
આનો અર્થ એ છે કે, હવે દેશભરમાં ઉપયોગમાં લેવાતા નવા યુગના ઇંધણ ડિસ્પેન્સર્સ પણ સરકારી ધોરણો હેઠળ તપાસવામાં આવશે, જેથી ગ્રાહકોને યોગ્ય માત્રામાં ઇંધણ મળી શકે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય.
હવે ડિસ્પેન્સરની થશે સરકારી તપાસ
સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારત ઝડપથી ક્લીન ફ્યુઅલ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં CNG અને LNG વાહનોની સંખ્યા ઝડપથી વધી છે, જ્યારે હાઇડ્રોજન ફ્યુઅલ ટેક્નોલોજીને પણ ભવિષ્યનો મોટો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. સરકાર પહેલાથી જ ઇલેક્ટ્રિક અને ગ્રીન એનર્જી સેક્ટરમાં મોટું રોકાણ કરી રહી છે. આવી સ્થિતિમાં ફ્યુઅલ ડિસ્પેન્સિંગ સિસ્ટમની પારદર્શિતા અને સચોટતા સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી.
નવી વ્યવસ્થા હેઠળ હવે GATC માત્ર વજન અને માપન કરતા સાધનો પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ પેટ્રોલ, ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સરની પણ તપાસ કરશે. અગાઉ આ વ્યવસ્થા માત્ર 18 પ્રકારના સાધનો પર જ લાગુ હતી, પરંતુ હવે તેમાં પાંચ નવા ફ્યુઅલ ડિસ્પેન્સર ઉમેરવામાં આવ્યા છે. આનાથી કુલ સંખ્યા વધીને 23 થઈ ગઈ છે.
ફ્યુઅલ ચોરી પર લાગશે લગામ
સરકારનું કહેવું છે કે, આ પગલાનો સૌથી મોટો ફાયદો સામાન્ય ગ્રાહકોને મળશે. અવારનવાર લોકોની ફરિયાદ હોય છે કે, પેટ્રોલ પંપ કે ગેસ સ્ટેશન પર ઓછી માત્રામાં ઇંધણ આપવામાં આવે છે. હવે નવી તપાસ વ્યવસ્થાથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, ગ્રાહક જેટલા રૂપિયા ચૂકવી રહ્યો છે, તેને એટલું જ ઇંધણ મળે. આનાથી ટ્રાન્ઝેક્શનમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીના કેસોમાં ઘટાડો થશે.
સરકારે ફ્યુઅલ વેરિફિકેશન ફી નક્કી કરી
આ ઉપરાંત સરકારે વેરિફિકેશન ફી પણ નક્કી કરી દીધી છે. પેટ્રોલ અને ડીઝલ ડિસ્પેન્સર માટે પ્રતિ નોઝલ 5,000 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે, જ્યારે CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર માટે 10,000 પ્રતિ નોઝલ ફી નક્કી કરવામાં આવી છે. આનાથી પ્રાઇવેટ લેબ અને ઇન્ડસ્ટ્રીને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે, જેથી ટેકનિકલ કુશળતાનો વધુ સારો ઉપયોગ થઈ શકે.
રાજ્ય સરકારોને પણ નવી સત્તાઓ આપવામાં આવી છે. હવે તેઓ પોતાના રાજ્યોની જરૂરિયાત મુજબ વધારાના સાધનો અને માપન પ્રણાલીને GATC હેઠળ સામેલ કરી શકશે. આનાથી સ્થાનિક સ્તરે તપાસ અને દેખરેખની પ્રક્રિયા વધુ મજબૂત બનશે. બીજી તરફ વહીવટી કામગીરીને ઝડપી બનાવવા માટે જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) રેન્ક અને તેનાથી ઉપરના અધિકારીઓને મંજૂરી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
આ નિર્ણયથી લોકોનો ભરોસો વધશે
નિષ્ણાતોનું માનવું છે કે, આગામી વર્ષોમાં ભારતનું ફ્યુઅલ માર્કેટ ઝડપથી બદલાવાનું છે. પેટ્રોલ અને ડીઝલની સાથે CNG, LNG અને હાઇડ્રોજન જેવા વિકલ્પોની માંગ વધશે. આવી સ્થિતિમાં સરકારનું આ પગલું માત્ર ગ્રાહક સુરક્ષા જ નહીં, પરંતુ દેશના ગ્રીન એનર્જી મિશનને મજબૂત કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આનાથી લોકોનો ભરોસો વધશે અને ક્લીન ફ્યુઅલ અપનાવવાની ગતિ પણ ઝડપી બની શકે છે.