
યુવતીનો કોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: “પોલીસે સોનું અને રોકડા પડાવ્યા”
રિમાન્ડની મુદત પૂરી થતાં નિકોલ પોલીસે આરોપી હર્ષિદા શેટ્ટીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી. આ દરમિયાન સૌના આશ્ચર્ય વચ્ચે યુવતીએ કોર્ટ સમક્ષ એક લેખિત અરજી રજૂ કરી હતી. આ અરજીમાં તેણે આરોપ લગાવ્યો છે કે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસે ભેગા મળીને તેની પાસેથી રૂ. 1 લાખ રોકડા અને સોનું પડાવી લીધું છે. તેની ધરપકડ દરમિયાન કાયદાકીય નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસની ગેરહાજરીમાં જ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તેનું ચેકિંગ કર્યું હતું.
કોર્ટે પોલીસને ફટકારી નોટિસ, સોમવારે વધુ સુનાવણી
યુવતી દ્વારા કરવામાં આવેલા આ ગંભીર અને ચોંકાવનારા ખુલાસાને કોર્ટે ગંભીરતાથી નોંધ્યો છે. કોર્ટે આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને નિકોલ પોલીસને નોટિસ જારી કરીખુલાસો માંગ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસની આગામી સુનાવણી હવે સોમવારે હાથ ધરવામાં આવશે. રૂ. 1.66 કરોડના દાગીનાની ચોરીના આ કેસમાં સૌપ્રથમ ક્રાઈમ બ્રાન્ચે સેલ્સમેન હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ તપાસ માટે તેને નિકોલ પોલીસને સોંપવામાં આવી હતી. નિકોલ પોલીસે કોર્ટમાંથી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેની મુદત પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા
એક તરફ કરોડો રૂપિયાની ચોરીનો ગુનો અને બીજી તરફ તપાસ કરનારી એજન્સીઓ પર જ નાણાં અને સોનું પડાવવાનો આક્ષેપ થતાં કાયદાકીય વર્તુળો અને પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. હવે સોમવારે થનારી કોર્ટની સુનાવણી પર સૌની નજર મંડાયેલી છે.