દુનિયાના ઇતિહાસમાં કેટલાક નામ એવા છે, જેમને સાંભળતા જ માનવતા કંપી ઊઠે. સત્તાની ખુરશી પર બેઠેલા આ શાસકો માત્ર રાજા કે નેતા નહોતા, પરંતુ ભય, લોહી અને આતંકના જીવતા પ્રતિક બની ગયા હતા. તેમની આંખોમાં દયા નહોતી, હ્રદયમાં કરુણા નહોતી અને નિર્ણયોમાં માનવતાનો અણસાર પણ નહોતો. શહેરોની ગલીઓમાં ગોળીઓનો વરસાદ વરસતો હતો, જેલોમાં ચીસો ગૂંજી ઉઠતી હતી અને લાખો નિર્દોષ લોકો માત્ર એક માણસની મહત્ત્વાકાંક્ષાનો ભોગ બની રહ્યા હતા.
ક્રૂર શાશકોનો અંત પણ ક્રૂરતાપૂર્વક જ કરવામાં આવ્યો
ઈતિહાસના પાનાંઓ પર આજેય એ દિવસોની કાળી છાયા દેખાય છે, જ્યારે લોકો પોતાના જ દેશોમાં જીવતા હોવા છતાં દરરોજ મોતના ડર સાથે ઊંઘતા હતા. કોઈએ જાતિના નામે હત્યાઓ કરાવી, કોઈએ વિચારધારાના નામે આખી પેઢીનો નાશ કરી નાખ્યો, તો કોઈએ સત્તા બચાવવા પોતાના જ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ક્રૂર શાશકોમાના કેટલાક શાશકોનો અંત પણ ક્રૂરતાપૂર્વક જ કરવામાં આવ્યો હતો.
દેશને લાશોના કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યો
કોઈએ ગેસ ચેમ્બરમાં લાખો લોકોને સળગાવી દીધા, કોઈએ પોતાના જ દેશને લાશોના કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યો. આજે આપણે વાત કરીશું છેલ્લા 100 વર્ષના એવા 10 સૌથી ક્રૂર તાનાશાહોની, જેઓએ દુનિયાને ભય અને બરબાદીની એવી સજા આપી કે માનવતા આજે પણ તેમને યાદ કરીને થરથરી ઊઠે છે.
એડોલ્ફ હિટલર (જર્મની, 1933-1945)
એડોલ્ફ હિટલર (Adolf Hitler) વિશ્વના સૌથી કુખ્યાત અને નિર્દય સરમુખત્યારોમાંના એક ગણાય છે. નાઝી પાર્ટીના નેતા તરીકે તેણે જર્મનીમાં સત્તા મેળવી અને માનવ ઇતિહાસના સૌથી ભયાનક અત્યાચાર હોલોકોસ્ટને અંજામ આપ્યો. આ દુર્ઘટનામાં અંદાજે 6 મિલિયન યહૂદીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હિટલરના આક્રમક વલણને કારણે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, જેમાં કરોડો લોકો હોમાય ગયા અને સમગ્ર વિશ્વ પર તેની ગંભીર અસર પડી હતી.
જોસેફ સ્ટાલિન (સોવિયેત યુનિયન, 1922-1953)
જોસેફ સ્ટાલિન (Joseph Stalin) સોવિયેત યુનિયનના કડક અને દમનકારી શાસક હતા. તેમણે પોતાના વિરોધીઓને દબાવવા માટે લાખો લોકોને ગુલાગ્સ નામની કઠોર મજૂરી શિબિરો (Gulag)માં મોકલીને મોતને ઘાટ ઉતાર્યા. તેમની નીતિઓ અને દમનકારી શાસનને કારણે અંદાજે 20 મિલિયનથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું માનવામાં આવે છે.
માઓ ઝેડોંગ (ચીન, 1949-1976)
માઓ ઝેડોંગ (Mao Zedong) ચીનના શક્તિશાળી સામ્યવાદી નેતા હતા. તેમની “ગ્રેટ લીપ ફોરવર્ડ” અને “સાંસ્કૃતિક ક્રાંતિ” જેવી નીતિઓએ ચીનમાં ભારે દુષ્કાળ, અરાજકતા ફેલાવી દીધી હતી. વિવિધ અંદાજો મુજબ, તેમની નીતિઓના કારણે આશરે 45 થી 70 મિલિયન લોકોના મોત થયા હતા.
ઈદી અમીન (યુગાન્ડા, 1971-1979)
ઈદી અમીન (Idi Amin)ને યુગાન્ડાના કસાઈ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના શાસન દરમિયાન આશરે 3,00,000થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પર અત્યંત ક્રૂર વર્તન અને નરભક્ષકતા (Cannibalism)ના આરોપો પણ લાગ્યા હતા. તેમણે યુગાન્ડામાં વસતા ભારતીય મૂળના હજારો લોકોને દેશ છોડવા માટે મજબૂર કર્યા હતા. એવું પણ કહેવાય છે કે ઈદી અમીન લોકોના માથા કાપીને ફ્રીજમાં રાખતો હતો.
