અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે ટાટા એરલાઈન્સે આરોગ્ય વિભાગને રૂ.૫૩.૧૨ કરોડ ચૂકવશે : આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ. ૫૩.૧૨ કરોડની માંગણી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં સકારાત્મક અભિગમ દાખવીને ટાટા એરલાઈન્સે રૂ. ૫૩.૧૨ કરોડની પૂરેપૂરી રકમ આગામી સમયમાં આરોગ્ય વિભાગને ચૂકવશે તેમ, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.
આ અંગે વિગતો આપતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગત તા. ૧૨ જૂન ૨૦૨૫ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના ‘અતુલ્યમ ૧ થી ૪’ બ્લોક્સ, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં કુલ ૯૨ વિદ્યાર્થીઓ રહેતા હતા. વિમાન દુર્ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિંગ્સ રહેવા માટે અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાની ફરજ પડી હતી. આમ, વિદ્યાર્થીઓની રહેવાની સુવિધા ખોરવાય નહીં અને તેમના હિતમાં તાત્કાલિક નવીન હોસ્ટેલ બનાવવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે નવી બનનારી આધુનિક હોસ્ટેલ અંગે મંત્રીશ્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે ડૉક્ટર્સ માટે અંદાજિત રૂ.૧૦૫ કરોડના ખર્ચે નવીન અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મેડિકલ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિટીની નવીન ૪૮ બેઠકોના વધારાને ધ્યાનમાં રાખીને, આગામી ત્રણ વર્ષના કુલ ૧૪૪ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૩૬ સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. ડોક્ટર્સ રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ મેન્ટલ કેમ્પસ – આઈ.જી.પી. કમ્પાઉન્ડ, મેઘાણીનગર ખાતે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ બ્લોક ઉપરાંત એક આધુનિક કેન્ટીન બ્લોક અને નવું સબ-સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પૂરતી જગ્યા પણ ફાળવી દીધી છે.
આ કામગીરીને વધુ વેગ આપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં અંદાજિત રકમ રૂ. ૫૧.૮૪ કરોડની સામે રૂ. ૩૪.૬૫ કરોડની બજેટ જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આરોગ્ય ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું.
*અતુલ્યમ હોસ્ટેલનું માળખું*
નવીન આયોજિત ‘અતુલ્યમ ૧ થી ૭’ પી.જી. હોસ્ટેલ જી+૮ માળના સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ પ્રોજેક્ટમાં કુલ ૨૩૬ સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી.ડોક્ટરો માટે રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રત્યેક ફ્લેટને સ્ટુડિયો એપાર્ટમેન્ટ શૈલીમાં તૈયાર કરવામાં આવશે, જેમાં એક લિવિંગ રૂમ -એટેચ કિચન સાથે, એક બેડરૂમ અને ટોયલેટની સુવિધા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓ જેવી કે ફાયર ફાઈટીંગ સિસ્ટમ, આર.ઓ. પ્લાન્ટ અને સુદ્રઢ ડ્રેનેજ વ્યવસ્થાનો પણ સમાવેશ કરાયો છે.
વિદ્યાર્થીઓની સુખાકારી માટે હોસ્ટેલ કેમ્પસમાં પાર્કિંગ માટે વિશાળ બેઝમેન્ટ તેમજ અપરિણીત પી.જી. વિદ્યાર્થીઓ માટે અલગ નિવાસસ્થાન, અધ્યતન મેસ, જીમ, રીક્રીએશન રૂમ અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
