ગુજરાતની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વરણી પ્રક્રિયા પૂર્ણ, જાણો નવા હોદ્દેદારોના નામ

Spread the love

Gujarat માં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વરણી પ્રક્રિયા

જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની સત્તાવાર વરણી

સામાન્ય સભાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષોની પસંદગી

Gujarat Politics News: (Gujarat) ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટી અને રાજકીય સુકાન સંભાળવા માટે હોદ્દેદારોની વરણી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળ્યો હતો.

ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, ખેડા, પાટણ, રાજકોટ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં યોજાયેલી સામાન્ય સભાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ક્યાંક ભાજપનો દબદબો જોવા મળ્યો તો ક્યાંક અપક્ષના વિજયે નવા સમીકરણો રચ્યા હતા, જે સમગ્ર રાજ્યના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

 

ભાવનગર

 

ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં જેસર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજયસિંહ સરવૈયા અને ઉપપ્રમુખ તરીકે લાખાભાઈ ભમ્મરની વરણી થઈ હતી.

 

સિહોર તાલુકા પંચાયતમાં વિમળાબેન ચૌહાણ પ્રમુખ અને પ્રવીણભાઈ સોલંકી ઉપપ્રમુખ બન્યા હતા.

 

વલ્લભીપુરમાં એક નોંધપાત્ર ઘટનાક્રમમાં અપક્ષ ઉમેદવાર આશાબેન હાડા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ગોહિલ ની નિયુક્તિ થઈ હતી.

 

અમદાવાદ

 

અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં સુરજીત સિંહ ગોહિલ પ્રમુખ પદે, ભાવિનીબેન પટેલ ઉપપ્રમુખ પદે અને મહેશભાઈ પરમાર કારોબારી ચેરમેન તરીકે પસંદ થયા હતા.

 

મહેસાણા

 

મહેસાણામાં નીતિન પટેલ ખરોડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને માસંગજી ઠાકોર ઉપપ્રમુખ બન્યા હતા.

 

સાબરકાંઠા

 

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં રીનાબેન પટેલ પ્રમુખ અને દીવાનજી ઠાકોર ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા હતા. અરવલ્લીમાં મયુર પટેલ પ્રમુખ અને રાજની પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ખેડા

 

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયતમાં રમીલાબેન સોલંકી પ્રમુખ અને નીતાબેન રાઠોડઉપપ્રમુખ બન્યા હતા, જ્યારે ઠાસરામાં કોમલબેન સોલંકી પ્રમુખ અને મહેન્દ્રસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. મોરબીમાં ગીતાબેન દુબરીયા પ્રમુખ અને વિજય ગરચર ઉપપ્રમુખ બન્યા હતા.

 

છોટાઉદેપુર

 

છોટાઉદેપુરમાં રમેશ રાઠવા પ્રમુખ અને સુરજી રાઠવા ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીનલબેન પટેલ પ્રમુખ અને મિતલબેન દેસાઈઉપપ્રમુખ બન્યા હતા.

 

રાજકોટ

 

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજયાબેન દાફડાની અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખુટની નિમણૂક કરવામાં આવી છે. સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાની 11 તાલુકા પણ પંચાયતમાં ભાજપ શાસિત છે. ત્યારે રાજકોટ જિલ્લા પ્રથમવાર તમામ તાલુકા પંચાયત ભાજપના હાથમાં આવી છે.

 

ગીર સોમનાથ

 

ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયત પર ભાજપે જીત મેળવીને વહીવટ પોતાના હસ્તક કર્યો છે. અહીં કુલ 18 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 9 બેઠકો, આમ આદમી પાર્ટી (AAP) ને 7 બેઠકો અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી. આ પરિણામો બાદ તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના વિમલભાઈ વાડોદરિયા અને ઉપપ્રમુખ તરીકે દેવીબેન ઉકાભાઈ ચાંડેરાની સત્તાવાર વરણી કરવામાં આવી છે.

 

કોડીનાર

 

ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા ભાજપ પાસેથી સરકી ગઈ છે. ત્રણ દાયકા પછી કોંગ્રેસે કબજો કર્યો છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે અનૂપા બેન રાજેન્દ્રભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધેની નિમણૂક કરવામાં આવી છે.જયારે કારોબારી તરીકે અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેન અનિરુદ્ધ ભાઈ જાદવની વરણી કરવામાં આવી છે.

 

વાવ થરાદ

 

નવનિર્મિત વાવ થરાદ જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભવ્ય વિજય મેળવીને પોતાનો કબ્જો જમાવ્યો છે. કુલ 30 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે 10 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ જીત બાદ યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રતનીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશ ચૌધરીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે ધુખાજી ઠાકોર અને દંડક તરીકે ભાવનાબેન ચરમટાની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.

 

સુરેન્દ્રનગર

 

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર વિજય બાદ તમામ 10 તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાની તમામ 10 તાલુકા પંચાયતોમાં સર્વાનુમતે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો જાહેર કરાયા છે. જેમાં પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નબુબેન નાનુભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ચંદુભાઈ માલકિયા અને કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ કાનજીભાઈ પટેલની વરણી થઈ છે. જ્યારે લખતર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સુષ્માબા ક્રિપાલસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઘનશ્યામભાઈ ઉપદળા અને કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ અમૃતભાઈ થડોદાની સર્વાનુમતે પસંદગી કરાઈ છે.

