વિશ્વ સાયકલ દિવસ ૨૦૨૬ની થીમ “હરિયાળા ભવિષ્ય માટે સાયકલિંગ” અંતર્ગત પાટનગરમાં ફિટનેસ ક્રાંતિ
ગ્રીન સિટી ગાંધીનગર દેશભરના સાયકલ સવારો માટે બન્યું રોલ મોડેલ: ડેડિકેટેડ ટ્રેક્સ અને પબ્લિક બાઈક શેરિંગે વધારી ગ્રીન મોબિલિટી
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ના સમન્વયથી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ
ગાંધીનગર, ૨ જૂન-
સમગ્ર વિશ્વમાં ૩ જૂને ‘વિશ્વ સાયકલ દિવસ’ (World Bicycle Day) ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં ફિટનેસ અને પર્યાવરણની રક્ષાનો એક અદભુત સંગમ જોવા મળ્યો રહ્યો છે.આ વર્ષે “હરિયાળા ભવિષ્ય માટે સાયકલિંગ” થીમ અંતર્ગત વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવશે.
૨૧મી સદીના આધુનિક યુગમાં જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સ્માર્ટ ગેજેટ્સ માનવ જીવન પર હાવી થઈ રહ્યા છે, ત્યારે બે પૈડાં પર ચાલતું આ સાદું સાધન આજે પણ સ્વાસ્થ્ય અને સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) માટેનું સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યું છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા “ફિટનેસ કી ડોઝ, આધા ઘંટા રોજ” ના નારાને સાર્થક કરવા માટે સાયકલિંગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
*ગુજરાતમાં ફિટનેસની નવી લહેર: બિઝનેસ પીપલ બની રહ્યા છે ‘ફિટનેસ પીપલ’*
સરકારની પહેલ “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ”ના કારણે રાજ્યના ગામડાંઓ સુધી શારીરિક તંદુરસ્તીનો જે માહોલ ઊભો થયો છે, તેની સીધી સકારાત્મક અસર સાયકલિંગ પ્રવૃત્તિઓ પર જોવા મળી રહી છે. આજે સાયકલ માત્ર બાળકોની રમત નથી રહી, પરંતુ કોર્પોરેટ જગતના સીઈઓથી માંડીને વડીલો સુધીના તમામ વર્ગની પ્રથમ પસંદગી બની ગઈ છે.
હાલમાં જ અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી સાયકલોથોનમા ખૂબ મોટી સંખ્યામાં સાયકલ સવારોએ જોડાઈ ફિટનેસ ફર્સ્ટનો સંદેશ આપ્યો હતો. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટાથી લઈ અમદાવાદના રિવરફ્રન્ટ, સુરતના ડુમસ રોડ, વડોદરાના રેસકોર્સ અને રાજકોટના રીંગ રોડ સુધી દર રવિવારની સવારે હજારો સાયકલ સવારોના ગ્રુપ્સ ગ્રીન પ્લેનેટના સંકલ્પ સાથે પેડલ મારતા નજરે પડે છે.
ગાંધીનગર શહેરની ભૌગોલિક ગ્રીડ સિસ્ટમ અને સ્માર્ટ પ્લાનિંગ તેને દેશનું આદર્શ સાયકલિસ્ટ પેરેડાઈઝ બનાવે છે. ફ્રેંચ આર્કિટેક્ટ ‘લી કોર્બુઝિયર’ના સિદ્ધાંતો પર આધારિત અહીંના ‘ક’ થી ‘ઘ’ અને ‘૧’ થી ‘૭’ રોડની બંને બાજુએ આવેલા ઘટાદાર વૃક્ષો ઉનાળાની સવારે પણ સાયકલ સવારોને કુદરતી ઠંડક અને શુદ્ધ ઓક્સિજન પ્રદાન કરે છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય માર્ગો પર વાહનોના ટ્રાફિકથી અલગ, માત્ર સાયકલ સવારોની સુરક્ષા માટે ખાસ ટ્રેક્સ બનાવવામાં આવ્યા છે.
પબ્લિક બાઇક શેરિંગ (PBS) કોન્સેપ્ટ અંતર્ગત ગાંધીનગરના જી-આઈડીસી (GIDC), સચિવાલય, ઇન્ફોસિટી, અને સેન્ટ્રલ યુનિવર્સિટી જેવા મુખ્ય વિસ્તારોમાં સ્માર્ટ સાયકલ સ્ટેશનો કાર્યરત છે. નાગરિકો અને વિદ્યાર્થીઓ મોબાઈલ એપની મદદથી ખૂબ જ સસ્તા દરે સાયકલ મેળવીને ‘લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી’નો લાભ લઈ રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ ૨૦૧૮માં સ્થાપિત આ દિવસ માત્ર પરિવહન નહીં પરંતુ મોટા પરિવર્તનનું માધ્યમ છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રોજ માત્ર ૩૦ મિનિટ સાયકલ ચલાવવાથી હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને સ્થૂળતા (Obesity) જેવી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. સાથે જ, એક પણ ટીપું ઇંધણ બાળ્યા વિના કાર્બન ફૂટપ્રિન્ટ અને ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવામાં સાયકલિંગ એ વરદાન સમાન છે. ગતિશીલ ગુજરાત હવે ફિટ અને હરિયાળા ભવિષ્ય ભણી મજબૂત પેડલ મારી રહ્યું છે. ત્યારે ચાલો આપણે પણ જોડાઈએ…
