
આ દ્રશ્યો માત્ર ભીડના નથી, પણ ગુજરાતના યુવાનોની રોજગારી માટેની મજબૂરી અને આશાનો જીવતો જાગતો ચિતાર છે.
યુવાઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર
ગુજરાતમાં બેરોજગારી કેટલી છે અને યુવાઓમાં સરકારી નોકરી કેટલી મહત્વપૂર્ણ બની છે તેનો જીવતા જાગતા પુરાવા સમાન ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં કંડક્ટરની ભરતી માટે સર્ટીફિકેટ લેવા હજારો યુવાઓ લાઈનમાં લાગ્યા હતા. એસટી વિભાગમાં ભરતીમાં લાયસન્સ માટે ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ જરૂરી છે. ત્યારે આ સર્ટીફિકિટ મેળવવા માટે વહેલી સવારથી જ હજારો યુવાઓ લાઈનમાં ઉભા રહ્યા હતા. યુવક યુવતીઓ વહેલી સવારથી લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.
ભીડ જોઈને તંત્ર પણ દોડતું થયું
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી કંડક્ટર માટે મોટાપાયે ભરતી કરવાના છે. આ ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એકમાત્ર સરકાર માન્ય રેડક્રોસ ટ્રેનંગ સેન્ટર ખાતે આ સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ત્યારે આ સર્ટિફિકેટ મેળવવા માટે આજે મોટી સંખ્યામાં યુવા સેન્ટર પર પહોંચ્યા હતા. જોકે, કોઈ વિચારી ન શકે એટલી ભીડ જોતજોતામાં થઈ ગઈ હતી. હજારોની સંખ્યામાં યંગસ્ટર્સ સર્ટિફિકેટ મેળવવા પહોંચ્યા હતા. હજારોની મેદની ભેગી તથા પોલીસ દોડતી થઈ હતી .
આ સર્ટિફિકેટ કેટલું જરૂરી છે
આ સર્ટિફિકેટ કેટલું જરૂરી છે તે વિશે ફર્સ્ટ એઈડ પ્રોજેક્ટના ચેરમેન પૂર્ણાંક શાહે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સરકારના નિયમ અનુસાર, એસ.ટી. કંડક્ટર બનવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો જ ફર્સ્ટ એઇડ કોર્સ અને સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવે છે. ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન અને ભરતીની બહારથી ખબર પડી હતી. તેથી સેન્ટર પર અચાનક ધસારો થઈ ગયો હતો.