
આ ધરપકડ સાથે સુરતના ઉતરાણ પોલીસ મથકે નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
વૃદ્ધ મહિલાની લૂંટના આરોપી ઝડપાયા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી ઋતિક સંજયભાઈ કાવીઠિયા પાસે કામધંધો કે રૂપિયા ન હોવાથી તે કાજલબેન જોગીન્દ્ર શર્મા નામની મહિલા સાથે રિક્ષા લઈને સુરત કમાવવા માટે આવ્યો હતો. સુરતમાં તેમને રહેવા માટે કોઈ રૂમ ન મળતા તેઓ ખુલ્લામાં જ રહેતા હતા. દરમિયાન ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે તેઓએ ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો.
રિક્ષામાં બેસેલા મહિલાને નિશાન બનાવી આચરી લૂંટ
આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, વેલંજા વિસ્તારમાંથી એક અસહાય વયોવૃદ્ધ મહિલા તેમની રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા. આ તકનો લાભ લઈને રિક્ષાચાલક ઋતિક અને કાજલે વૃદ્ધાને ડરાવી-ધમકાવી તેમના કાનમાંથી સોનાની બુટીઓ બળજબરીપૂર્વક ઝૂંટવી લીધી હતી. આરોપીઓએ એટલી ક્રૂરતાથી બુટી ખેંચી હતી કે વૃદ્ધાના કાન ફાટી ગયા હતા અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લૂંટ ચલાવ્યા બાદ બંને આરોપીઓ સુરત છોડીને નાસી ગયા હતા.
પકડાયેલા આરોપી સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુના
સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી તપાસ લંબાવીને ઋતિક કાવીઠિયાની સાયલાથી અને કાજલ શર્માની માળિયા મિયાણાથી ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી ઋતિક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ ચોટીલા તેમજ સુરતના અમરોલી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા અને આરોપીઓના રિમાન્ડ મેળવવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.