પદ્મ સન્માન મેળવવા માટે ફેમસ હોવું જરૂરી નથી! સરકાર આ રીતે કરે છે પસંદગી

Spread the love

તોરલ કવિદેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં ગણાતા પદ્મ પુરસ્કારો માત્ર જાણીતા સેલિબ્રિટીઝ માટે જ હોય છે એવી માન્યતા છે, પરંતુ હકીકતમાં કોઈ પણ સામાન્ય ભારતીય નાગરિક આ સન્માન માટે પોતાનું અથવા અન્ય કોઈનું નામ ભલામણ કરી શકે છે. દર વર્ષે ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને પદ્મ એવોર્ડ્સથી નવાજવામાં આવે છે.

આ વર્ષે પણ કલા, સંગીત, ફિલ્મ, રમતગમત, સમાજસેવા અને સાહિત્ય સહિત અનેક ક્ષેત્રોની 131 હસ્તીઓને સન્માન માટે પસંદ કરવામાં આવી છે. તેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પદ્મ સન્માન માટે પસંદગી પ્રક્રિયા ખૂબ જ વિશાળ અને ગોપનીય હોય છે. દર વર્ષે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના પોર્ટલ પર નામાંકન પ્રક્રિયા શરૂ થાય છે, જ્યાં કોઈ પણ ભારતીય નાગરિક ભલામણ મોકલી શકે છે. ખાસ વાત એ છે કે માત્ર લોકપ્રિયતા નહીં, પરંતુ સમાજ માટેનું અસાધારણ કાર્ય, પ્રતિષ્ઠા અને લાંબા સમયનું યોગદાન વધુ મહત્વ ધરાવે છે.

એકવાર હજારો નામાંકનો મળ્યા બાદ, સરકારી સ્તરે તેની ચકાસણી કરવામાં આવે છે. ઉમેદવારની સિદ્ધિઓ, સમાજમાં પ્રતિષ્ઠા અને કાર્યક્ષેત્રમાં આપેલા યોગદાનની વિગતવાર તપાસ થાય છે. ત્યારબાદ મામલો પહોંચે છે પદ્મ એવોર્ડ કમિટીની પાસે, જે દર વર્ષે દેશના વડાપ્રધાન દ્વારા રચાય છે.

આ કમિટીમાં વરિષ્ઠ અધિકારીઓ અને અગાઉ પદ્મ સન્માન મેળવી ચૂકેલી હસ્તીઓ સામેલ હોય છે. કમિટી તમામ નામોની સમીક્ષા કર્યા બાદ પસંદગી યાદી તૈયાર કરે છે, જેને અંતે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે. ત્યારબાદ જ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવે છે.

ઘણા લોકો માને છે કે પદ્મ એવોર્ડ મેળવવા માટે ખૂબ પ્રસિદ્ધ હોવું જરૂરી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એવા અનેક “અનસંગ હીરો”ને પણ આ સન્માન મળ્યું છે, જેમનું કામ તો અદ્ભુત હતું પરંતુ તેઓ રાષ્ટ્રીય સ્તરે ખાસ જાણીતા નહોતા. જણાવી દઈએ કે કોઈ વ્યક્તિ ઇચ્છે તો આ સન્માન સ્વીકારવાનો ઇનકાર પણ કરી શકે છે. ભૂતકાળમાં કેટલાક લોકોએ પુરસ્કાર પરત પણ કર્યા છે. ખાસ પરિસ્થિતિમાં સરકાર પાસે એવોર્ડ પાછો ખેંચવાની સત્તા પણ હોય છે.

આ વર્ષની યાદીમાં અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અલ્કા યાજ્ઞિક, મામુટી, અને સતિષ શાહ જેવા જાણીતા નામો પણ સન્માનિત થનારાઓમાં સામેલ છે. આ વર્ષે પદ્મ સન્માન મેળવનાર કેટલીક જાણીતી હસ્તીઓ

પદ્મ વિભૂષણ

• ધર્મેન્દ્ર (મરણોત્તર) • એન. રાજમ

પદ્મ ભૂષણ

• અલ્કા યાજ્ઞિક • મામુટી • પિયુષ પાંડે (મરણોત્તર)

પદ્મશ્રી

• સતિષ શાહ (મરણોત્તર) • પ્રસન્નજીત ચેટર્જી • મુરલી મોહન • દિપીકા રેડ્ડી • કુમાર બોઝ • તરુણ ભટ્ટાચાર્ય • તૃપ્તિ મુખર્જી • અરવિંદ વૈદ્ય • રાજેન્દ્ર પ્રસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *