સુરતમાં ઊંચા વળતરની લાલચે રિસોર્ટમાં રોકાણ કરાવ્યું, બાદમાં ભાગીદારોને જ પ્રોજેક્ટમાંથી તારવી દેનાર 3ની ધરપકડ

Spread the love

 

સુરત શહેરમાં રોકાણકારોને આકર્ષક નફાની લાલચ આપી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યા બાદ વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી કરવાના વધુ એક મોટા કેસનો પર્દાફાશ થયો છે. તાપી સરહદ નજીક આવેલા લક્કડકોટ વિસ્તારમાં શરૂ કરાયેલા રિસોર્ટ અને રેસ્ટોરન્ટ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ભાગીદારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો સામે આવતા સુરત શહેર પોલીસની ઇકો સેલ હરકતમાં આવી હતી.

આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલાની વધુ તપાસ ચાલુ છે.

 

ઊંચા વળતરની લાલચ આપી સુરતના વેપારીઓને ભાગીદાર બનાવ્યા

 

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના લક્કડકોટ ગામે આવેલી જમીન પર ROCCIA HILL RESORT & ADVENTURE PARK, ROCCIA HILL RESORT તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ નામના પ્રોજેક્ટ વિકસાવવાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને ઊંચા વળતર અને લાંબા ગાળાના નફાકારક રોકાણ તરીકે રજૂ કરી સુરતના વેપારીઓ અને રોકાણકારોને ભાગીદાર બનાવવામાં આવ્યા હતા.

 

ફરિયાદી અને તેના પુત્રના નામે આશરે 1.38 કરોડનું રોકાણ કર્યું.

 

ફરિયાદી ચંદ્રેશભાઈ જયંતિલાલ લાકડાવાલા અને તેમના પુત્ર સાથે ભાગીદારી કરાર કરવામાં આવ્યો હતો. ભાગીદારી ડીડના આધારે વિવિધ રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ચંદ્રેશભાઈએ પોતાના પુત્રના નામે આશરે રૂ. 1.38 કરોડનું રોકાણ કર્યું હતું. ઉપરાંત પરિવારજનો, પરિચિતો અને અન્ય ભાગીદારો દ્વારા પણ કરોડો રૂપિયાની મૂડી પ્રોજેક્ટમાં લગાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ બાબુલાલ જૈન, પરેશ હરિલાલ પરમાર અને પ્રવિણભાઈ પરમાર સહિત અન્ય રોકાણકારોએ પણ પોતાના પરિવારજનોના નામે રોકાણ કર્યું હતું.

 

રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી હિસાબ આપવાનો ઇનકાર કર્યો

 

અંદાજે રૂ. 5.50 કરોડથી વધુનું સીધું રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે કુલ નફો અને હિસ્સા સહિતનો વિવાદિત આંકડો રૂ. 12.63 કરોડ સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે. આરોપીઓએ શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે સમયસર વળતર ચૂકવ્યું હતું. નિયમિત રિટર્ન મળતા રોકાણકારોએ વધુ મૂડી પણ લગાવી હતી, પરંતુ થોડા સમય બાદ વળતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું અને ભાગીદારોને હિસાબ આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

રિસોર્ટનું નામ બદલી ભાગીદારોને પ્રોજેક્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

 

મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે “જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ”નું નામ બદલીને “હોટેલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર” રાખી દેવામાં આવ્યું અને મૂળ ભાગીદારોને પ્રોજેક્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ફરિયાદીઓનો આરોપ છે કે તેમને ભાગીદારીમાંથી એકતરફી રીતે બહાર કરી દેવામાં આવ્યા અને પ્રોજેક્ટ પરનો તેમનો હક પણ સમાપ્ત કરી દેવામાં આવ્યો. આ સમગ્ર કાવતરામાં આરોપી ખુશમનભાઈ પટેલ, પુનિતાબેન પટેલ, સ્મીત પટેલ ઉપરાંત ભરત બાબુરાવ ગાવીત અને યશવંત બાબુરાવ શિરસાઠની સંડોવણી દર્શાવવામાં આવી છે.

 

પોલીસે આરોપી પતિ, પત્ની અને પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી

 

તમામે મળીને પૂર્વયોજિત રીતે રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવી બાદમાં વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ કલમ 316(5) અને 61(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાયા બાદ ઇકો સેલે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગોપાલેશ્વર સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ વિસ્તારમાં રહેતા આરોપી ખુશમનભાઈ રેવાશંકરભાઈ પટેલ, પુનિતાબેન ખુશમનભાઈ પટેલ અને સ્મીત ખુશમનભાઈ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

 

આ કેસમાં વધુ રોકાણકારો સામે આવે તેવી શક્યતાઓ

 

સુરત શહેર પોલીસના સૂત્રો મુજબ શહેરમાં વધતા આર્થિક ગુનાઓ અને ઝડપી નફાની લાલચ આપી થતી છેતરપિંડી સામે ઇકો સેલ સતત કાર્યવાહી કરી રહી છે. વેપારીઓ અને રોકાણકારોને કોઈપણ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરતા પહેલા દસ્તાવેજો, ભાગીદારી કરાર, માલિકી હક્ક અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરવા પણ અપીલ કરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ રોકાણકારો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ પ્રોજેક્ટ સંબંધિત નાણાકીય વ્યવહારો, મિલકત હસ્તાંતરણ અને ભાગીદારી દસ્તાવેજોની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે. કરોડો રૂપિયાના આ કથિત વિશ્વાસઘાતના કેસે સુરતના વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *