ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો પ્રવેશ થતાની સાથે ટિકિટની કાળાબજારીમાં ઉછાળો આવ્યો છે. બ્લેક માર્કટમાં ત્રણ ગણા ભાવ સાથે ટિકિટો વેચાઇ રહી છે. આવા કાળાબજારિયાઓને ઝડપી લેવા શહેર પોલીસે ધોંસ વધારી હતી તેવામાં ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસે છથી વધુ લોકોને ટિકિટ વેચતા ઝડપી પાડ્યા છે. આરોપીઓ ત્રણ હજારની ટિકિટો 15થી 20 હજારમાં વેચવા નીકળ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
મોટેરામાં રવિવારે યોજાનારી આઇપીએલની ફાઇનલ મેચ માણવા ક્રિકેટ રસિયાઓમાં ટિકિટની ભારે ડિમાન્ડ છે. તેમાંય આ વખતે ગુજરાત ટાઇટન્સની એન્ટ્રી થવાની સાથે ટિકિટની ડિમાન્ડમાં અનેકગણો વધારો થયો છે. જો કે ફાઇનલ મેચની તમામ ટિકિટનું વેચાણ થઇ ગયું હોવાથી હવે કાળાબજારિયાઓ સક્રિય થયા છે. જોકે આવા તત્ત્વોને શોધી કાઢવા સ્થાનિક પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાંચ એક્ટિવ બની છે. કાળાબજારી કરતા તત્ત્વોએ તકનો ગેરલાભ લેવાના ઇરાદે પહેલાથી જ મોટાપ્રમાણમાં ઓનલાઇન ટિકિટ ખરીદીને ત્રણ ચાર ઘણા ભાવે વેચાણ શરૂ કરી દીધુ હોવાથી ક્રાઇમ બ્રાંચથી માંડીને સ્થાનિક પોલીસે ટિકિટની કાળાબજારી કરતા તત્વોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે સિંધુભવન રોડ પર બીલીયોનર સ્ટ્રીટ પાસેથી મન પટેલ (રહે. ગેલેરિયા તુલીપ, બોડકદેવ) અને સફીક ઉર્ફે બન્ની જુલાયા (રહે. ગોમતીપુર)ને આઇપીએલની ચાર ટિકિટ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ ત્રણ હજારની ટિકિટ 10 હજારમાં વેચાણ કરવાના હોવાનું જણાયું છે.
ઉપરાંત, ચાંદખેડા વિસ્તારમાંથી પોલીસે મંથન જૈન (રહે. સાબરમતી) અને મિત હરવાણી (રહે. મોટેરા)ને પાંચ ટિકિટ સાથે ઝડપી લીધા હતા.અન્ય કેસમાં પોલીસે વિસત સર્કલ પાસેથી ઇશાન ભટ્ટ (રહે. ઓઢવ) અને નિર્મલ જૈન (રહે.રાજસ્થાન)ને આઇપીએલની ટિકિટના કાળાબજારી કરતા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ આ ટિકિટ ઋષભચંદ્ર જૈન પાસેથી મેળવીને કમિશન પર વેચાણ કરવાના હતા. બંને આરોપીઓએ 3500ની ટિકિટ 15થી 20 હજારમાં વેચવાનું નક્કી કર્યુ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
