સાયબર ક્રાઈમની તપાસના નામે સામાન્ય નાગરિકોના સમગ્ર બેંક ખાતા ફ્રીઝ કરી દેવાની વધતી જતી પ્રવૃત્તિ સામે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર નાની રકમની શંકાસ્પદ લેવડદેવડના કારણે અરજદારની કાયદેસરની કમાણી ધરાવતું આખું ખાતું બંધ કરી દેવું તે બંધારણની કલમ 21 હેઠળ મળેલા આજીવિકા અને ગૌરવના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
આ કેસમાં હાઈકોર્ટે એચડીએફસી બેંકને માત્ર વિવાદિત રકમ પૂરતો જ પ્રતિબંધ રાખીને બાકીનું ખાતું તાત્કાલિક અનફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે અર્જુન કુરુવીતિલ પીતાંબરન નામના નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. અરજદારનું ગાંધીનગરની ઈન્ફોસિટી બ્રાંચની એચડીએફસી બેંકમાં બચત ખાતું આવેલું છે, જેનો ઉપયોગ તેઓ પગાર, ઘરખર્ચ, ભાડું અને ઈએમઆઈ જેવી રોજીંદી જરૂરિયાતો માટે મુખ્ય ખાતા તરીકે કરે છે.
સાયબર ક્રાઈમ સત્તાવાળાઓ તરફથી મળેલી બે ફરિયાદોના સંદર્ભમાં બેંકે આ સમગ્ર ખાતામાંથી નાણાકીય વ્યવહારો કરવા પર રોક લગાવી દીધી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેમના અસીલનો કોઈ સાયબર ગુનામાં હાથ નથી અને તેઓ આ કેસમાં આરોપી કે શંકાસ્પદ પણ નથી.
માત્ર રૂ. 500 અને રૂ. 600 મળીને કુલ રૂ. 1,100ના બે નાના ક્રેડિટ ટ્રાન્ઝેક્શનના કારણે આખું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું, જેના લીધે તેઓ પોતાની કાયદેસરની કમાણી વાપરી શકતા નહોતા.
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિરલ આર. મહેતાની અદાલતે નોંધ્યું કે સાયબર ગુનાની તપાસ દરમિયાન બેંક ખાતા ફ્રીઝ કરવાની તપાસ એજન્સીઓની સત્તા સામે કોઈ વિવાદ નથી, પરંતુ આ સત્તાનો ઉપયોગ વ્યાજબી, પ્રમાણસર અને કાયદેસરની રીતે થવો જોઈએ. શંકાસ્પદ રકમ નક્કી કર્યા વિના કે ખાતાધારકની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી સાબિત કર્યા વિના આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
અદાલતે ગંભીરતાપૂર્વક અવલોકન કર્યું કે અરજદાર ક્યાંય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી અને શંકાસ્પદ રકમ માત્ર રૂ. 1,100 જેટલી જ છે, તેથી તેમનો પગાર અને કાયદેસરની બચત રોકી રાખવી તે અપ્રમાણસર છે.
ન્યાયના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આ અરજી મંજૂર કરી છે અને એચડીએફસી બેંકને આદેશ આપ્યો છે કે તેઓ અરજદારના ખાતામાં માત્ર રૂ. 1,100ની રકમ પર જ લીન (પ્રતિબંધ) રાખે, જે સાયબર ક્રાઈમની તપાસના પરિણામને આધીન રહેશે.
આ વિવાદિત રકમ સિવાય અરજદારને પોતાના બેંક ખાતામાંથી તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો કરવાની સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ અદાલતે અરજદારને તપાસ એજન્સીને જ્યારે પણ જરૂર પડે ત્યારે સહકાર આપવાની સૂચના આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ આદેશની અસર સાયબર ગુનાની તપાસની યોગ્યતા પર પડશે નહીં.
