
અને જો કોઈ કામ નિયમ મુજબ થઈ શકે તેમ ન હોય, તો અરજદારને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખવડાવવાને બદલે તેને તાત્કાલિક અને સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ (જવાબ આપી દેવો જોઈએ). સરકારની આ પારદર્શક કાર્યપ્રણાલીથી જ લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલી કુલ 4020 જેટલી રજૂઆતો સાંભળવામાં આવી હતી.
સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાતો હોય છે, પરંતુ આ વખતે મે મહિનામાં ગુરુવારે જાહેર રજા હોવાથી શનિવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમ ખાતે 215 થી વધુ અરજદારો રૂબરૂ પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સ્વાગતમાં 1531 અને તાલુકા સ્વાગતમાં 2274 મળીને કુલ 4020 અરજદારોની ફરિયાદોને સંબંધિત વિભાગોમાં યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે ખેતરે જવા-આવવાના રસ્તાઓ પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. આ સાંભળીને મુખ્યમંત્રીએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને આદેશ આપ્યો હતો કે જાહેર રસ્તાઓ પર દબાણ કરતા તત્વો સામે કડકાઈથી કામ લેવામાં આવે. ખેડૂતો પોતાના ખેતીના સાધનો અને ખેતપેદાશો સરળતાથી લઈ જઈ શકે તે માટે રસ્તા ખુલ્લા કરાવવા પોલીસને ખાસ સૂચના આપી હતી, જેથી ધરતીપુત્રોને સલામતીનો અહેસાસ થાય.
મુખ્યમંત્રીએ લોકોના નાના-મોટા જમીન અને મહેસૂલી પ્રશ્નોમાં પણ ભારે સંવેદનશીલતા દાખવી હતી. બોટાદ જિલ્લાના એક ખેડૂતની જમીનના રેકોર્ડમાં અગાઉ થયેલી સરકારી વહીવટી ભૂલના કારણે અરજદાર પર સ્ટેમ્પ ડ્યુટીનો બોજ આવી રહ્યો હતો, જેમાં સીએમએ જિલ્લા તંત્રને લોકોની તરફેણમાં (લોકાભિમુખ) નિર્ણય લેવા તાકીદ કરી હતી. આવી જ રીતે અમદાવાદના ખેડૂતોના રિ-સર્વે બાદ 7/12 ના રેકોર્ડ બંધ થઈ જવાના મુદ્દે પણ તાત્કાલિક નોંધ સુધારીને પાનિયું ચાલુ કરવા કલેક્ટરને આદેશ આપ્યા હતા. વડોદરાના એક કિસ્સામાં મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે, જો સરકારી કચેરીમાં રેકોર્ડ ન હોય પણ અરજદાર પાસે પ્રમાણિત નકલ હોય, તો તેની યોગ્ય ચકાસણી કરીને કામ આગળ વધારવું જોઈએ.
આ ઉપરાંત, અરવલ્લી જિલ્લાના એક ગામનો નગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસ યોજના મંજૂર ન થવાથી ઘર બાંધવાની રજા ચિઠ્ઠી (પરમિશન) મળવામાં વિલંબ થતો હોવાની ફરિયાદ આવી હતી. સીએમએ નગરપાલિકાને આ અંગેની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે આવા નાના પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ આવી જવો જોઈએ.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યારે તમામ જિલ્લા કલેક્ટરો અને અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.