ગાંધીનગર ખાતે મહિલાઓ માટે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અને વિવિધ સરકારી યોજનાઓ વિષયક સેમિનાર યોજાયો

Spread the love
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા નીવ ફાઉન્ડેશન, ગાંધીનગરના સહયોગથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- IIT ગાંધીનગર ખાતે ચાલી રહેલા સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત તાલીમ લઈ રહેલી બહેનો માટે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (પ્રતિબંધ, પ્રતિષેધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩” વિષયક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના પ્રોટેક્શન ઓફિસર શ્રી આર. એમ. જીંજાળા, લીડ બેંકના પ્રતિનિધિ શ્રી અનિલ પુરોહિત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી શોભનાબેન તેમજ મિશન શક્તિ કાર્યક્રમમાંથી અશ્વિન જાસકિયા અને બીનલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનાર દરમિયાન પ્રોટેક્શન ઓફિસર શ્રી આર. એમ. જીંજાળા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શોભનાબેન દ્વારા ઉપસ્થિત બહેનોને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે વિગતવાર અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે કાયદામાં સમાવિષ્ટ વિવિધ કલમો, જાતીય સતામણી સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, ન્યાય મેળવવાની પદ્ધતિ તેમજ મહિલાઓના કાનૂની અધિકારો અંગે બહેનોને ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત, પીડિત મહિલાઓ ડિજિટલ માધ્યમથી ઝડપી મદદ મેળવી શકે તે માટે ‘ઈ-નારી પોર્ટલ’ મારફતે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની પ્રાયોગિક માહિતી પણ શેર કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મહિલાઓના આર્થિક ઉત્થાન અને સુરક્ષા માટે ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લીડ બેંકના શ્રી અનિલ પુરોહિત દ્વારા મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ બેન્કેબલ યોજનાઓ અને આર્થિક સહાયની વિગતો પૂરી પાડવામાં આવી હતી. જ્યારે મિશન શક્તિના બીનલબેન દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓને તબીબી, આશ્રય અને કાનૂની સહાય આપતી ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની કામગીરી અને સેવાઓ અંગે બહેનોને માહિતગાર કરાયા હતા. આ સાથે જ મિશન શક્તિના અશ્વિન જાસકિયા દ્વારા ‘મહિલા સ્વાવલંબન યોજના’ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગોની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થી બહેનો સાથે એક ઓપન પ્રશ્નોત્તરી સેશન યોજાયો હતો, જેમાં બહેનો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના ઉપસ્થિત અધિકારીઓએ સંતોષકારક જવાબો આપી તેમની મુંઝવણોનું યોગ્ય નિરાકરણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *