અમદાવાદના નહેરુનગરમાં નિવૃત્ત DySP નું ફિલ્મી સ્ટાઈલ ફાયરિંગ: જમીનના વિવાદમાં જાહેરમાં 5 રાઉન્ડ ગોળીઓ ધરબી

Spread the love
અમદાવાદના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં આવેલા નહેરુનગર સર્કલ પાસે આજે સાંજે એક હૃદયધબકારા રોકી દે તેવી સનસનાટીભરી ઘટના સામે આવી છે. નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ જમીનના દસ્તાવેજ અને ભાડાના કરોડો રૂપિયા પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) અશોકસિંહ ચૌહાણે આવેશમાં આવીને પોતાના અંગત હથિયાર વડે જાહેરમાં 5 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરી દીધું હતું.

ભરચક વિસ્તારમાં સાંજે આશરે 5 વાગ્યાના સુમારે થયેલા આ ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

 

કરોડોની ડિપોઝિટ અને 30 લાખ માસિક ભાડાનો વિવાદ

 

આ ચકચારી ઘટના અંગે મળતી વિગતો અનુસાર, ફરિયાદી જીગર ઝાપડિયા તેમજ હરેશ અને હિતેશ ભારભીડિયા નામના વેપારીઓએ નહેરુનગર બસ સ્ટોપ પાસે આવેલી એક કિંમતી જમીન નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ પાસેથી માસિક ₹30 લાખના ભારેખમ ભાડા પેટે રાખી હતી. વેપારીઓએ ₹1.50 કરોડ રૂપિયા ડિપોઝિટ તરીકે આપ્યા હતા અને જગ્યા પર આશરે ₹3 થી 4 કરોડનું બાંધકામ તેમજ સ્ટોલ શરૂ કરવાનું કામ કરાવ્યું હતું. જો કે, જમીનના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના લીધે ત્યાં સ્ટોલ શરૂ થઈ શક્યો ન હતો. બાદમાં વેપારીઓને જાણ થઈ હતી કે આ જમીનના અસલી માલિક અશોકસિંહ ચૌહાણ નથી. આથી વેપારીઓએ ભાડું આપવાનું બંધ કરીને પોતાના રોકાયેલા કરોડો રૂપિયા અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી શરૂ કરી હતી.

દસ્તાવેજો માંગતા જ નિવૃત્ત અધિકારીએ ચલાવી ગોળીઓ

 

આજે સાંજે હિતેશ અને હરેશ ભારભીડિયા જમીનના કાયદેસરના દસ્તાવેજો અને નાણાં મુદ્દે ચર્ચા કરવા માટે અશોકસિંહ ચૌહાણ પાસે પહોંચ્યા હતા. તે સમયે ઘટનાસ્થળે નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ અને તેમની પુત્રી પણ હાજર હતા. બંને પક્ષો વચ્ચેની વાતચીત ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળીમાં ફેરવાઈ ગઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો કે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને સામેના પક્ષ પર નિશાન સાધી 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

 

ઔડી કાર કબજે અને લાઈવ વીડિયોના આધારે તપાસ

 

ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના એસીપી (ACP) સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી એક લક્ઝુરિયસ ઓડી કાર કબજે કરી છે. આ ઉપરાંત, નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા જાહેરમાં આચરવામાં આવેલા આ હિંસક કૃત્યનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેને પોલીસે ટેકનિકલ પુરાવા તરીકે એકત્ર કર્યો છે. એસીપી એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે નિવૃત્ત અધિકારીની અટકાયત કરી તેમનું હથિયાર કબજે લીધું છે અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તેમજ હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે બંને પક્ષોને સામસામે રાખીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *