સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: હવે અદાલતોમાં નિર્ણયો સુરક્ષિત રાખવાની સમયસીમા નક્કી, વિલંબ થશે તો બદલાઈ જશે જજ!

Spread the love
અદાલતોમાં વર્ષો સુધી લટકતા રહેતા કેસો અને ચુકાદા આપવામાં થતા લાંબા વિલંબ પર સુપ્રીમ કોર્ટે દેશવ્યાપી કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે દેશની તમામ હાઈકોર્ટ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય ગાઈડલાઈન જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ (મોડો ન્યાય એ ન્યાય ન મળવા બરાબર છે), તેથી હવે ચુકાદાઓ અનામત રાખવા અને જામીનના આદેશો જાહેર કરવા માટે કડક સમયસીમાનું પાલન કરવું પડશે.

3 મહિનામાં ચુકાદો નહીં તો કેસ બીજી બેન્ચને!

 

સુપ્રીમ કોર્ટના નવા આદેશ અનુસાર, કોઈપણ હાઈકોર્ટે કોઈ કેસની સુનાવણી પૂર્ણ કરીને તેનો ચુકાદો અનામત રાખ્યા બાદ, વધુમાં વધુ 3 મહિનાની અંદર તે ચુકાદો સંભળાવી દેવો પડશે. જો નિર્ધારિત 3 મહિનાની સમયસીમામાં ચુકાદો આપવામાં નહીં આવે, તો તે કેસ વર્તમાન જજ પાસેથી પાછો ખેંચીને બીજી બેન્ચને સોંપી દેવામાં આવશે. આ ઉપરાંત, જે દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હોય તેની વિગતો પણ હાઈકોર્ટની વેબસાઈટ પર મૂકવી ફરજિયાત રહેશે.

 

જામીન મળ્યાના ગણતરીના કલાકોમાં જ જેલમાંથી મુક્તિ

 

અંડરટ્રાયલ કેદીઓના માનવાધિકારોની રક્ષા કરતા સુપ્રીમ કોર્ટે જામીન પ્રક્રિયાને લઈને અત્યંત કડક નિયમો બનાવ્યા છે, જેથી જામીન મળ્યાના ગણતરીના કલાકોમાં જ કેદીઓની જેલમાંથી મુક્તિ થઈ શકે. નવા આદેશ અનુસાર, જામીન સંબંધિત કેસોમાં કોર્ટે આદેશનો મુખ્ય ભાગ (Operative Part) તે જ દિવસે ઓપન કોર્ટમાં સંભળાવવો પડશે. જે કેદીઓને જામીન મળી ચૂક્યા છે, તેમને તે જ દિવસે અથવા તો વધુમાં વધુ તેના પછીના દિવસે જેલમાંથી મુક્ત કરવાના રહેશે અને ઓર્ડરની નકલ પણ તે જ દિવસે જેલ પ્રશાસન સુધી પહોંચાડવાની રહેશે.

 

આ ઉપરાંત, પારદર્શિતા જાળવી રાખવા માટે કોર્ટે જામીન આપવાના વિગતવાર કારણો 7 દિવસની અંદર કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ કારણોસર 30 દિવસ સુધી આ વિગતવાર કારણો વેબસાઈટ પર અપલોડ નહીં થાય, તો તે કેસ વર્તમાન જજ પાસેથી પાછો ખેંચીને નવી પીઠ (બેન્ચ) સમક્ષ મોકલી દેવામાં આવશે.

 

સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આદેશ આપ્યો છે કે આ ગાઈડલાઈન્સ તાત્કાલિક સંબંધિત મુખ્ય ન્યાયાધીશો (Chief Justices) સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી સમગ્ર દેશમાં આ આધુનિક અને ઝડપી ન્યાય પ્રણાલીનો કડક અમલ શરૂ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *