સૌરાષ્ટ્રમાં રક્તરંજિત માર્ગો: લાઠી અને જસદણ નજીક બે ગોઝારા અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યા જીવ, પરિવારોમાં કલ્પાંત

Spread the love
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક મોડી રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે પ્રચંડ (Saurashtra road accident) અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ કરુણ દુર્ઘટનામાં અલ્ટો કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

હાઈવે પર ચક્કાજામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માત થતાં જ હાઈવે પર સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસનો કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. આ સાથે જ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા માટે પોલીસે ખાનગી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે અને મુસાફરોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.

 

મૃતકોની ઓળખ

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કારમાં સવાર ત્રણેય મૃતક હતભાગીઓની ઓળખ થઈ ગઈ છે, જેમના નામ નીચે મુજબ છે:

જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા

ભરતભાઈ હરિભાઈ સોજીત્રા

અસ્મિતાબેન ચતુરભાઈ ગઢીયા (ઉંમર વર્ષ 30)

 

જસદણ નજીક કાર અને બોલેરો વચ્ચે ભયાનક ટક્કર: 2 પિતરાઈ ભાઈઓના કરુણ મોત

બીજી તરફ, જસદણ પંથકના ગોખલાણા ગામની સીમ પાસેથી પસાર થઈ રહેલી એક કાર અને બોલેરો વચ્ચે કોઈ કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોનો કુચ્ચો બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ગોખલાણા ગામના રહેવાસી ઘનશ્યામ મઘાભાઈ બેરાણી અને રાજેશ ભાયાભાઈ બેરાણી નામના બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતક બંને યુવકો સગા પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

 

ઇજાગ્રસ્તોને આટકોટની હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય ૩ લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી, તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ આટકોટની કે. ડી. પરવાડિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *