સ્વસ્થ કાયા, સશક્ત સમાજ’ના સંકલ્પને વધુ મજબૂત કરવા તથા નિરોગી અને ઉર્જાવાન જીવન માટે યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની નાગરિકોને અપીલ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે,મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર યોગના ક્ષેત્રમાં વ્યાપક કાર્ય કરી રહી છે : શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
અમદાવાદ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આગામી 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંદર્ભે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદના ઓઢવ ખાતે આયોજિત યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ શિબિરમાં સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો હતો. ‘સ્વસ્થ કાયા, સશક્ત સમાજ’ના સંકલ્પને વધુ મજબૂત કરવા તથા નિરોગી અને ઉર્જાવાન જીવન માટે યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા તેઓએ નાગરિકોને અપીલ કરી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ, કારણ કે તેમણે ભારતના યોગને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમના પ્રયાસોના પરિણામે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વે પણ યોગના મહત્વને સ્વીકાર્યું છે. આ પ્રસંગે તેમણે યોગથી થતા વિવિધ ફાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, યોગ પ્રત્યે જનજાગૃતિ વધારવી આપણી ફરજ છે. યોગના આરોગ્યલક્ષી લાભો અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેની ભૂમિકા અંગે વધુમાં વધુ લોકોને માહિતગાર કરી, યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવા સૌ નાગરિકોએ અન્યોને પ્રેરણા આપવી જોઈએ.યોગ વર્ષોથી આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાતમાં યોગ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે.
ભારત સરકાર દ્વારા યોગ પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર યોગના ક્ષેત્રમાં વ્યાપક કાર્ય કરી રહી છે. સાથે જ તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીના યોગદાનની પણ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમના દ્વારા અનેક યોગ શિક્ષકો તૈયાર કરવામાં આવ્યા છે જે રાજ્યના નાગરિકોને યોગનું શિક્ષણ આપી અને તેના ફાયદાથી અવગત કરાવી રહ્યાં છે.


