 મિલિયન (47 લાખ) લોકો ભૂખમરાના ગંભીર જોખમ હેઠળ જીવી રહ્યા છે, જે અફઘાનિસ્તાનની કુલ વસ્તીના 10 ટકા કરતાં પણ વધુ છે. અહીં પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ છે કે લાચાર માતા-પિતા પોતાના બાળકોના પેટનો ખાડો પૂરવા અથવા તેમની સારવાર કરાવવા માટે પોતાના જ સંતાનોને વેચવા મજબૂર બન્યા છે.

રોજગારીનો અભાવ અને વાસી રોટલી માટે સંઘર્ષ

 

અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં દરરોજ સવારે સેંકડો મજૂરો કામની શોધમાં રસ્તા કિનારે ઉભા રહે છે, પરંતુ આર્થિક તંગીના કારણે મોટાભાગના લોકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. મીડિયા રિપોર્ટના અહેવલ પ્રમાણે, ત્યાના લોકોને છેલ્લા દોઢ મહિનામાં માત્ર ત્રણ જ દિવસ કામ મળ્યું છે, જેના કારણે તેમના બાળકો ત્રણ-ત્રણ રાત ભૂખ્યા સૂઈ ગયા હતા. મજૂરો પોતાનું દર્દ ઠાલવતા કહી રહ્યા છે કે જ્યારે બાળકો બે દિવસ સુધી ભૂખ્યા રહે છે, ત્યારે જીવવાનો કોઈ અર્થ નથી લાગતો. વૃદ્ધોને તો કોઈ કામ આપવા પણ તૈયાર નથી. સ્થાનિક બેકરીઓ પર જ્યારે વાસી રોટલી વહેંચવામાં આવે છે, ત્યારે તેને મેળવવા માટે સેંકડો લોકોની ભીડ પડાપડી કરે છે.

 

બાળકોને વેચવાની દર્દનાક મજબૂરી

 

ગામડાઓમાં પરિસ્થિતિ વધુ દયનીય છે. ત્યાના લોકો પોતાની દીકરીઓ વેચવા પર મજબૂર બન્યા છે કારણ કે તેમની પાસે બાળકોને ખવડાવવા અન્નનો એક દાણો નથી. આ જ રીતે, ત્યાં રહેતા અન્ય એક પિતાએ એપેન્ડિસાઈટિસ અને લીવરની ગંભીર બીમારીથી પીડાતી પોતાની 5 વર્ષની પુત્રી શૈકાની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે તેને 2,00,000 અફઘાની ચલણમાં પોતાના જ એક સંબંધીને વેચી દીધી છે. નક્કી થયા મુજબ, પાંચ વર્ષ પછી આ બાળકીને સંબંધીના ઘરે મોકલી દેવાશે.

 

કટોકટી વણસવાના મુખ્ય કારણો

 

અફઘાનિસ્તાનમાં આ સ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ વિદેશી સહાયમાં થયેલો મોટો ઘટાડો છે. અગાઉ અમેરિકા સહિતના દેશો તરફથી મળતા લોટ, તેલ અને કઠોળના સહારે લાખો પરિવારો જીવતા હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, ગત વર્ષ 2025 ની સરખામણીએ આ વર્ષે વિદેશી સહાયમાં 70% નો ધરખમ ઘટાડો થયો છે. આ ઉપરાંત સતત પડતો દુષ્કાળ, બેરોજગારી અને આસમાને પહોંચેલી મોંઘવારીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *