મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન

Spread the love

હજ યાત્રા ઇસ્લામ ધર્મના સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભોમાંની એક છે. દર વર્ષે વિશ્વભરમાંથી 20 લાખથી વધુ મુસ્લિમો સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં એકઠા થાય છે. હજની ધાર્મિક વિધિઓના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓ મસ્જિદ અલ-હરમના કેન્દ્રમાં આવેલા ‘કાબા’ની આસપાસ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચક્કર લગાવે છે, જેને ‘તવાફ’ કહેવામાં આવે છે.

આ ભવ્ય દૃશ્ય વચ્ચે સૌનું ધ્યાન ખેંચે છે કાબા પર લપેટાયેલું સોના-ચાંદીના તારથી મઢેલું કાળું કાપડ, જે ‘કિસ્વા’ તરીકે ઓળખાય છે.

 

કાબા શું છે અને તેનો ઇતિહાસ

 

અરબી ભાષામાં ‘કાબા’નો અર્થ ‘ઘન’ (Cube) થાય છે. દુનિયાભરના મુસ્લિમો દિવસમાં 5 વખત નમાઝ પઢતી વખતે કાબા તરફ મુખ રાખે છે, જેને ‘કિબલા’ કહેવામાં આવે છે. કદની વાત કરીએ તો કાબા 13.1 મીટર (43 ફૂટ) ઊંચું, 12.8 મીટર (42 ફૂટ) લાંબું અને 11.03 મીટર (36 ફૂટ) પહોળું ઘન આકારનું બાંધકામ છે.

 

ઇસ્લામિક માન્યતા અનુસાર કાબાનું નિર્માણ મૂળરૂપે પયગંબર ઇબ્રાહિમ અને તેમના પુત્ર પયગંબર ઇસ્માઇલ દ્વારા અલ્લાહના આદેશથી કરાયું હતું. ઇસ્લામ પૂર્વે, આ સ્થળ વિવિધ અરબી જાતિઓનું પૂજા સ્થળ હતું, પરંતુ ઈસ. 630ની આસપાસ, જ્યારે પયગંબર મુહમ્મદ મક્કા પાછા ફર્યા ત્યારે તેમણે કાબાને મૂર્તિઓથી મુક્ત કરીને તેને અલ્લાહના પૂજા સ્થળ તરીકે પુનઃસ્થાપિત કર્યું. હજ માટે 20 લાખથી વધુ મુસ્લિમોને આકર્ષતા આ સ્થળે સમગ્ર વર્ષ દરમિયાન ઉમરાહ માટે 2 કરોડથી વધુ યાત્રાળુઓ આવે છે.

 

Holy Kaaba ની અંદર શું છે?

 

કાબાની(Holy Kaaba) ઉત્તર પૂર્વીય દીવાલ પર જમીનથી લગભગ 2 મીટરની ઊંચાઈએ એક ભવ્ય દરવાજો છે. આ દરવાજો 3 મીટર ઊંચો અને 1.9 મીટર પહોળો છે, જેને બનાવવા માટે 280 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો છે! આ દરવાજો વર્ષમાં માત્ર 2 વાર જ અંદરની ઔપચારિક સફાઈ માટે ખોલાય છે.

 

કાબાની અંદર છતને ટેકો આપવા માટે લાકડાના 3 મજબૂત થાંભલા છે અને છત તરફ જતી એક સીડી છે. અંદરની ફર્શ અને દીવાલો સુંદર માર્બલથી બનેલી છે તેમજ છત પર સુંદર ફાનસ શોભે છે. અગાઉના સમયમાં દીવાલો પર લાલ, લીલા અને ઘેરા વાદળી રંગના ઝિગ-ઝેગ પેટર્નવાળા કાપડ પણ લગાવાતા હતા.

63 કરોડના ‘કિસ્વા’ કાપડનું રહસ્ય અને કિંમત

 

કાબાને(Holy Kaaba) કાળા રંગના જે કપડાં વડે ઢાંકવામાં આવે છે, એને ‘કિસ્વા’ કહે છે. અરબીમાં કિસ્વાનો અર્થ જ ‘ઢાંકવું’ થાય છે. કાપડના 47 પટ્ટા જોડીને બનાવાયેલા 14 મીટર (45 ફૂટ) ઊંચા આ પવિત્ર કવરના ઉપરના ભાગમાં 95 સેમી પહોળો અને 47 મીટર લાંબો સુશોભન પટ્ટો હોય છે, જેને ‘હિઝામ’ કહે છે. કાબાના સોનાના દરવાજા પર લટકતા પડદાને ‘સિતારા’ કે ‘બુર્કુ’ કહેવામાં આવે છે.

 

કુલ વજન અને સામગ્રી: કિસ્વાને (Holy Kaaba) બનાવવા આશરે 670 કિલોગ્રામ કુદરતી રેશમનો ઉપયોગ થાય છે.

 

સોના-ચાંદીનું ભરતકામ: કાળા રેશમ પર અલ્લાહની પ્રશંસા અને કુરાનની આયતો લખવા માટે 120 કિલોગ્રામ 24-કેરેટ સોનાના તાર અને 100 થી 120 કિલોગ્રામ ચાંદીના તારનો ઉપયોગ થાય છે.

 

બનાવટની પ્રક્રિયા: ઈટાલીથી આયાત કરાયેલા રેશમને પહેલા ઓલિવ ઓઇલના સાબુથી 90 ડિગ્રી તાપમાને ધોઈને સાફ કરાય છે અને પછી તેને કાળો રંગ કરાય છે. મક્કાની ફેક્ટરીમાં 240થી વધુ કારીગરો આ પવિત્ર કાપડ તૈયાર કરે છે.

 

અધધ.. કિંમત: કિસ્વાના ઉત્પાદન પાછળ દર વર્ષે અંદાજે 2.5 કરોડ સાઉદી રિયાલ (આશરે 66.5 લાખ યુએસ ડોલર એટલે કે 63 કરોડ રૂપિયા)નો ખર્ચ થાય છે!

 

શું કિસ્વાનો રંગ હંમેશથી કાળો જ હતો?

 

ના, ઇતિહાસમાં કિસ્વાના(Holy Kaaba) રંગો બદલાતા રહ્યા છે. સીરિયા અને યમનથી આવતા કિસ્વા લાલ, લીલા, પીળા કે સફેદ પટ્ટાવાળા હતા. જો કે, અબ્બાસીદ શાસનકાળમાં ‘કાળો’ રંગ કિસ્વાની કાયમી ઓળખ બની ગયો.

 

જૂના કિસ્વાનું શું કરવામાં આવે છે?

 

દર વર્ષે હજ દરમિયાન જૂના કિસ્વાને(Holy Kaaba) હટાવીને નવો કિસ્વા લગાવાય છે. જૂનો કિસ્વા ઉતાર્યા પછી તેને ફેક્ટરીમાં પાછો મોકલવામાં આવે છે. ત્યાં તેના સૌથી કિંમતી ભાગો (જેમ કે, સોના-ચાંદીના ભરતકામવાળી પેનલ્સ અને કુરાનની આયતો) ને કાળજીપૂર્વક કાપીને મ્યુઝિયમોને દાનમાં અપાય છે અથવા વિદેશી દૂતાવાસો અને ઇસ્લામિક સંગઠનોને ભેટ અપાય છે. બાકીના કાપડના નાના ટુકડા મુલાકાતીઓ કે સરકારી અધિકારીઓમાં આશીર્વાદરૂપે વહેંચવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *