
તેમણે ભારતને અમેરિકાનો એક મહાન સાથી અને અત્યંત મજબૂત ભાગીદાર ગણાવ્યો હતો.
માર્કો રુબિયો 23 થી 26 મે દરમિયાન ભારતના પ્રવાસે
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, માર્કો રુબિયો 23 થી 26 મે દરમિયાન ભારતના ચાર દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ નવી દિલ્હી ઉપરાંત કોલકાતા, આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ૧૪ વર્ષમાં કોલકાતાની મુલાકાત લેનારા તેઓ પ્રથમ અમેરિકી વિદેશ સચિવ બનશે. આ પહેલાં ૨૦૧૨માં તત્કાલીન વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટને કોલકાતાની મુલાકાત લીધી હતી. કોલકાતામાં આવેલું યુએસ કોન્સ્યુલેટ જનરલ એ વિશ્વનું બીજા નંબરનું સૌથી જૂનું અમેરિકી કોન્સ્યુલેટ છે, જે આ મુલાકાતનું મહત્વ વધારે છે.
વેનેઝુએલાના તેલ અને ટેરિફ પર ચર્ચા
આ મુલાકાત માત્ર અમેરિકી તેલ પૂરતી સીમિત નથી. માર્કો રુબિયોએ જણાવ્યું કે, આવતા અઠવાડિયે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ પણ ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં ભારતને તેલ વેચવાના મુદ્દા પર ગંભીર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે એક મોટો વેપાર કરાર થયો છે, જેના અંતર્ગત ભારતીય આયાત પરનો પરસ્પર ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.
26 મેના રોજ ક્વાડ (Quad) મંત્રીઓની બેઠક
વિદેશ સચિવે આ પ્રવાસને રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વનો ગણાવ્યો છે, કારણ કે મુલાકાતના અંતિમ દિવસે એટલે કે ૨૬ મેના રોજ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાવાની છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં માર્કો રુબિયોની સાથે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી મોટેગી તોશિમિત્સુ પણ ભાગ લેશે. રુબિયોએ ઉમેર્યું કે વિદેશ મંત્રી તરીકે તેમની પ્રથમ બેઠક ક્વાડ સાથે જ હતી અને આ વર્ષના અંતમાં આવી જ બીજી બેઠકનું આયોજન પણ કરવામાં આવશે, જે ભારત-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અને વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.