
રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને 8 જૂનના બદલે 18 જૂનથી શાળાઓ શરૂ કરવાની માંગ કરી છે.
મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 40 થી 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો છે. આવી સ્થિતિમાં નાના બાળકોને શાળાએ મોકલવું જોખમી બની શકે છે. તેથી ધોરણ 12 સુધીની શાળાઓનું વેકેશન (Vacation)ઓછામાં ઓછું 10 દિવસ લંબાવવું જોઈએ.
માત્ર એટલું જ નહીં, પરંતુ પેટ્રોલ-ડીઝલના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને પણ શૈક્ષણિક વ્યવસ્થામાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે. જેમાં કેજીથી ધોરણ 5 સુધી અઠવાડિયામાં માત્ર 5 દિવસ શાળાઓ ચલાવવાની અને ધોરણ 6થી 8 માટે મર્યાદિત દિવસો રાખવાની રજૂઆત કરાઈ છે. જ્યારે ધોરણ 9થી 12 માટે ઓનલાઇન શિક્ષણની મંજૂરી આપવા પણ માંગ કરવામાં આવી છે.
બીજી તરફ ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકો વેકેશન (Vacation)લંબાવવાના કડક વિરોધમાં છે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને શાળાઓ સમયસર શરૂ કરવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હતી અને હજુ સુધી ઘણા વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે તેનામાંથી બહાર આવી શક્યા નથી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2027માં CBSE સહિતની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો જરૂરી છે. જો શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે તો રિવિઝન, પ્રેક્ટિકલ અને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય નહીં મળે. જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામો પર સીધી અસર પડી શકે છે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોરોનાકાળ દરમિયાન લાંબા સમય સુધી ઓનલાઇન શિક્ષણ (Online Education)ને કારણે વિદ્યાર્થીઓમાં નિયમિતતા અને અભ્યાસ પ્રત્યેનો રસ ઘટ્યો હતો.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરત ગાજીપરાએ પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ (Online Education)અને માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓનો પાયો નબળો પડ્યો છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને ભાષાકીય વિષયોમાં વિદ્યાર્થીઓને હવે વધુ મહેનત કરવી પડી રહી છે.
આ સમગ્ર મામલે હવે અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર નિર્ભર છે. એક તરફ ગરમી અને આરોગ્યની ચિંતા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ભણતરની અસરનો પ્રશ્ન છે. ત્યારે હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર ટકેલી છે.