પ્રોફેસરોની ઘોર બેદરકારી, વિદ્યાર્થીઓને આખું વર્ષ જૂનો સિલેબસ ભણાવ્યો અને યુનિવર્સિટીની પરીક્ષામાં નવો કોર્સ પૂછાતા હોબાળો

Spread the love

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સિટી સી.યુ. શાહ કોમર્સ કોલેજના પ્રોફેસરોની એક ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજના સત્તાધીશો અને પ્રોફેસરે બી.કોમ સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓને આખા શૈક્ષણિક સત્ર દરમિયાન એનએસએસ (NSS) વિષયનો જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો. એટલું જ નહીં, કોલેજ કક્ષાએ લેવાયેલી આંતરિક પરીક્ષાઓ પણ આ જૂના સિલેબસના આધારે જ લેવામાં આવી હતી.જોકે, આજે જ્યારે ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓના હાથમાં પ્રશ્નપત્ર આવ્યું, ત્યારે તેમાં શિક્ષણ વિભાગના નવા સિલેબસ મુજબના પ્રશ્નો પૂછાયા હતા. આ જોઈને પરીક્ષા ખંડમાં બેઠેલા 300 થી વધુ વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો.

 

પ્રશ્નપત્ર સમજવામાં 45 મિનિટ બગડી, લખવા માત્ર 15 મિનિટ અપાઈ!

 

પરીક્ષા આપી રહેલી કોલેજની વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “અમને આખું વર્ષ જે ભણાવવામાં આવ્યું તે પરીક્ષામાં હતું જ નહીં. નવો અભ્યાસક્રમ પૂછાતા જ્યારે અમે સુપરવાઈઝર અને કોલેજ તંત્રને તાત્કાલિક રજૂઆત કરી, ત્યારે 45 મિનિટ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહીં અને અમારો કિંમતી સમય બગડ્યો હતો. ત્યારબાદ અંતિમ સમયમાં પ્રોફેસરોએ આવીને એવું કહી દીધું કે તમને જેટલું આવડે એટલું 15 મિનિટમાં લખી નાખો, અમે માર્ક્સ આપી દઈશું. અમે જે ભણ્યા જ નથી તે કઈ રીતે લખી શકીએ?” આ પ્રકારના ઉદ્ધત અને અસંતોષકારક જવાબને કારણે વિદ્યાર્થીઓ આક્રમક બન્યા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ દોડી ગયું NSUI

 

કોલેજ પ્રશાસન તરફથી કોઈ ન્યાય ન મળતા કંટાળેલા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર અધૂરું છોડીને NSUI ના આગેવાનો સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. NSUI ના પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ યુનિવર્સિટી પ્રશાસન અને કોલેજ વ્યવસ્થા સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની અણઘડ વ્યવસ્થા અને કોલેજના પ્રોફેસરોની આળસના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. 300 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે.

 

તપાસ માટે ખાસ કમિટીની રચના કરવા ખાતરી

 

વિદ્યાર્થીઓ અને સંગઠનની ઉગ્ર રજૂઆત બાદ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પ્રાથમિક દ્રષ્ટિએ જ સિટી સી.યુ. શાહ કોલેજની મોટી ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે. કુલપતિએ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ખાસ કમિટીની રચના કરવાની ખાતરી આપી છે. આ સાથે જ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે એનએસએસ (NSS) વિષયની પરીક્ષા ફરીથી યોજવાનું આશ્વાસન આપ્યું છે. બીજી તરફ, વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષા જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર જવાબદાર પ્રોફેસર સામે તાત્કાલિક કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *