નવનીત દલવાડી/ ભાવનગર : ખૂન કા બદલા ખૂન! નાના ભાઈની હત્યાનો બદલો લેવા મોટાભાઈએ હત્યાનો પ્લાન બનાવ્યો. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે એકવર્ષ પહેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેના આરોપી જામીન પર બહાર આવતા હત્યાંના જુના કેસની અદાવત ફરી લોહિયાળ બની. મોટાભાઈએ ગાડીથી આરોપીને કચડી નાખવાનું પ્લાંનિંગ બનાવી ફિલ્મી ઢબે અકસ્માત સર્જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ ખૂની અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ પૈકી એક નિર્દોષ યુવકનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બે યુવકોએ લોજ સંચાલકની હત્યા કરી હતી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે લોજ ચલાવતા પિયુષ કંટારીયા નામના યુવાનની સામાન્ય બાબતે હત્યા કરવામાં આવી હતી. હાર્દિક કંટારીયા અને તેનો મિત્ર સુનિલ કંટારીયા જેઓ પિયુષ કંટારીયા અને હસમુખ કંટારીયા દ્વારા ચલાવવામાં આવતી લોજમાં જમવા માટે ગયા હતા, જ્યાં જમવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. જેથી હાર્દિક કંટારીયા અને સુનિલ કંટારીયાએ લોજના સંચાલક પિયુષ કંટારીયાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા પિયુષ કંટારીયાનું મોત થયું હતું. હત્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી બંને હત્યારા યુવાનોને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધા હતા.
ભાઈના મોતથી બદલો લેવાની ભાવના જાગી
જોકે, નાના ભાઈની હત્યા થઈ જતા મોટોભાઈ હસમુખ ખુબ જ વ્યથિત બન્યો હતો, અને ભાઈના મોતના સતત વહેતા વિચારોને લઈને તેના દિમાગમાં ભયાનક પ્લાને આકાર લીધો હતો. બદલો લેવાની ભાવના પ્રબળ બનતી જઈ રહી હતી, ત્યારે હાલમાં જ હત્યાનો મુખ્ય આરોપી હાર્દિક કંટારીયા જામીન પર જેલ મુક્ત થતા મોટા ભાઈ હસમુખે પૂર્વ આયોજિત પ્લાનને અમલમાં મુકવાનું વિચારી રેકી શરુ કરી હતી. જેમાં હાર્દિક કંટારીયા ભાવનગરથી ભૂતેશ્વર ગામ તરફ એક્ટિવા બાઈક પર આવી રહ્યો હોવાની જાણ થઈ હતી. હસમુખ કંટારીયા ભૂતેશ્વર ગામથી ઇકો કાર સાથે નીકળી પડ્યો હતો, જેમાં ઘોઘાના અવાણીયા ગામ નજીક પહોંચતા સામેથી એક્ટિવા બાઈક પર આવી રહેલા યુવાનો સાથે ઇકો ગાડી પૂરપાટ ઝડપે હંકારી અકસ્માત સર્જ્યો હતો.
ભયાનક અકસ્માત સર્જાતા હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. કારણ કે, એક્ટિવા પર હાર્દિક કંટારીયાી સાથે રોનક કંટારીયા અને શાંતિ કંટારીયા નામના યુવાનો સવાર હતા, જેમાં શાંતિ કંટારીયાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જયારે હાર્દિક કંટારીયા અને રોનક કંટારીયાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં રોનક કંટારીયાની હાલત ગંભીર છે.
બે ભાઈ મળીને ત્રીજા ભાઈને હોસ્પિટલમાં મળવા ગયા હતા
હત્યાનો મુખ્ય આરોપી હાર્દિક કંટારીયા હાલ જામીન પર બહાર છે, જ્યારે સુનિલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જેમાં સુનિલ કંટારીયાની તબિયત ખરાબ હોઈ તેને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેની ખબર પૂછવા હાર્દિક તેંના મિત્રો શાંતિ કંટારીયા અને રોનક કંટારીયા સાથે હોસ્પિટલ ગયો હતો અને ત્યાંથી ત્રણ સવારી ભૂતેશ્વર ગામ તરફ પરત ફરી રહ્યો હતો તે વેળાએ અવાણીયા નજીક અકસ્માતમાં શાંતિ કંટારીયાનું મોત નિપજ્યું હતુ, જેમાં શાંતિ કંટારીયા સુનિલ કંટારીયાનો સગો ભાઈ છે. જેથી હાર્દિક કંટારીયા અને રોનક કંટારીયા સાથે તે પણ ભાઈને મળવા હોસ્પિટલ ગયો હતો.
ગાડીની ટક્કર એટલી ભયાનક હતી કે, ઈકો કાર મોપેડ સહિત ત્રણેય યુવકોને આશરે ૧૦૦ ફૂટ સુધી રોડ પર ઢસડી ગઈ હતી. જેમાં એક્ટિવા બાઇકનો ભુક્કો બોલી ગયો હતો, અકસ્માત બાદ આરોપી પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.
જુલાઈ-૨૦૨૫માં ભુતેશ્વર ગામના પિયુષ મંગાભાઈ કંટારીયાની હત્યા કેસમાં સુનિલ અને હાર્દિકની ધરપકડ થઈ હતી અને તે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે આ જૂની અદાવતનો બદલો લેવા માટે આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે હાર્દિક કંટારીયાની ફરિયાદના આધારે ઘોઘા પોલીસે હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારીયા સામે ગુનો નોંધી આરોપી હસમુખ કંટાટિયાને ઝડપી લીધો છે. ઘોઘા પોલીસ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી છે.
જુથ અથડામણ ન થાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
પ્રાથમિક ચર્ચાઓ મુજબ, હાર્દિક અને તેના બે મિત્રો સર ટી હોસ્પિટલમાંથી નીકળ્યા ત્યારથી કોઈ તેમના પર નજર રાખી રહ્યું હતું, કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. ઘટના સ્થળ અને સમયને લઈને સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ, ભુતેશ્વર ગામમાં હત્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જૂથ અથડામણ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તેમજ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. જયારે આરોપી હસમુખ કંટારીયાના ઘરે હાલમાં કોઈ હાજર ન હોવા છતાં પોલીસ દ્વારા ત્યાં પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે તેવું ભાવનગર ગ્રામ્યના એએસપી ગૌતમ ઘનશ્યામે જણાવ્યું.
