દેશભરમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાડોશી રાજ્યોમાં જતા જ તમારી ગાડીનું ટેન્ક ફૂલ કરાવવું તમારા ખિસ્સાને કેમ ભારે પડી જાય છે? કેમ લાંબા રૂટના ટ્રક ડ્રાયવરો કે ગુજરાતમાંથી પસાર થતી કારો ગુજરાતમાં લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ અને ડીઝલ પૂરાવીને નીકળે છે.
જેના કારણો પણ છે. ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેટ્રોલ આશરે ₹10થી ₹12 જેટલું મોંઘું મળી રહ્યું છે. સરહદ બદલાતા જ કિંમતોમાં આવતા આ આસમાન-જમીનના તફાવત પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય કારણ નથી, પરંતુ રાજ્યોની પોતાની ટેક્સ નીતિ છે.
ચાલો સમજીએ કે વેટ (VAT), સેસ અને સ્થાનિક ટેક્સનું એવું કયું ગણિત છે જે ગુજરાતના વાહનચાલકોને મોટી રાહત આપી રહ્યું છે.દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાતા હોય છે, પરંતુ દરેક રાજ્યમાં તેની કિંમત અલગ અલગ હોય છે. તેના પાછળનું મુખ્ય કારણ રાજ્ય સરકારો દ્વારા વસુલાતો વેટ (VAT), સેસ અને અન્ય સ્થાનિક ટેક્સ છે.
સૌથી મોટી વાત એ પણ છે કે સૌથી ઓછો ટેક્સ લેતા રાજ્યોની વાત કરીએ તો ગુજરાત એ ટોપ 5 રાજ્યોમાં આવે જ્યાં વેટ અને સેસ ઓછો છે. એટલે ગુજરાતીઓને ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલના સંઘર્ષ વચ્ચે પણ પેટ્રોલ ઓછા ભાવે મળી રહ્યું છે.
ગુજરાત વિરુદ્ધ પાડોશી રાજ્યો: વેટ અને સેસનું ગણિત
ગુજરાત: ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ટેક્સનો દર પ્રમાણમાં ઘણો નીચો છે. પેટ્રોલ પર 13.7% VAT અને ડીઝલ પર 14.9% VAT લાગે છે. આ સિવાય વેટ અને ટાઉન રેટ પર 4% સેસ વસૂલવામાં આવે છે.
મહારાષ્ટ્ર: તમને નવાઈ લાગશે પણ અહીં બેઝિક વેટ દર જ ખૂબ ઊંચો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર 25% VAT વસૂલાય છે અને તેની ઉપર ₹5.12 પ્રતિ લીટર વધારાનો ફિક્સ ટેક્સ (Additional Tax) ઝીંકવામાં આવે છે. જ્યારે ડીઝલ પર 21% VAT વસૂલવામાં આવે છે.
રાજસ્થાન: રાજસ્થાનમાં પેટ્રોલ પર 29.04% VAT છે અને સાથે ₹1500 પ્રતિ કિલોલીટર (એટલે કે ₹1.50 પ્રતિ લીટર) રોડ ડેવલપમેન્ટ સેસ લેવાય છે. ડીઝલ પર 17.30% VAT અને ₹1.75 પ્રતિ લીટર રોડ સેસ વસૂલવામાં આવે છે. જેનાથી આ રાજ્યોમાં ભાવ ઉંચા છે.
હાલ ક્યાં કેટલો છે ભાવ ?
તાજેતરના ભાવ વધારા બાદ ગુજરાતમાં પેટ્રોલ લગભગ ₹100થી 101 પ્રતિ લિટર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ ₹112થી 113 એ પહોંચી ગયું છે. રાજસ્થાનમાં પણ પેટ્રોલ ₹112થી 114ની વચ્ચે વેચાઈ રહ્યું છે. એટલે ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં પેટ્રોલ લગભગ 10થી 12 રૂપિયા મોંઘું છે, જ્યારે રાજસ્થાનમાં પણ આટલો જ તફાવત જોવા મળે છે.
ત્રણેય રાજ્યોનું ટેક્સ માળખું
પેટ્રોલ-ડીઝલના દરમાં કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યૂટી ઉપરાંત રાજ્ય સરકારનો વેટ ઉમેરાય છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર લગભગ 26 ટકા સુધી વેટ અને વધારાનો 5 ટકા સેસ વસુલાય છે. મુંબઈ જેવા શહેરોમાં સ્થાનિક સેસના કારણે ભાવ વધુ છે. રાજસ્થાનમાં પણ પેટ્રોલ પર 30 ટકાની આસપાસ વેટ હોવાથી ભાવ ઊંચા રહે છે.
સૌથી મોંઘા રાજ્યો (ઊંચો વેટ અને સેસ)
તેલંગાણા : દેશમાં સૌથી વધુ વેટ વસૂલતા રાજ્યોમાંનું એક છે, જ્યાં પેટ્રોલ પર 35.20% VAT અને ડીઝલ પર 27% VAT છે.
આંધ્રપ્રદેશ: અહીં પેટ્રોલ પર 31% VAT + ₹4 પ્રતિ લીટર ફિક્સ વેટ + ₹1 પ્રતિ લીટર રોડ સેસ લાગે છે, જેના કારણે અહીં દેશનું સૌથી મોંઘું ઇંધણ મળે છે.
કેરળ : કેરળમાં 30.08% વેટ ઉપરાંત ₹1 વધારાનો સેસ, 1% નોર્મલ સેસ અને ₹2 પ્રતિ લીટર સોશિયલ સિક્યોરિટી સેસ પણ લેવામાં આવે છે.
કર્ણાટક અને બિહાર : કર્ણાટકમાં પેટ્રોલ પર આશરે 29.84% સેલ્સ ટેક્સ છે, જ્યારે બિહારમાં 23.58% વેટ પર 30% સરચાર્જ વસૂલવામાં આવે છે.
ગુજરાતમાં 10થી 12 રૂપિયા સસ્તું છે પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી ઉપરાંત રાજ્ય સરકારનો વેટ પણ ઉમેરાય છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વેટ અને સેસ વધુ હોવાના કારણે ગ્રાહકોને વધારે કિંમત ચૂકવવી પડે છે. જ્યારે ગુજરાતમાં આ રાજ્યોની સરખામણીએ વેટનો દર ઓછો હોવાથી અહીં પેટ્રોલ-ડીઝલ 10થી 12 રૂપિયા સસ્તુ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટેક્સનો હિસ્સો મોટો હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે તો રાજ્ય સરકારો પણ ટેક્સમાં ઘટાડો કરે તો લોકોને રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટ ખર્ચ અને મોંઘવારી પર પડે છે.
