અજમેર (રાજસ્થાન) તા.29 જિલ્લાના બોરાડામાં એક સ્કોર્પિયો કારમાં એક પરિવારના ચાર લોકોને ડીઝલ છાંટી જીવતા સળગાવી દેવાનો સનસનીખેજ બનાવ બન્યો છે. શરૂઆતમાં આ બનાવને આરોપીઓ દ્વારા અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો હતો પણ ટેકનીકલ પુરાવા અને આધારો પર આ ઘટના એક ખોફનાક ફેમીલી મર્ડર મિસ્ટ્રી પુરવાર થઈ હતી.
પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ હત્યાકાંડને કોઈ બહારના દુશ્મને નહી પણ મૃતક અને પુર્વ સરપંચના સગીર દીકરાએ પોતાની મા અને બહેનનો સાથ લઈને ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસે આ મામલે મૃતકની પહેલી પત્ની, દીકરી અને સગીર દીકરાને કસ્ટડીમાં લીધા છે. હત્યાકાંડનું કારણ મૃતકના બીજા લગ્ન અને પારિવારિક કલહ હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે પોલીસના જણાવ્યા મુજબ શ્રીરામપુર નિવાસી અને કોંગ્રેસના પુર્વ સરપંચ રામસિંહ ચૌધરીના બે લગ્ન થયા હતા. 2005માં પહેલા લગ્ન સુજાતા ચૌધરી સાથે થયા હતા. જેનાથી તેને એક દીકરો, એક દીકરી છે. બાદમાં 2019માં (લગભગ 6 વર્ષ પહેલા) રામસિંહ પત્નીની મરજી વિરુદ્ધ સુરજ્ઞાન નામની મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બીજા લગ્નથી પ્રથમ પત્ની સુજાતા અને બાળકો ખુદને હાંસિયા પર ધકેલાઈ ગયા હોવાનો અનુભવ કરતા હતા. બાદમાં ઘરમાં સતી થતો હતો. સગીર પુત્રે પોલીસને જણાવ્યું હતું કે પિતા તેની માને મુર્ગો બનાવીને માર મારતા હતા. નશામાં તેને, માતાને, બહેનને પિતા મારતા હતા.
પુત્રે અનેકવાર મા ને કહ્યું હતું કે તે પિતાને જાનથી મારી નાખશે. દરમિયાન પિતા રામસિંહે હત્યાના 10 કલાક પર ફેસબુક પર પોસ્ટ મુકી સુરક્ષા માંગી હતી.
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે પિતાની હત્યા માટે તેણે ઓનલાઈન ચાકુ મંગાવ્યુ હતું. દરમિયાન 21 મે એ ઘરમાં માતા અને પિતા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. રાત્રે જયારે રામસિંહ શરાબ પીને સૂઈ ગયો હતો.
તો દીકરાએ ચાકુથી ત્રણ પર વાર કરીને હત્યા કરી હતી. જયારે દીકરાએ પિતાની હત્યા કરી તો પાસે સુતેલી બીજી પત્ની સુરજ્ઞાન જાગી ગઈ. પકડાઈ જવાના ડરથી આરોપી સગીર પુત્રે સુરજ્ઞાનનું ગળુ પણ કાપી નાંખ્યું. શોર સાંભળી પાસે સુઈ રહેલી દાદી પુસીદેવી અને સંબંધમાં ભાણેજ મહિલા ત્યાં પહોંચતા આરોપી પુત્ર, માતા સુજાતા અને બહેને સાથે મળીને તેમના પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસના વધુમાં જણાવ્યા મુજબ હત્યાકાંડને અકસ્માતનું સ્વરૂપ આપવા આરોપીઓએ ચારેયના મૃતદેહોને ઘસડીને સ્કોર્પિયો ગાડીમાં નાખ્યા હતા. બાદમાં ટ્રેકટરમાંથી ડીઝલ લઈ સ્કોર્પિયો ગાડીમાં છાંટી ચારેના મૃતદેહોને સળગાવી નાખ્યા હતા અને ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાદમાં ઘટના હત્યાકાંડ હોવાનું પુરવાર થયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સગીર પુત્રે પિતાની હત્યાની કોશિશ કરી હોવાનું બહાર આવ્યું હતું.
