એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટ્રી વેલ્ફેર એસોસિએશનના નેજા હેઠળ રાજ્યમાં જિલ્લા સ્તરે પેરા મિલિટેરી વેલ્ફેર બોર્ડની રચના કરવા અને નિવૃત્ત સૈનિકો માટે ભૂતપૂર્વ સૈનિક દરજ્જો લાગુ કરવા સહીતની માંગ : દેશના મુખ્ય સૈન્ય દળોના સૈનિકોની જેમ જ આંતકવાદથી માંડીને નક્સલવાદીઓ સામે લડેલા અર્ધલશ્કરી દળોના અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનું જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા અને CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ ૨૦૨૬ને પાછું ખેંચવા માંગ કરાઈ
ગાંધીનગર, તા.28
આજે ગાંધીનગરના સેક્ટર-12માં ઉમિયા માતાજી સંસ્થાન ખાતે કેન્દ્રિય હથિયારી પોલીસ દળોના ગુજરાતના નિવૃત અર્ધ લશ્કરી દળોના રાષ્ટ્રીય સંગઠન “એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટ્રી વેલ્ફેર એસોસિએશન”ના નેજા હેઠળ સરકાર સામે તેમની પડતર માંગણીઓ અંગે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ માંગણીઓના મુખ્યત્વે ૬ માંગણીઓ છે જેમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા સ્તરે પેરા મિલિટેરી વેલ્ફેર બોર્ડની રચના, અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનું જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા અને CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ ૨૦૨૬ને પાછું ખેંચવા અંગેની હતી. આ સાથે તેમણે ૨૩ નવેમ્બર ૨૦૧૨ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ નિવૃત્ત સૈનિકો માટે ભૂતપૂર્વ સૈનિક દરજ્જો લાગુ કરવા અંગેની તેમની માંગણી પણ દોહરાવી હતી. આ કાર્યક્રમમાં વીર શહીદોની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
“એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટ્રી વેલ્ફેર એસોસિએશન” દ્વારા તેમની પડતર માંગણીઓ અંગે આયોજિત આ કાર્યક્રમમાં દિલ્હીથી એસોસિઅનના ચેરમેન શ્રી એચ આર સિંઘ (એક્સ. એડિજીપી) અને મહા સચિવ શ્રી રણવીરિસિંઘ પધાર્યા હતા. આ ઉપરાંત એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટ્રી વેલ્ફેર એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી રમેશભાઈ એમ.પટેલ (એક્સ પેરા મિલિટરી), દક્ષિણ ગુજરાત પ્રમુખ
શ્રી ખુશાલભાઈ વાઢુ(એક્સ પેરા મિલિટરી), મેહસાણા પ્રમુખશ્રી જગદીશભાઈ પ્રજાપતિ (એક્સ બીએસએફ), સીઆઈએસએફ પ્રમુખશ્રી અનિલભાઈ પરમાર તથા એસોસિઅનના જુદા જિલ્લા સંગઠનોના તમામ પ્રમુખશ્રીઓ, મહા સચિવશ્રીઓ તેમજ માજી સૈનિકો, તેમના પરિવારજનો અને શહીદોની વિધવા વીરાંગનાઓ મોટી સંખ્યામાં હજાર રહી હતી.
આ કાર્યક્રમમાં દિલ્હીથી પધારેલા એસોસિઅનના ચેરમેન શ્રી એચ આર સિંઘ (એક્સ. એડિજીપી)એ જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળો દેશના મુખ્ય સૈન્ય દળોના સૈનિકોની જેમ જ પોતાના પરિવારથી દૂર રહીને પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશની સુરક્ષામાં યોગદાન આપે છે. જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામેની લડત, દેશની સંસદ પર હુમલો, અક્ષરધામમાં હુમલો કરનાર ઉગ્રવાદીઓ સામેની લડાઈ અને છત્તીસગઢમાં નક્સલવાદને ખતમ કરવામાં પણ અર્ધલશ્કરી દળોના જવાનોએ જીવ સટોસટની બાજી ખેલીને દેશના દુશમનોના દાંત ખાટા કર્યા છે. તાજેતરમાં બંગાળની ચૂંટણીઓમાં પણ અર્ધલશ્કરી દળોના જવાનોએ સુરક્ષા મોરચો સંભાળ્યો હતો જેના કારણે આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી હતી. આમ છતાં સરકારે અર્ધલશ્કરી દળોના નિવૃત સૈનિકોને ભૂતપૂર્વ સૈનિક દરજ્જો આપ્યો નથી”.
એલાયન્સ ઓફ ઓલ પેરા મિલિટ્રી વેલ્ફેર એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી રમેશભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે “અર્ધલશ્કરી દળોના નિવૃત સૈનિકોને ભૂતપૂર્વ સૈનિકોની જે માંગણીઓ ઘણા સમયથી પડતર છે તેમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા સ્તરે પેરા મિલિટેરી વેલ્ફેર બોર્ડની રચના કરવાની માંગ, અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનું જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા અંગે, CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ ૨૦૨૬ (કાળો કાયદો) પાછો ખેંચવા અને ૨૩ મે ૨૦૨૬ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટના OGAS નિર્ણયનો અમલ કરવા, ગુજરાત રાજ્યના તમામ દળોના નિવૃત્ત અર્ધલશકરી કર્મચારીઓ માટે CLMS લીકર સુવિધા લાગુ કરવા સાથે સારી આરોગ્ય સુવિધાઓ માટે જિલ્લા સ્તરે CGHS દવાખાનાઓની સ્થાપના કરવી જોઈએ તેવી અમારી માંગ છે. આ સાથે ૨૩ નવેમ્બર ૨૦૧૨ ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ નિવૃત્ત સૈનિકો માટે ભૂતપૂર્વ સૈનિક દરજ્જો લાગુ કરવા માટેની અમારી માંગ છે. અમારી આ માંગો સરકાર સત્વરે માનીને પોતે આપેલું વચન નિભાવે તેવી અમારી અરજ છે.”