પોલ પોટ (કંબોડિયા, 1975-1979)
પોલ પોટ (Pol Pot) કંબોડિયાના ક્રૂર શાસક હતા, જેમણે સામ્યવાદી વ્યવસ્થા સ્થાપવાના નામે શિક્ષિત લોકો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ પર અત્યાચાર ચલાવ્યો. તેમની ક્રૂરતાને કારણે આશરે 2 મિલિયન લોકોના જીવ ગયા, જે તે સમયની કંબોડિયાની કુલ વસ્તીનો લગભગ ચોથો ભાગ હતો.
સદ્દામ હુસૈન (ઈરાક, 1979-2003)
ઈરાકના કડક અને વિવાદાસ્પદ શાસક સદ્દામ હુસૈન (Saddam Hussein)નું નામ પણ સામેલ છે. તેમણે ખાસ કરીને કુર્દિશ સમુદાય સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. તેમના શાસન દરમિયાન અનેક યુદ્ધો, દમન અને હિંસાના કારણે લાખો લોકો પ્રભાવિત થયા. 2003માં અમેરિકાના આક્રમણ પછી સદ્દામ હુસૈનને સત્તા પરથી હટાવવામાં આવ્યા અને 2006માં ફાંસી આપી દેવામાં આવી હતી.
મુઅમ્મર ગદ્દાફી (લિબિયા, 1969-2011)
મુઅમ્મર ગદ્દાફી (Muammar Gaddafi)એ લશ્કરી બળવા દ્વારા સત્તા મેળવીને લગભગ 42 વર્ષ સુધી લિબિયામાં શાસન કર્યું હતું. ગદ્દાફીએ વિરોધી અવાજોને દબાવીને ભયના માહોલમાં શાસન ચલાવ્યું. 2011માં આરબ સ્પ્રિંગ દરમિયાન બળવાખોરોએ તેમને ઝડપી લીધા હતા અને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગદ્દાફીના શાસન દરમિયાન લોકોનું જીવન નર્ક જેવું બની ગયું હતું.
રોબર્ટ મુગાબે (ઝિમ્બાબ્વે, 1980-2017)
ઝિમ્બાબ્વેના લાંબા સમય સુધી શાસન કરનાર રોબર્ટ મુગાબે (Robert Mugabe) નેતા હતા. તેમના શાસનમાં ભ્રષ્ટાચાર, અનિતિ, દમન અને નબળી આર્થિક નીતિઓને કારણે દેશ ભારે આર્થિક સંકટમાં ફસાયો. આજે ઝિમ્બાબ્વેની હાલત છે તેનું મુખ્ય કારણ દેશમાં આવા શાસન કરનાર નેતા છે જેને દેશને ગરીબીમાં ધકેલી દીધો હતો. તેમણે વિરોધીઓને દબાવવા માટે તેમણે કડક કાર્યવાહી કરી હતી.
કિમ જોંગ ઇલ (ઉત્તર કોરિયા, 1994-2011)
ક્રૂર શાસકોની વાત આવે અને ઉત્તર કોરિયાનું નામ ન આવે એવું તો બને જ નહીં. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઇલ (Kim Jong-il) સરમુખત્યાર હતા, જેમણે દેશને દુનિયાથી અલગ રાખ્યો અને નાગરિક સ્વતંત્રતાઓ પર કડક નિયંત્રણ મૂક્યું. તેમના શાસન દરમિયાન દેશ ગરીબી અને ભૂખમરાની ગંભીર સમસ્યાઓથી પીડાતો રહ્યો. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર કિમ જોંગ ઉને સત્તા સંભાળી. તેમના પુત્રના શાસનમાં પણ વિરોધીઓના અવાજ દબાવી દેવામાં આવે છે.
મેજિસ્તુ હૈલે મરિયમ (ઇથોપિયા)
મેજિસ્તુ હૈલે મરિયમ (Mengistu Haile Mariam) ઇથોપિયાના સૈનિક શાસક હતા, જેમણે રાજાશાહીને હટાવીને સામ્યવાદી લશ્કરી શાસન સ્થાપ્યું. તેમના “રેડ ટેરર” નામના હિંસક અભિયાન દરમિયાન આશરે 5,00,000 લોકોના મૃત્યુ થયા હોવાનું માનવામાં આવે છે. 1991માં તેઓ દેશ છોડીને ઝિમ્બાબ્વે ભાગી ગયા હતા.
લોહીથી લખાયેલો ઇતિહાસ
જ્યારે સત્તા પર કોઈ એક માણસનો સંપૂર્ણ કાબૂ થઈ જાય અને લોકશાહી, માનવ અધિકાર તથા અવાજ દબાઈ જાય, ત્યારે દેશો કેવી રીતે નરક બની જાય છે તેનો જીવતો પુરાવો છે આ શાસકો. આ તમામ શાસકોના ઉદાહરણો બતાવે છે કે સત્તાનો દુરુપયોગ અને ક્રૂરતા માનવજાત માટે કેટલા વિનાશક સાબિત થઈ શકે છે. ઇતિહાસ આપણને શીખવે છે કે શાંતિ, માનવતા અને લોકશાહીનું મહત્ત્વ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આ લોકો માત્ર શાસક નહોતા પણ એવા ક્રૂર મનુષ્ય હતા, જેના નામથી જ આખી પેઢીઓ કંપી ઉઠતી હતી.