ડીઝલની કપરી સ્થિતિ વચ્ચે ટૂંકા દિવસોમાં 12 લાખ ટ્રકો રોડ રસ્તા ઉપર ઉભેલી દેખાશે, મોંઘવારીનો રાક્ષસ મોગેંબો બનશે

Spread the love
મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાની સીધી અને ઘાતક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર દેખાવા લાગી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતને કારણે ગુજરાતનો લાઈફલાઈન ગણાતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડવાની અણી પર આવી ગયો છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, જો ઇંધણની આ અછતને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં દોડતી અંદાજે 12 લાખ જેટલી ટ્રકોના પૈડાં ગમે ત્યારે થંભી જશે.

 

ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આર્થિક મંદીના મારથી પરેશાન હતો, તેવામાં ડીઝલની અછતે ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, જો આ 12 લાખ ટ્રકો રસ્તા પરથી હટી જશે, તો તેની સીધી અસર દેશભરમાં માલસામાનની સપ્લાય ચેઈન પર પડશે. જેને કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી અટકી જશે અને તેના ભાવો આસમાને પહોંચી જશે તેવી ગંભીર આશંકા સેવાઈ રહી છે. પરિસ્થિતિ વણસતા ટ્રાન્સપોર્ટરોએ હવે ગુજરાત સરકાર સમક્ષ તાકીદે હસ્તક્ષેપ કરવા ગુહાર લગાવી છે.

 

હાઈવે પર પંપો બંધ, ‘ડીઝલ નથી’ ના પાટિયા ઝૂલ્યા: વાહનચાલકો પરેશાન

 

હાલમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય તેમજ હાઈવે વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર ડીઝલ ખાલી થઈ જતાં “ડીઝલનો જથ્થો ઉપલબ્ધ નથી” તેવા પાટિયા લટકાવી દેવામાં આવ્યા છે. ટ્રકચાલકોએ ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપ સુધી કિલોમીટરો સુધી ભટકવું પડી રહ્યું છે. એટલું જ નહીં, જે પંપો ચાલુ છે ત્યાં પણ મર્યાદિત માત્રામાં (લીટરની લિમિટ નક્કી કરીને) જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાથી લાંબા અંતરના રૂટ પર નીકળેલા ટ્રકચાલકો અધવચ્ચે જ હાઈવે પર અટવાઈ પડ્યા છે.

અમદાવાદ-સુરત રૂટ પર પ્રાઈવેટ લક્ઝરી બસોમાં 30% નો ઘટાડો

 

ડીઝલની આ તંગીની સીધી અસર માત્ર માલસામાનના ટ્રાન્સપોર્ટ પર જ નહીં, પરંતુ મુસાફરોની સપ્લાય પર પણ પડી છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળવાને કારણે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા વચ્ચે દોડતી ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસોની સંખ્યામાં 30 ટકા જેટલો મોટો ઘટાડો થઈ ગયો છે.સંચાલકોના જણાવ્યા મુજબ, ઇંધણની અનિયમિતતા વચ્ચે બસો ચલાવવી હવે આર્થિક રીતે પોસાય તેમ નથી. જો તેઓ ભાડું વધારે તો મુસાફરોનો રોષ વહોરવો પડે અને જો ભાડું ન વધારે તો મોટું નુકસાન થાય. આ જ કારણે સૌરાષ્ટ્ર, મુંબઈ, દિલ્હી અને મધ્યપ્રદેશ (MP) જતી આંતરરાજ્ય ખાનગી બસોની ફ્રીક્વન્સીમાં 25 થી 30 ટકાનો ઘટાડો ઝીંકી દેવામાં આવ્યો છે.

 

પંપ માલિકોની વ્યથા: ‘5 દિવસે માંડ 1 ટેન્કર મળે છે, ગ્રાહકો ટાંકી ફૂલ કરાવવા બાખડે છે’

 

એક તરફ સરકાર અને તંત્ર એવો દાવો કરી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે આયોજન કરાયું છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. પેટ્રોલ પંપ એસોસિયેશનના સભ્યોનું કહેવું છે કે કંપનીઓ તરફથી હવે 5-5 દિવસે માંડ એક ટેન્કર સપ્લાય મળી રહી છે. અપૂરતા જથ્થાને કારણે પંપ માલિકો ટુ-વ્હીલર કે કારમાં લિમિટેડ પેટ્રોલ-ડીઝલ આપવા મજબૂર બન્યા છે. બીજી તરફ, અછતની અફવાઓ અને ડરના કારણે સામાન્ય વાહનચાલકો પંપ પર આવીને ટાંકી ફૂલ કરાવવાનો આગ્રહ રાખે છે, જેના લીધે પંપના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે રોજિંદી રકઝક અને વિવાદો થઈ રહ્યા છે.

કેબિનેટ બેઠકમાં ચર્ચા, સરકારે કહ્યું: ‘માંગ 40% વધી છે, અફવાઓથી ગભરાશો નહીં’

 

રાજ્યમાં અચાનક પેટ્રોલ અને ડીઝલની માંગમાં 35 થી 40 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સપ્લાય સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે. કટોકટી એટલી વધી ગઈ છે કે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો હતો. જો કે, આ તમામ અછત અને લાંબી કતારો વચ્ચે ગુજરાત સરકારે જનતાને અપીલ કરી છે કે, રાજ્યમાં ઇંધણનો પૂરતો સ્ટોક છે, આથી કોઈએ ગભરાવાની કે ‘પેનિક બાયિંગ’ કરવાની જરૂર નથી. સરકારે સોશિયલ મીડિયા પર ફેલાતી અછતની અફવાઓથી સાવધાન રહેવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે, પરંતુ ટ્રાન્સપોર્ટ જગતના આંકડા સરકારના દાવા સામે મોટા સવાલો ઊભા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *