મહારાષ્ટ્રથી વડોદરા આવીને સવારના સમયે ખુલ્લા મકાનોમાં ચોરી કરતી બે મહિલાઓ ઝડપાઈ

Spread the love
મહારાષ્ટ્રથી વડોદરા આવીને સવારના સમયે ખુલ્લા મકાનોમાં ચોરી કરતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ત્રણ અલગ-અલગ ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો છે. મૂળ પાલઘર (મહારાષ્ટ્ર)ની આ ટોળકી હાલમાં વડોદરાના ગોલ્ડન બ્રિજ પાસે પડાવ રાખીને રહેતી હતી. તેમની પાસેથી રૂ. 1.38 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ગીચ વિસ્તારોમાં લોકોની અવરજવર વચ્ચે ખુલ્લા મકાનોમાં ઘૂસી જઈ મોબાઇલ, લેપટોપ, દાગીના અને રોકડની ચોરી કરી ઝડપથી ફરાર થઈ જતી ગેંગ અંગે માહિતી મળી હતી. તેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજ નીચેથી અકિલાબેન ઉર્ફે જય દીપક પવાર અને લીલીબેન ઉર્ફે છોટુ દીપક પવાર (બંને રહેવાસી પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા.

 

બંને મહિલાઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, ચાંદીના નવ સિક્કા તથા રૂ. 3,000 રોકડા મળી કુલ રૂ. 1.38 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે બંને મહિલાઓ તેમના પતિ અને બાળકો સાથે વડોદરાના હાઇવે વિસ્તારમાં રોકાઈ દિવસ દરમિયાન અલગ-અલગ ટોળકીઓમાં વહેંચાઈ ખુલ્લા મકાનોને નિશાન બનાવતી હતી.

 

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લીલી અને તેની ટોળકીએ રાવપુરાની અમદાવાદી પોળમાં માંજલપુરના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી સવારે રૂ. 5.80 લાખની ચોરી કરી હતી. ઉપરાંત અકિલા અને તેની ટોળકીએ રાવપુરાના પટણી મહોલ્લામાં એક મકાનમાંથી મોબાઇલ અને દાગીનાની તથા ડભોઈ રોડના નંદ વિહાર ફ્લેટમાંથી મોબાઇલ અને રોકડની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે ઝડપાયેલી મહિલાઓ અન્ય મહિલાઓ, પતિઓ અને સગા-સંબંધીઓ સાથે મળીને સવારના સમયે ચોરી કરવા નીકળતી હતી. તેઓ નાના બાળકોને પણ સાથે રાખતા હતા. ચોરી કરવા માટે અલગ-અલગ જૂથોમાં વહેંચાઈ ખુલ્લા અથવા બિનતાળાબંધ મકાનોમાં ઘૂસી ચોરી કરતી હતી. શંકા ન જાય અને પકડાઈ જાય તો લોકો બાળકોની દયા રાખીને છોડી દે તેવી માનસિકતાનો પણ તેઓ લાભ લેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *