જૂનાગઢમાં ‘ખ્યાતિ’ જેવો જ મોટો કાંડ: PM-JAY કાર્ડના નામે 76 દર્દીઓનાં ગેરકાયદે ઓપરેશન કરી નાખ્યાં!

Spread the love

ગુજરાતમાં ફરી એકવાર ખ્યાતિકાંડ જેવો જ ઓપરેશન કાંડ સામે આવ્યો છે. જી હા…જૂનાગઢની કે. જે. હોસ્પિટલે પીએમ જય કાર્ડને હથિયાર બનાવીને 76 દર્દીઓનાં ગેરકાયદે ઓપરેશન કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગની કોઈ પણ જાતની મંજૂરી વગર 76 દર્દીઓનાં ગેરકાયદેસર ઓપરેશન કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓનાં કારણ વગર ઓપરેશન કર્યાં હતાં એ જ મોડસ ઓપરેન્ડીને હથિયાર બનાવીને જૂનાગઢની કે જે. હોસ્પિટલે 76 દર્દીઓનાં ગેરકાયદે ઓપરેશન કરવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. આટલો મોટો કાંડ ખુલ્લો પડ્યો હોવા છતાં આરોગ્ય વિભાગે માત્ર સાડા બાર લાખ રૂપિયાનો દંડ કરીને હોસ્પિટલને બાઈજ્જત બરી કરી દીધી છે.

 

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો જૂનાગઢની કે. જે. હોસ્પિટલ ફરીથી આવી ભૂલ કરશે તો હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે. શું આરોગ્ય વિભાગને 76 દર્દીઓનાં ગેરકાયદેસર ઓપેરશન મોટી ભૂલ નથી લાગતી? સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદમાં ખ્યાંતિ કાંડ થયો પછી આરોગ્ય વિભાગે મોટી મોટી ડંફાસો મારી હતી અને મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે હવે દરેક હોસ્પિટલમાંથી દરેક દર્દીની સીડી ગાંધીનગર મંગાવવામાં આવશે અને તે જોઈને નક્કી કરવામાં આવશે કે દર્દીને ઓપરેશન કરવાની જરૂર છે કે નહીં. જો રાજ્યના આરોગ્ય વિભાગે આવી ચકાસણી અમલમાં મૂકી હતી તો પછી આ કોની રહેમનજર હેઠળ જૂનાગઢમાં 76 દર્દીઓનાં ખોટાં ઓપરેશન થઈ ગયાં અને એ પણ આયુષ્માન યોજના હેઠળ. શું આયુષ્માન યોજના હોસ્પિટલો માટે પૈસા છાપવા માટેનું ATM કાર્ડ બની ગયું છે?

શા માટે આરોગ્ય વિભાગે જૂનાગઢની કે. જે. હોસ્પિટલને સસ્પેન્ડ નથી કરી? અનધિકૃત ડોક્ટરે 76 દર્દીઓનાં ઓપરેશન કરી નાખ્યાં ત્યાં સુધી જૂનાગઢનો આરોગ્ય વિભાગ શું કરતો હતો? ગાંધીનગરમાં બેઠા આરોગ્ય વિભાગના અધિકારીઓ કઈ સીડી જોતા હતા? ઓપરેશન કરવાનાં હોય એવા દર્દીઓની સીડી જોવાનું કામ અધિકારીઓનું છે તો આ 76 દર્દીઓની સીડી અને જરૂરી રિપોર્ટ કોણે જોયા અને કઈ રીતે એક જ હોસ્પિટલમાં 76 દર્દીઓની સર્જરી કોઈ પણ જાતની મંજૂરી વગર કરી દેવામાં આવી?

 

જુનાગઢની કે.જે. હોસ્પિટલને રૂ. ૧૨.૫૦ લાખનો દંડ અને શો-કોઝ નોટીસ

ગાંધીનગર આરોગ્ય કમિશ્નર કચેરીના અધિક નિયામક ડૉ. હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા જુનાગઢની કે.જે. હોસ્પિટલને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગંભીર ગેરરીતિઓ આચરવા બદલ કડક પેનલ્ટી અને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટ અને આરોગ્ય વિભાગની તપાસમાં આ હોસ્પિટલ દ્વારા સરકારી યોજનાની માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. જેને હોસ્પિટલ સત્તાવાળાઓએ પણ રોજકામ દરમિયાન સ્વીકારી લીધું છે. આ સમગ્ર મામલે કમિશ્નરશ્રીની પૂર્વ મંજૂરી બાદ હોસ્પિટલ સામે સત્તાવાર રીતે દંડનીય પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ડૉ. શ્રીનિવાસ કુમારન ડિસેમ્બર-૨૦૨૪ સુધી જ હોસ્પિટલ સાથે સંકળાયેલા હોવા છતાં, હોસ્પિટલે ડિસેમ્બર-૨૦૨૪ થી ઓક્ટોબર-૨૦૨૫ સુધી તેમના નામે ૭૬ ઓપરેશનો ક્લેઇમ કર્યા હતા. આ ઓપરેશનો વાસ્તવમાં ડૉ. એસ. દિનેશ નામના ડૉક્ટરે કર્યા હતા. જેઓ તે સમયે કોઈપણ સર્જરી કરવા માટે અધિકૃત નહોતા કારણ કે તેમની પાસે તે સમયે મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન નહોતું અને તેઓ યોજનાના પોર્ટલ પર પણ માન્ય નહોતા. આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા ટીએમએસ રેકોર્ડમાં નિયમ વિરૂદ્ધ જઈને એક જ દિવસમાં ત્રણથી વધુ વખત ઘૂંટણના રિપ્લેસમેન્ટના ઓપરેશનો ડૉ. નૈતિક છત્રાલાના નામે દર્શાવવામાં આવ્યા હોવાનું પણ ઓડિટમાં ખૂલ્યું છે. આ ગંભીર બેદરકારી અને નિયમોના ભંગ બદલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૭૬ કેસોની કુલ રકમ રૂપિયા સવા કરોડના ૧૦ ટકા લેખે રૂપિયા ૧૨,૫૦,૪૮૭ નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ સાત દિવસની અંદર યોજનાના નિયત બેંક ખાતામાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

વધુમાં, એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં ત્રણથી વધુ ઘૂંટણના ઓપરેશન ન કરી શકે તેવા નિયમનો ભંગ કરવા બદલ હોસ્પિટલને શો-કોઝ નોટીસ પાઠવીને ભવિષ્યમાં આવી ઘટના ન દોહરાવવા તાકીદ કરાઈ છે. આરોગ્ય વિભાગે કે.જે. હોસ્પિટલને એફિડેવિટ પેપર પર એક સત્તાવાર સોગંદનામું રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. આ સોગંદનામામાં હોસ્પિટલે લખાણ આપવું પડશે કે જો ભવિષ્યમાં ફરી ક્યારેય યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે, તો સરકાર દ્વારા હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે ડી-એમ્પેનલ્ડ કરી દેવામાં આવશે. ભવિષ્યમાં સરકારી યોજનાના ગરીબ લાભાર્થીઓને કોઈ અગવડ ન પડે અને યોજનાનો લાભ સુવ્યવસ્થિત રીતે મળતો રહે તે માટે હોસ્પિટલને વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે. આ પત્રની નકલો જુનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તેમજ સંબંધિત ઇન્સ્યોરન્સ કંપનીઓને આગળની કાર્યવાહી અને જાણ સારું મોકલી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *