પ્રેરણાદાયક સિદ્ધિ: પાલનપુરની 8 વર્ષીય નિક્ષાએ માત્ર 7 દિવસમાં 17,598 ફૂટની ઊંચાઈ પર આવેલો એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સર કર્યો, બેઝ કેમ્પ પર પહોંચી યોગ કર્યા રાષ્ટ્રગાન પણ ગાયું

Spread the love

ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા રસ્તા, ગ્લેશિયર વિસ્તાર અને લાંબા સમય સુધી ટ્રેકિંગ જેવા પડકારોનો સતત સામનો કર્યો,

પાલનપુર

ગુજરાતની 8 વર્ષની નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને નોંધપાત્ર સાહસિક સિદ્ધિ નોંધાવી છે. એવરેસ્ટર નિશાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો. 16 મેથી શરૂ થયેલી યાત્રા દરમિયાન નિક્ષાએ લુકલાથી શરૂ કરીને હિમાલયના કઠિન માર્ગો, ઊંચાઈના પડકારો, ઠંડી અને બદલાતા હવામાન વચ્ચે ટ્રેક પૂર્ણ કર્યો હતો. બેઝ કેમ્પ પર પહોંચીને તેણે યોગ કર્યો અને રાષ્ટ્રગાન ગાઈ દેશભક્તિનો સંદેશ પણ આપ્યો હતો.
ગુજરાતના પાલનપુરની 8 વર્ષની વયની દીકરી નિક્ષા બારોટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીની કઠિન ટ્રેકિંગ યાત્રા પૂર્ણ કરીને એક પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી છે. આ અભિયાન એવરેસ્ટર નિશાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. નુકસાના પિતા નીલેશ બારોટ એ જણાવ્યું કે સમગ્ર અભિયાનમાં માત્ર બે જણે જ ભાગ લીધો હતો.

16 મે 2026ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ ટ્રેકની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે પાખડિંગ, ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા અને એક દિવસ શરીરને ઊંચાઈ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ થઈ અંતે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા. લુકલા ખાતે આશરે 2,860 મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેઝ કેમ્પના આશરે 5,364 મીટર સુધી પહોંચી હતી. એટલે કે માત્ર એક સપ્તાહમાં 17,598 ફૂટ વધુ ઊંચાઈ પર પહોંચી અનોખો પ્રયાસ કર્યો હતો. સમગ્ર અભિયાન અંદાજે 130 કિલોમીટરથી વધુનું રહ્યું છે. ટ્રેક દરમિયાન માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા રસ્તા, ગ્લેશિયર વિસ્તાર અને લાંબા સમય સુધી ટ્રેકિંગ જેવા પડકારો સામે આવ્યા હતા.
અભિયાનની વિશેષતા એ પણ રહી કે નિક્ષાએ બેઝ કેમ્પ પર યોગ કરીને “Save Nature, Save Himalayas”, “Every Child Should Plant a Tree” અને “Fit India, Green India” જેવા સંદેશો આપ્યા હતા. દરમિયાન રાષ્ટ્રગાન ગાયને દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો.

નિક્ષાની સાહસિક સફર: કેદારકાંઠાથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી

નિક્ષા બારોટ અગાઉ પણ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી રહી છે. તેના પિતા નીલેશ બારોટે જણાવ્યું કે માત્ર 6 વર્ષની ઉંમરે તેણે કેદારકાંઠા ટ્રેક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી અંદાજે 4556 કિમીની “Pedal to Plant” સાયકલ યાત્રામાં ભાગ લઈને વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ કામગીરી બદલ 26 જાન્યુઆરી 2026ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત કરવામાં આવી હતી. એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક હવે તેની સાહસિક સફરમાં વધુ એક મહત્વપૂર્ણ પડાવ બન્યો છે.

 એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પહેલાં આ જાણવું જરૂરી

• માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) ટ્રેક માત્ર ઉત્સાહથી નહીં, યોગ્ય તૈયારી સાથે કરવાનું અભિયાન છે.

• ટ્રેક માટે નેપાળ સરકારના નિયમો મુજબ જરૂરી પરમિટ અને પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બને છે.

• હાઈ-અલ્ટિટ્યૂડ ટ્રેક માટે શારીરિક ફિટનેસ, શ્વાસ નિયંત્રણ, ટ્રેકિંગ શિસ્ત અને ઊંચાઈને અનુકૂળ થવાની તૈયારી મહત્વપૂર્ણ છે.

• અનુભવી ગાઇડ, ટ્રેનર અથવા મેન્ટરનું માર્ગદર્શન સુરક્ષાના દૃષ્ટિકોણે અગત્યનું માનવામાં આવે છે.

• એવરેસ્ટ વિસ્તારમાં ઓક્સિજનનું ઓછું પ્રમાણ, બદલાતું હવામાન અને કઠિન ભૂપ્રદેશ પડકારરૂપ બની શકે છે.

• બાળકો માટે ટ્રેનિંગ, એક્લિમેટાઇઝેશન અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન વધુ મહત્વનું બને છે.

• નિક્ષાના અભિયાન અંગેની વિગતો આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે.

• યોગ્ય તૈયારી, નિષ્ણાત માર્ગદર્શન અને સત્તાવાર મંજૂરી વગર આવી હાઈ-અલ્ટિટ્યૂડ યાત્રા કરવાનો પ્રયાસ કરવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *