ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને છેલ્લા સાત વર્ષથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક શાતિર જોડીની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ આંગડિયા પેઢીમાંથી બોલતા હોવાનો સ્વાંગ રચીને વેપારીઓને વિશ્વાસમાં લેતા અને પછી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવીને લાખો રૂપિયાની ઠગાઈ કરતા હતા. આખરે કેવી રીતે પોલીસના સકંજામાં આવી જોઇએ આ અહેવાલમાં.
બંને આરોપી મૂળ ભૂજના રહેવાસી
અમદાવાદ શહેરમાં વેપારીઓને નિશાન બનાવી અલગ અલગ વસ્તુઓની ખરીદીના નામે ઓનલાઇન છેતરપિંડી આચરતી ટોળકી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ છેલ્લા ઘણા સમયથી તપાસ ચલાવી રહી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કચ્છના ભુજ ખાતેથી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ રસીકલાલ મણીલાલ ઠક્કર (ઉંમર ૩૬ વર્ષ) અને મુકેશ પરસોત્તમભાઈ ચેલારામ સોરઠિયા (ઉંમર ૩૭ વર્ષ) નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ ભુજ ખાતે રહે છે અને છેલ્લા સાત વર્ષથી ગુજરાત તેમજ મુંબઈના વેપારીઓને નિશાન બનાવી રહ્યા હતા.
બંને ઠગ સૌપ્રથમ ગૂગલ અને યુટ્યુબ પરથી જથ્થાબંધ વેપારીઓના મોબાઇલ નંબર મેળવતા
આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને ઠગ સૌપ્રથમ ગૂગલ અને યુટ્યુબ પરથી જથ્થાબંધ વેપારીઓના મોબાઇલ નંબર મેળવતા હતા. ત્યારબાદ વેપારી બનીને માલના ફોટોગ્રાફ્સ અને બિલ મંગાવતા. બિલ તૈયાર થયા બાદ આરોપીઓ પૈકીનો એક ઇસમ અવાજ બદલીને વેપારીને ફોન કરતો અને પોતે આંગડિયા પેઢીમાંથી બોલતો હોવાનો દાવો કરતો. ફોન પર વેપારીને કહેવામાં આવતું કે, “તમારું પેમેન્ટ આવી ગયું છે અને તમારો ટોકન નંબર આ છે.” થોડીવાર બાદ ફરી ફોન કરીને કહેવામાં આવતું કે, “ભૂલથી આંગડિયામાં ૧૦ થી ૧૫ હજાર રૂપિયા વધારે ચૂકવાઈ ગયા છે. આ રકમ બીજા વેપારીને મોકલવાની છે. જેથી તમે આ QR કોડ સ્કેન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી દો.”
આમ આ રીતે આંગડિયા પેઢીના વિશ્વાસમાં આવી વેપારીઓ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી દેતા અને ઠગાઈનો ભોગ બનતા હતા.
ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને પોતાના શિકાર બનાવ્યા
આરોપીઓએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને પોતાના શિકાર બનાવ્યા છે. મોબાઇલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડિયાળ, કટલેરી, કપડાં તેમજ નટ-બોલ્ટ જેવા વેપારીઓ સાથે તેઓએ લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. મુંબઈમાં જ અંદાજે એક કરોડ રૂપિયાનો માલસામાન ઠગાઈથી મેળવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી મોબાઇલ એસેસરીઝ અને રૂપિયા ૨૭ હજાર ૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ અન્ય ગુનાઓમાં પણ તેમની સંડોવણી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
