
અમદાવાદ, તા.27
ગુજરાતના દરિયાઇ વિસ્તારોને ઉપયોગ કરીને `ડ્રગ્સ કારોબાર’નો ગેટ-વે બનાવી દેવાના ડ્રગ્સ સિન્ડીકેટના કારનામા વધુ એક વખત નિષ્ફળ ગયા હોય તેમ ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તથા કચ્છ પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંદ્રા નજીક એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનો કોકેઇનના જંગી જથ્થો પકડી પાડ્યો હતો.
કોકેઇનની કુલ છ બેગ હતી. ભારતીય સુરક્ષા એજન્સી ત્રાટકતા તેને દરિયામાં ફેંકી દેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે ઝડપી લેવાયું હતું. જહાજમાંથી એક શખ્સને પકડી લેવાયો હતો. બીજો દરિયામાં કુદી પડતા શોધખોળ કરવામાં આવી રહી છે. આ જથ્થો દિલ્હી સપ્લાય થવાનો હોવાની માહિતી મળતા પાટનગરમાં પણ દરોડા પાડીને બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
યુરોપથી નીકળેલું આ જહાજ છેલ્લે પાકિસ્તાનના કરાંચી થઇને મુંદ્રા પહોંચ્યું હતું. જ્યારે ડ્રગ્સનો આ જથ્થો આ ક્યાંથી લોડ થયો અને કોણે મોકલાવ્યો હતો. તે તમામ મુદ્દે સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે.
સમગ્ર ડ્રગ્સકાંડમાં બહાર આવેલી વિગતો પ્રમાણે યુરોપથી મુંદ્રા તરફ આવી રહેલા `યુરોપ’ નામના કાર્ગો જહાજમાં જંગી માત્રામાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે એટીએસ, કોસ્ટગાર્ડ તથા એસઓજીની સંયુક્ત ટીમોએ મધરાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું.
મુંદ્રાથી પાંચ નોટિકલ માઇલ દૂર લાંગરેલા કન્ટેનર જહાજમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. ડ્રગ્સ માફીયાઓને શંકા ગઇ હોય તેમ ડ્રગ્સ ભરેલી બેગ દરયાિમાં ફેંકવા લાગ્યા હતા. પરંતુ સુરક્ષા ટીમોએ સમયસર પહોંચીને સમગ્ર જથ્થો કબ્જે કર્યો હતો. આ 118 કિલો કોકેઇનના આ જથ્થાની કિંમત 1180 કરોડની દર્શાવવામાં આવી છે.
ATSએ જ્યારે શીપ પર તપાસ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા ATSએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યાહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસે ડ્રગ્સના કૂલ 6 પેક હતા જેમાંથી 5 મળી આવ્યા છે.
જેથી એક પેક દરિયામાં ફેંકી દીધું હોવાની આશંકા હોય તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન અને એક એપલનું ટેબ પણ કબજે કરવામાં આવ્યું છે.
પહોંચ્યું તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંદ્રામાં ‘યુરોપ’નામના કાર્ગોશીપ પર બ્રાઝીલમાં કોકેઈનનો જથ્થો લોડ કરાયો હતો. ત્યારબાદ આ શીપ લેટિન અમેરિકા, મેક્સિકો, USA અને કરાંચી થઈને મુંદ્રા આવી રહ્યું હતું.
આ બાબતેે ડીજીપી કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં દિલ્હીના દ્વારકામાં રહેતા બે વિદેશી નાગરિકોને આ જથ્થો ડિલિવર કરવાનો હતો. જેને ઝડપી પાડવામાં આવ્યા છે. દિલ્હીથી આ જથ્થો કોને અને ક્યાં સપ્લાય થવાનો હતો તેની તપાસ કરવા માટે જે આરોપીઓ ઝડપાયા છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુજરાતને કયારેય ડ્રગ્સનું ગેટ-વે નહીં બનવા દેવાય
હર્ષ સંઘવીએ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી સુરક્ષા એજન્સીઓએ 118 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કચ્છ SOGના આ સંયુક્ત સફળ ઓપરેશન બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગુજરાત ક્યારેય ડ્રગ્સનું ગેટવે બનશે નહીં.
વાપીમાંથી રૂા.6 કરોડનું મેક્રે ડ્રોન ઝડપાઈ
માદક દ્રવ્ય બનાવવા માટે દવાની ફેકટરીનો ઉપયોગ થતો હતો
રાજકોટ તા.27
ગુજરાતમાં ચાલુ થયેલા ઓપરેશન કલીન હેઠળ વલસાડના વાપીમાંથી પ્રતિબંધીત મેક્રે ડોન જે એમડી નામે ઓળખાય છે તે તૈયાર કરતી ફેકટરી પર દરોડા પાડીને આ ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા કેમીકલ્સ તેમજ અન્ય તૈયાર ડ્રગ્સ સહિત રૂા.6 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો છે. આ ફેકટરીમાં દવાના લાયસન્સ હેઠળ માદક દ્રવ્યની ટેબ્લેટ તૈયાર કરાતી હતી અને તે દેશભરમાં સપ્લાય કરાતી હોવાનું માનવામાં આવે છે.