લૂંટેરી દુલ્હન! સગા પતિએ જ ભાઈ બનીને કર્યું કન્યાદાન, એક વોટ્સએપ ચેટથી ખુલી ગઈ પોલ, જાણો આખો મામલો

Spread the love

લગ્નના પવિત્ર બંધનને કલંકિત કરતી અને ફિલ્મી સ્ટોરીને પણ પાછળ છોડી દે તેવી એક ચકચારી ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવી છે. અહીં લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી એક એવી ‘લૂંટેરી દુલ્હન’ઝડપાઈ છે, જેનો સગો પતિ જ લગ્નના મંડપમાં તેનો ભાઈ બનીને આવ્યો હતો અને પોતે જ પોતાની પત્નીનું કન્યાદાન કર્યું હતું!

લગ્નના નામે લાખોની ઠગાઈ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લગ્નના નામે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જબલપુરના એક લગ્નોત્સુક યુવકના લગ્ન જે યુવતી સાથે કરાવવામાં આવ્યા હતા, તે અગાઉથી જ પરણેલી નીકળી હતી. નવાઈની વાત એ હતી કે લગ્નમાં ભાઈ બનીને કન્યાદાન કરનાર યુવક જ દુલ્હનનો અસલી પતિ નીકળ્યો હતો. પીડિત પરિવારની ફરિયાદના આધારે ઝાંસી રોડ પોલીસ સ્ટેશને લૂંટારી દુલ્હન સહિત સાત લોકો સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાંચ ભાઈઓ માટે કન્યા શોધતા પરિવાર સાથે ખેલાયો ખેલઆ સમગ્ર મામલો ગ્વાલિયરના ઝાંસી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના નાકા ચંદ્રવદની વિસ્તારનો છે. અહીં રહેતા રતન શર્મા જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ટીમ લીડર તરીકે કામ કરે છે. પરિવારમાં પાંચ ભાઈઓ છે અને તેમાંથી કોઈના લગ્ન થયા નહોતા. આખો પરિવાર લાંબા સમયથી સારા સંબંધની શોધમાં હતો. આ દરમિયાન પાડોશી સોનુ તિવારીએ રતનના ભાઈ ગોવિંદને જણાવ્યું કે, મુરેનાનો રહેવાસી તેનો મિત્ર સોનુ ઉર્ફે અજય ચૌહાણ તેની ગરીબ માનીતી બહેન રાધા ઉર્ફે દીક્ષા મુદ્ગલ માટે યોગ્ય વરની શોધમાં છે.

પાડોશી સોનુ તિવારીની વાત પર ભરોસો રાખીને રતનની માતા અને ભાઈ છોકરી જોવા પહોંચ્યા હતા. ફોટો ગમ્યા બાદ સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રતન જબલપુરથી ગ્વાલિયર આવ્યો અને લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ.

 

હોટલમાં ધામધૂમથી લગ્ન, આખો પરિવાર જ નકલી નીકળ્યો27 એપ્રિલ 2026ના રોજ આરોપી સોનુ ચૌહાણ પોતાને છોકરીનો ભાઈ ગણાવીને ખોળો ભરવાની વિધિ કરવા પહોંચ્યો હતો. ત્યારબાદ 7 મેના રોજ પાટનકર ચોક નજીક આવેલી સુખસાગર હોટલમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. આ લગ્નમાં આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

લગ્ન દરમિયાન સોનુ ચૌહાણની માતા માયા દેવીએ છોકરીની માતા બનીને કન્યાદાન કર્યું હતું. જ્યારે તેની બહેન શિલ્પી, બહેનોઈ રાઘવેન્દ્ર અને ભાઈ સત્યેન્દ્ર પણ કન્યા પક્ષના સંબંધીઓ બનીને લગ્નમાં સામેલ થયા હતા. લગ્ન પછી દુલ્હનને વિદાય આપીને નાકા ચંદ્રવદની સ્થિત ઘરે લાવવામાં આવી હતી. લગ્ન બાદ દુલ્હન સતત મોબાઈલ પર કોઈની સાથે ચેટ કરતી રહેતી હતી. આ બાબતે રતનને શંકા ગઈ. એક રાત્રે જ્યારે તેણે દુલ્હનનો મોબાઈલ ચેક કર્યો તો વોટ્સએપ ચેટ જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

વોટ્સએપ ચેટથી ખુલ્યું પાપોનું પોટલુંતપાસમાં સામે આવ્યું કે ભાઈ બનીને લગ્ન કરાવનાર સોનુ ઉર્ફે અજય ચૌહાણ જ દીક્ષાનો અસલી પતિ છે. બંનેએ વર્ષ 2024માં આગ્રાના આર્ય સમાજ મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. આ જાણીને રતન અને તેના પરિવારને સમજાયું કે આ આખી ટોળકીએ પ્લાનિંગ પ્રમાણે લગ્ન કરાવીને લાખો રૂપિયાના દાગીના અને રોકડ લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે તરત જ પરિવારને જાણ કરી અને દુલ્હનને પકડીને ઝાંસી રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

પોલીસે રાધા ઉર્ફે દીક્ષા મુદ્ગલ, સોનુ ઉર્ફે અજય ચૌહાણ, માયા દેવી, શિલ્પી પરમાર, રાઘવેન્દ્ર પરમાર, સત્યેન્દ્ર ચૌહાણ અને સોનુ તિવારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લૂંટારી દુલ્હનને વન સ્ટોપ સેન્ટર મોકલી દેવામાં આવી છે, જ્યારે તેના કથિત પતિ સોનુ ચૌહાણને પોલીસે કસ્ટડીમાં લીધો છે. અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો રવાના કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *