
રક્ષામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ RFP શોર્ટલિસ્ટ કરાયેલા ત્રણ ભારતીય કન્સોર્ટિયમ્સ (સમૂહો)ને મોકલવામાં આવ્યું છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો-ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારત ફોર્જ-બેમલ સામેલ છે. હવે આ કંપનીઓએ સરકાર સમક્ષ પોતાનો ટેકનિકલ અને ઔદ્યોગિક પ્રસ્તાવ રજૂ કરવો પડશે.
રશિયા-અમેરિકા-ચીનનો મુકાબલો
સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે દુનિયામાં પાંચમી પેઢીના ફાઇટર જેટ્સને લઈને અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે હરીફાઈ તેજ થઈ છે. ભારત હાલમાં ફ્રાન્સના રાફેલ અને રશિયાના સુખોઈ જેવા વિમાનો પર નિર્ભર છે, પરંતુ AMCA પરિયોજનાને ભવિષ્યની ઇન્ડિયન એરફોર્સનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.
શું છે AMCA પરિયોજના?
AMCA એટલે કે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એક ટ્વિન-એન્જિન, મલ્ટીરોલ, સ્ટેલ્થ ફાઇટર જેટ હશે. તેને ભારતની સરકારી સંરક્ષણ સંશોધન સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) મળીને વિકસિત કરી રહી છે. તેનો હેતુ ભારતીય વાયુસેનાને એવું વિમાન આપવાનો છે જે દુશ્મનના રડારથી બચી શકે, લાંબા અંતર સુધી હુમલો કરી શકે અને આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં લીડ અપાવી શકે. નિષ્ણાતોના મતે AMCA માત્ર એક ફાઇટર જેટ નથી, પરંતુ ભારતની વ્યૂહાત્મક આત્મનિર્ભરતાનું પ્રતીક બનવા જઈ રહ્યું છે.
રાફેલ સાથે કેમ થઈ રહી છે સરખામણી?
ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલા રાફેલ લડાયક વિમાનોને પોતાની વાયુસેનાની સૌથી મોટી તાકાતમાં સામેલ કર્યા છે. રાફેલ 4.5 પેઢીનું ફાઇટર જેટ માનવામાં આવે છે, જ્યારે AMCAને સીધું પાંચમી પેઢીના સ્ટેલ્થ ફાઇટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ જ કારણે તેને ઘણી બાબતોમાં રાફેલ કરતાં આગળનું પ્લેટફોર્મ માનવામાં આવે છે. AMCAમાં સ્ટેલ્થ ડિઝાઇન, ઇન્ટરનલ વેપન બેઝ, એડવાન્સ સેન્સર ફ્યુઝન, સુપરક્રૂઝ ક્ષમતા અને અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ આપવાની યોજના છે. આનો અર્થ એ છે કે તે દુશ્મનની નજરમાં આવ્યા વિના હુમલો કરી શકશે. સૈન્ય બાબતોના જાણકારોનું કહેવું છે કે, જો આ પરિયોજના સમયસર પૂરી થશે તો ભારત અમેરિકાના F-35 અને ચીનના J-20 જેવા વિમાનોની કેટેગરીમાં સામેલ થઈ શકે છે.
કઈ કંપનીઓને મળી તક?
રક્ષામંત્રાલય દ્વારા જે ત્રણ સમૂહોને RFP જાહેર કરવામાં આવ્યું છે, તેઓ ભારતના મોટા ઔદ્યોગિક અને સંરક્ષણ ઉત્પાદનના ખેલાડીઓ છે. પહેલું ગ્રુપ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)નું છે. સંરક્ષણ ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાં બંને કંપનીઓનો મોટો અનુભવ માનવામાં આવે છે.
બીજું નામ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડનું છે, જે અગાઉથી જ ઘણી સંરક્ષણ અને એરોસ્પેસ પરિયોજનાઓમાં સામેલ છે. ટાટા સમૂહે તાજેતરના વર્ષોમાં સૈન્ય ઉડ્ડયન (મિલીટરી એવિએશન) ક્ષેત્રે ઝડપથી રોકાણ વધાર્યું છે.
ત્રીજા સમૂહમાં ભારત ફોર્જ અને BEML સામેલ છે. ભારત ફોર્જ સંરક્ષણ સાધનોના નિર્માણમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે, જ્યારે BEML હેવી એન્જિનિયરિંગ અને ડિફેન્સ પ્લેટફોર્મ્સ માટે જાણીતી છે.
સરકારનો હેતુ માત્ર વિમાન બનાવવાનો નથી, પરંતુ સમગ્ર સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે જેથી ખાનગી અને સરકારી કંપનીઓ મળીને હાઇ-ટેક સૈન્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બની શકે.
મેક ઇન ઇન્ડિયા દાવ
વડાપ્રધાન મોદી સતત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સંરક્ષણ આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. AMCA પરિયોજનાને પણ તે જ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવી રહી છે. સરકાર ઈચ્છે છે કે, ભારત માત્ર હથિયાર ખરીદનારો દેશ ન રહે, પરંતુ હાઈ-એન્ડ સૈન્ય ટેકનોલોજી વિકસાવનારો વૈશ્વિક ખેલાડી બને. રક્ષામંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પરિયોજનામાં ભારતીય ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવી એ પણ એક મોટો લક્ષ્યાંક છે. આનાથી દેશમાં રોજગારી, ટેકનિકલ કુશળતા અને સંરક્ષણ નિકાસની શક્યતાઓ વધશે.