119 કરોડથી વધુના બે અલગ બેંક છેતરપિંડી કેસમાં CBIના અમદાવાદ, મુંબઇમાં દરોડા

Spread the love

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બેંક છેતરપિંડીના 2 કેસમાં અમદાવાદ અને મુંબઇમાં કુલ 7 સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડાની કાર્યવાહી બે દિવસથી ચાલી રહી છે. જે મેસર્સ શ્રી હરિ એક્સટ્રુઝન પ્રા. લિ. અને મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિ. સામે નોંધાયેલા કેસો સાથે સંબંધિત છે. બંને કેસમાં કુલ 119.03 કરોડથી વધુનું નુકસાન જાહેર ક્ષેત્રની બેંકોને થયું હોવાનું ખૂલ્યું છે.

પ્રથમ કેસ મેસર્સ શ્રી હરિ એક્સટ્રુઝન પ્રા. લિ.નો છે, જેમાં પંજાબ નેશનલ બેંકને 61.98 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીએ કેશ ક્રેડિટ અને ટર્મ લોન સુવિધાઓનો લાભ લઈ લોન રકમનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં ખૂલ્યું છે કે લોનની રકમ અનસિક્યોર્ડ લોન આપવી, સંબંધિત કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્શન કરવું, બેંક મારફતે વેચાણ ન બતાવવું તેમજ સંબંધિત પક્ષોને ચુકવણી કરવા જેવા માર્ગોથી ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

 

બીજો કેસ મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિ. સાથે સંબંધિત છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે 57.05 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ કેસમાં ખોટી એકાઉન્ટ બુક્સના આધારે ફંડ આધારિત તેમજ નોન-ફંડ આધારિત ક્રેડિટ સુવિધાઓ મેળવવામાં આવી હતી અને ત્યારબાદ લોનની રકમ અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવી હતી. CBI દ્વારા મુંબઈ અને અમદાવાદમાં કંપનીના ડિરેક્ટરોના નિવાસસ્થાનો સહિત કુલ 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સ્પેશિયલ જજ (CBI કેસો), મુંબઈ અને અમદાવાદની કોર્ટ દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટના આધારે કરવામાં આવી હતી. દરોડા દરમિયાન અનેક ગુનાઇત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને કેસોમાં જાહેર ક્ષેત્રની બેંકોને થયેલ કુલ નુકસાન 119.03 કરોડ જેટલું છે અને તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *