
સરકારી પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બને તે માટે રેવન્યુ વિભાગને નિયમો સરળ કરવા અને સંબંધિત વિભાગોને તાત્કાલિક NOC આપવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તળાવો ભરવા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં વ્યાપક વૃક્ષારોપણ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવા જણાવાયું છે. ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂર પડે તો અલગ બજેટ હેડ ઊભું કરવા પણ કેબિનેટમાં આદેશ આપવામાં આવ્યા છે.
ખેડૂતોના હિતમાં સરકારે બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પાક સંગ્રહ મકાન (ગોડાઉન) બનાવવા માટે અપાતી સબસિડીમાં સરકારે માતબર વધારો કર્યો છે, જેથી વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. આ સાથે જ, ખેતરોની સુરક્ષા માટેની તાર ફેન્સિંગ યોજનાને રીવાઇઝ્ડ કરવામાં આવી છે, જેમાં અગાઉ મળતી રૂ. ૨૦૦ પ્રતિ ફૂટની સહાય વધારીને હવે રૂ. ૩૦૦ પ્રતિ ફૂટ કરવામાં આવી છે; આ યોજના અંતર્ગત આઈ-પોર્ટલ પર અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ અરજીઓ મળી ચૂકી છે. કૃષિ ક્ષેત્રે ડાંગર અને બાજરીની ખરીદી ટૂંક સમયમાં વિવિધ કેન્દ્રો પરથી શરૂ થશે અને આગામી ૬ જૂનથી ઉનાળુ મગની ખરીદી પણ શરૂ કરાશે. બારદાનની જે સમસ્યા હતી તેનો હવે સુખદ ઉકેલ લાવી દેવાયો છે. ઈરાન-અમેરિકા યુદ્ધની વૈશ્વિક સ્થિતિ વચ્ચે ખાતરની તંગી ન સર્જાય તે માટે જેપી નડ્ડાજી સતત મોનિટરિંગ કરી રહ્યા છે, અને અવેજી ખાતરના વિકલ્પો તેમજ કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર ‘વિકાસ અને વિશ્વાસ’ના સૂત્ર સાથે સેવા કાર્યો દ્વારા આ દિવસોની ઉજવણી કરશે, જે અંતર્ગત 8 અને 8 જૂનના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ મીડિયાને સંબોધશે. ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ રાજ્યમાં 6 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે, જેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકાશે. આ ઉજવણી અંતર્ગત પ્રગતિ પથ યોજના હેઠળ જિલ્લાઓમાં ૩ દિવસીય પ્રદર્શન યોજાશે અને વિવિધ સરકારી યોજનાઓ માટે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1000થી વધુ સ્થળોએ વર્કશોપ યોજાશે અને ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે ખાસ બજારો ઊભા કરાશે. આગામી ૨૧ જૂને તાલુકા કક્ષા સુધી યોગ દિવસની ભવ્ય ઉજવણી થશે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે જરૂર જણાય ત્યાં વર્ક ફ્રોમ હોમ આપવા મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશોના આધારે વિભાગીય સ્તરે નિર્ણયો લેવાઈ રહ્યા છે