યુએનના એક અહેવાલ મુજબ વિશ્વની લગભગ 40% વસ્તી અથવા લગભગ 3.4 અબજ લોકો આવાસ સંકટથી પ્રભાવિત છે, જેમાં ઘરોની અછત, ઊંચી કિંમતો, રહેઠાણની નબળી ગુણવત્તા, તેમજ સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સુધીની ખરાબ પહોંચ સામેલ છે.
અઝરબૈજાનના બાકુમાં વર્લ્ડ અર્બન ફોરમ દરમિયાન યુએન-હેબિટેટ દ્વારા બહાર પાડવામાં આવેલ વર્લ્ડ સિટીઝ રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે કે 2050 સુધીમાં વધારાના બે અબજ લોકો શહેરોમાં સ્થળાંતર કરે તેવી અપેક્ષા છે.
આનાથી શહેરીકરણ, જમીનના વધતા ભાવ, વધતી જતી અસમાનતા અને આબોહવા પરિવર્તનને કારણે પહેલાથી જ દબાણ હેઠળ રહેલા હાઉસિંગ સેક્ટર પર લોડ પડશે. રિપોર્ટ મુજબ, વૈશ્વિક સ્તરે મકાનોના ભાવ આવક કરતાં વધુ ઝડપથી વધ્યા છે, જે હેઠળ પ્રાઈસ-ટૂ-ઈનકમ રેશિયો વર્ષ 2010ના 9.3 થી વધીને 2023 સુધીમાં 11.2 થયો છે, જ્યારે ભારત સહિત મધ્ય અને દક્ષિણ એશિયામાં આ આંકડો 16.8 સુધી પહોંચી ગયો છે. ભાડાની પરવડે તેવી ક્ષમતા પણ સતત ઘટી રહી છે, વિશ્વભરમાં 44% પરિવારો તેમની આવકના 30% થી વધુ ખર્ચ ઘર પર કરે છે.
ભારત પણ મુશ્કેલીમાં
પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્ક અને રિયલ-સ્ટેટ સર્વિસ પ્રોવાઈડર મેજિકબ્રિક્સના અહેવાલોને ટાંકીને યુએનએ એ પણ પ્રકાશિત કર્યું કે ભારતના આઠ સૌથી મોટા શહેરોમાં નવા બાંધકામ પ્રોજેક્ટ્સમાં પરવડે તેવા મકાનોનો હિસ્સો 2018 માં 52% થી ઘટીને 2025 માં માત્ર 17% થયો છે, જેનું મુખ્ય કારણ ડેવલપર્સ દ્વારા મધ્ય અને ઉચ્ચ શ્રેણીના ઘરોને પ્રાથમિકતા આપવાનો છે, જ્યાં નફો વધુ હોય છે.
મુંબઈ અને દિલ્હીમાં પ્રાઈસ-ટૂ-ઈનકમ રેશિઓ અનુક્રમે 14.3 અને 10.1 છે, જેના કારણે સરેરાશ પરિવાર માટે ઘર ખરીદવું પહોંચથી બહાર થઈ ગયું છે. બહુ ઓછા લોકો પાસે ઔપચારિક હોમ લોનની સુવિધા છે, જેના કારણે પરિવારોને તેમની બચત, અનૌપચારિક દેવું અથવા સંબંધીઓની મદદ પર આધાર રાખવાની ફરજ પડે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હોમલેસનેસના ડેટાને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે બેઘર હોવાનો દર ચીનમાં દર 10,000 લોકોમાં 21, ભારતમાં દર 10,000 લોકોમાં 13, યુનાઇટેડ સ્ટેટ્સમાં દર 10,000 લોકોમાં 20 અને બ્રાઝિલમાં દર 10,000 લોકોમાં 11 છે.
આવાસ ક્ષેત્રમાં મોટી આર્થિક ક્ષમતા
આ પડકારો છતાં હાઉસિંગ ક્ષેત્રમાં આર્થિક વિકાસ માટે પ્રચંડ સંભાવનાઓ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં રહેણાંક બાંધકામ માંગમાં પ્રતિ ₹100,000 ના વધારા માટે અંદાજે 2.61 નવા અનૌપચારિક અને 0.04 ઔપચારિક નોકરીઓનું સર્જન થાય છે. જ્યારે પરોક્ષ અસરોને પણ સામેલ કરવામાં આવે છે, ત્યારે આ આંકડો વધીને 4.06 નોકરીઓ સુધી પહોંચી જાય છે. આ આંકડો યુનાઇટેડ સ્ટેટ્સમાં રોજગાર સર્જનના આંકડા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે, જ્યાં એક સામાન્ય સિંગલ-ફેમિલી હોમના બાંધકામથી અંદાજે 2.9 નોકરીઓને સહારો મળે છે, જ્યારે સરેરાશ ભાડાના એપાર્ટમેન્ટના બાંધકામથી 1.25 નોકરીઓ ઉત્પન્ન થાય છે.
જ્યારે વિશ્વના ઘણા ભાગો ઊંચા અથવા વધતા બાંધકામ ખર્ચનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત અને ચીનમાં મોટા પાયે ઉત્પાદનને કારણે પ્રતિ ચોરસ મીટર બાંધકામ ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે. તેની તુલનામાં ચાડ, ઝામ્બિયા અથવા ઘાના જેવા દેશોમાં ખર્ચ વધુ છે કારણ કે તેમના બાંધકામ ઉદ્યોગો અને સપ્લાય ચેઇન હજુ સુધી એટલા વિકસિત નથી.