 

અમદાવાદ

 

અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે વિધિવત રીતે યોજાઈ ગઈ છે. આ બેઠકમાં સુરજીત સિંહ વખતસિંહ ગોહિલે બપોરે 12:39 વાગ્યાના શુભ મુહૂર્તમાં પોતાની ચેમ્બરમાં પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રથમ બેઠકમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને પક્ષના દંડક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં તમામ પદાધિકારીઓની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે ભાવિનીબેન નિખિલભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે મહેશ કુમાર મફાજી પરમારે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો.

 

બોટાદ

 

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા છે. જેમાં પ્રમુખ પદે પાયલબેન માથોળીયા ની બિનહરીફ નિમણૂંક કરવામાં આવી છે. તેમજ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયા બિનહરીફ નિમાયા છે. તેમજ કારોબારી ચેરમેન પદે ચંદુભાઈ ભાલીયાની બિનહરીફ નિમણુંક થઈ છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં પ્રથમ સભા યોજાઈ હતી. બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠકોમાંથી તમામ 20 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી છે.

 

દાહોદ

 

દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાની સત્તા જળવી રાખી છે. કુલ 50 બેઠકોમાંથી ભાજપને ફાળે 37 બેઠકો મળતા બહુમતી સાથે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ગમાબેન મોહનીયા અને ઉપપ્રમુખ પદે વિજયસિંહ આમલીયારની પસંદગી થઈ છે. આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર સંગાડા અને દંડક તરીકે અનિલ ભુરીયાની વરણી કરવામાં આવી છે.

 

ડાંગ

 

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પણ ઉત્સાહભેર સંપન્ન થઈ છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજેશ ગામીત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ નવા પ્રમુખ રાજેશ ગામીતે ડાંગના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાની પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ માટે પ્રાથમિકતાથી કામ કરવાની જાહેરાત કરી છે.

 

પાટણ

 

પાટણના સરસ્વતી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. સરસ્વતી તાલુકા પંચાયતમાં 12 ભાજપ 12 કોંગ્રેસ આવતા ટાઈ પડી હતી જેથી ચીઠ્ઠી ઉછાળીને પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરાયા છે જેમાં ભાજપના પ્રમુખ પદે ગીતાબેન લક્ષ્‍મણભાઈ રબારીની ચીઠ્ઠી માં ભવિષ્ય નક્કી થયું છે.

 

વલસાડ (ધરમપુર તાલુકા પંચાયત)

 

વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 13, કોંગ્રેસને 10 અને અપક્ષને 01 બેઠક મળી હતી. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 13 મત મળતા ભાજપનો વિજય થયો હતો. નવા પ્રમુખ તરીકે ભાજપના શકુંતલાબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે રણજીતભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

અમરેલી

 

અમરેલી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની પસંદગી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દક્ષાબેન ચોડવડીયાની વરણી કરવામાં આવી છે, જેઓ લેઉવા પાટીદાર મહિલા પ્રમુખ પદે બિરાજમાન થયા છે. આ ઉપરાંત, ઉપપ્રમુખ પદની જવાબદારી મહાવીરબાપુને સોંપવામાં આવી છે. પંચાયતના આ નવા હોદ્દેદારોની પસંદગીને સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ સહર્ષ આવકારી લીધી હતી.

 

પંચમહાલ

 

પંચમહાલ જિલ્લા પંચાયતની નવી વરણી પ્રક્રિયા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્ય સભામાં પૂર્ણ કરવામાં આવી છે. આ સભામાં નીરજ પટેલ પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચાવડાને જવાબદારી સોંપાઈ છે. અન્ય હોદ્દેદારોમાં કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલીયા, શાસક પક્ષના નેતા પદે દક્ષાબેન બારીયા અને દંડક તરીકે જયશ્રીબેન પરમારની નિમણૂક કરાઈ છે. પદભાર સંભાળ્યા બાદ નવા પ્રમુખે જિલ્લામાં વિકાસ અને શિક્ષણના કાર્યો પર વિશેષ ભાર મૂકવાની નેમ વ્યક્ત કરી હતી, જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ નવી ટીમને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી હતી.

 

બનાસકાંઠા

 

બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરાની કિંમત સીટ પરથી વિજેતા થયેલા વસંત પુરોહિતની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને વડગામની છાપી સીટ પરથી વિજેતા થયેલા બબીબેન ચૌધરીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. ભાજપના આ બંને ઉમેદવારોની વરણી થતાં જ કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. નવા હોદ્દેદારોએ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય વિસ્તારો સુધી તમામ સુવિધાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

 

ગાંધીનગર (કલોલ તાલુકા પંચાયત)

 

ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયત ખાતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. કલોલ તાલુકા પંચાયતના કુલ 22 સદસ્યોમાંથી ભાજપ પાસે 15 અને કોંગ્રેસ પાસે 7 સદસ્યોનું સંખ્યાબળ છે. આ વરણી પ્રક્રિયામાં કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ વીરાભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કેશીબેન નટવરજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે અમરતજી શકરાજી ઠાકોર, દંડક તરીકે ચાવડા સોનલબેન પ્રવિણસિંહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બળદેવજી ભીખાજી ઠાકોરની નિયુક્તિ કરાઈ છે. ગાંધીનગર જિલ્લા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *