500ના દરની 100માંથી 97 નોટો ડુપ્લીકેટ, સુરતમાંથી આ રીતે ઝડપાયું નકલી નોટોનું કૌભાંડ

Spread the love
શહેરમાં ડુપ્લિકેટ ચલણી નોટોનો ઉપયોગ કરીને વેપારીઓને છેતરવાનું મોટું કૌભાંડ બહાર આવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. સચીન પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરીને માત્ર ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ₹500ના દરની કુલ 322 ડુપ્લીકેટ નોટો મળી આવી છે, જેની કુલ કિંમત અંદાજે ₹1.61 લાખ થાય છે.

આ કેસને માત્ર છેતરપિંડી નહીં પરંતુ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો ગંભીર પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

 

બકરાના વેપારી સાથે થઈ હતી છેતરપિંડી

 

મળતી માહિતી મુજબ, 17 મે 2026ના રોજ સચીન-પલસાણા ટી પોઈન્ટ નજીક બકરાનું વેચાણ કરતા રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના દાદાજીકરેડા ગામના રહેવાસી અને વેપારી ભવારલાલ જયચંદ ભાગરીયા પાસે ચાર શખ્સો પહોંચ્યા હતા. આરોપીઓએ બે બકરાની ખરીદી કરી હતી. એક બકરાની કિંમત ₹25 હજાર નક્કી થતા કુલ સોદો ₹50 હજારનો થયો હતો. આરોપીઓએ વેપારીને ₹500ની 100 નોટો આપી બકરા લઈ સ્થળ પરથી નીકળી ગયા હતા. પરંતુ બીજા દિવસે વેપારીએ નોટો તપાસતા ચોંકી ઉઠ્યા. અનેક નોટોના નંબર એકસરખા જોવા મળતા શંકા ગઈ હતી. વધુ તપાસ કરતા 100માંથી 97 નોટો ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ વેપારીએ સચીન પોલીસનો સંપર્ક કર્યો.

સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

 

ફરિયાદના આધારે સચીન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 179, 180, 318(4), 54, 61 અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનાને ગંભીરતા સાથે લઈ તેને માત્ર છેતરપિંડી નહીં પરંતુ ચલણી વ્યવસ્થા અને અર્થતંત્ર સામેનો ખતરો ગણાવ્યો. પોલીસ કમિશ્નર સ્તરેથી આરોપીઓને ઝડપવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સચીન પોલીસ, સર્વેલન્સ સ્ટાફ અને ટેક્નિકલ ટીમે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.

 

બાતમીના આધારે ચાર આરોપીઓ ઝડપાયા

 

સર્વેલન્સ ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્ફત આલમ સતાર શેખ (ઉંમર 32 વર્ષ) – હાલ લિંબાયત વિસ્તારમાં રહેતો, મૂળ ઝારખંડનો નાઝીર અનુલ અંસારી (ઉંમર 33 વર્ષ) – ટેમ્પો ડ્રાઇવર, લિંબાયત નિવાસી, મૂળ ઝારખંડનો મો. રઈસ રશીદ સિદ્દીકી (ઉંમર 49 વર્ષ) – સિલાઈ કામ સાથે સંકળાયેલ, મૂળ ઉત્તર પ્રદેશનો મોહમ્મદ જમાલ અબ્દુલ સતાર શેખ (ઉંમર 34 વર્ષ) – વેપાર સાથે સંકળાયેલ, મૂળ ઝારખંડનો ચારેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

 

ગોડાઉન અને ઘરમાંથી મળી વધુ નકલી નોટો

 

પોલીસ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી માહિતી સામે આવી હતી. મુખ્ય આરોપી મોહમ્મદ ઉલ્ફત શેખના ઓનલાઈન સેલિંગ માટે વપરાતા ગોડાઉનમાંથી ₹500ના દરની 20 ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. ત્યારબાદ તેના ઘરની તપાસ હાથ ધરતા વધુ 205 નોટો મળી આવી હતી. પોલીસ પહોંચે તે પહેલાં આરોપીએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, કેટલીક નોટો પાણીમાં પલાળી નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. અમુક નોટોને સળગાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો. ઘરમાંથી બાળેલી નોટોના ટુકડા પણ મળી આવ્યા હતા. પોલીસે તમામ સામગ્રી કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. કુલ ₹1.61 લાખની ડુપ્લીકેટ નોટો જપ્ત. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 322 નકલી નોટો કબ્જે કરી છે, જેમાં તમામ નોટો ₹500ની હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત થયેલી નોટોની કુલ કિંમત ₹1,61,000 થાય છે. હાલ પોલીસ આ નોટો ક્યાંથી લાવવામાં આવી, શું તેની પાછળ મોટું રેકેટ કાર્યરત છે, અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને આ નોટો અન્ય શહેરોમાં પણ સપ્લાય થતી હતી કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *