આર્થિક નબળા વર્ગના નાગરિકો માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પીએમ આવાસ યોજના 2.0 હેઠળ ઘર બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ માટે બજેટમાં જોગવાઇ કર્યા બાદ હવે ભાટ ખાતે 1536 જેટલા ઇડબલ્યુએસ-2 આવાસ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહીં તમામ આધુનિક સુવિધા સાથેનું સંકુલ બનાવવામાં આવશે. કુલ 168.97 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના ઝડપથી વિકસતા ભાટ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-80, ફાઇનલ પ્લોટ નંબર-113 ખાતે વિશાળ અને અત્યાધુનિક આવાસ પ્રોજેક્ટ આકાર પામશે. આ યોજના હેઠળ કુલ 1536 2BHK હાઈરાઈઝ ફ્લેટ્સ તેમજ સ્થાનિક સ્તરે જ રોજગારી અને ખરીદીની સુવિધા મળી રહે તે માટે 10 આધુનિક દુકાનોનું પણ નિર્માણ કરવામાં આવશે.
સામાન્ય રીતે સરકારી આવાસોમાં નાની જગ્યા મળતી હોય છે, પરંતુ અહીં ગરીબ પરિવારોને પણ ખાનગી સોસાયટીઓ જેવી જ વૈભવી, મોટી જગ્યા અને હાઈટેક સુવિધાઓ મળી રહે તેવું ભવ્ય આયોજન કરાયું છે.
ભાટ વિસ્તારમાં આવેલી આશરે 25,382 ચોરસ મીટર જેટલી પ્રાઇમ લોકેશનની વિશાળ જમીન પર આ આખો પ્રોજેક્ટ આકાર લેશે. કામ શરૂ થયાના 36 મહિના એટલે કે 3 વર્ષની અંદર જ તમામ પરિવારોને ફ્લેટ સોંપી દેવાનું આયોજન છે.
એટલું જ નહીં, બાંધકામની ગુણવત્તા એટલી ઉત્તમ રાખવામાં આવશે કે આગામી 10 વર્ષ સુધી બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામી સામે ગેરંટી રાખવામાં આવી છે, જે સામાન્ય રીતે પ્રાઇવેટ બિલ્ડરો પણ આપતા નથી. આ કેમ્પસમાં 12 માળના કુલ 16 જેટલા હાઇરાઇઝ ટાવર બનાવવામાં આવશે. દરેક ફ્લેટ આશરે 41.48 ચોરસ મીટરના મોટા કાર્પેટ એરિયા સાથેનો હશે. દરેક ફ્લોર પર 8 મકાન અને તે પ્રમાણે લિફ્ટ સહિતની સુવિધા રખાશે.
કેમ્પસમાં મળશે આ પાંચ હાઈટેક સુવિધા
1. સોલાર પાવર અને લિફ્ટ: હાઈરાઈઝ ટાવર હોવાથી દરેક બ્લોકમાં આધુનિક અને સેફ લિફ્ટ મૂકાશે. સોસાયટીનું કોમન લાઈટ બિલ ઓછું આવે તે માટે સ્ટ્રીટ લાઈટોમાં 50 ટકા જેટલી લાઈટો સોલાર એનર્જી આધારિત હશે.
2. ગ્રીનરી અને ક્લબ હાઉસ: બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, વડીલો માટે આરસીસી બેન્ચીસ, આકર્ષક લેન્ડસ્કેપ ગાર્ડન (બગીચો) અને સામાજિક પ્રસંગો યોજવા માટે કોમ્યુનિટી હોલ અથવા ક્લબ હાઉસ પણ બનાવાશે.
3. કચરામાંથી ખાતરનો પ્લાન્ટ: સોસાયટીમાં સ્વચ્છતા જાળવવા માટે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મૂકાશે, જેમાં કચરાનો નિકાલ કરીને તેમાંથી ખાતર બનાવી શકાશે.
4. પાણીની આત્મનિર્ભરતા: 24 કલાક પાણી મળી રહે તે માટે ટ્યુબવેલ અને અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનશે. સાથે જ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને પર્ક્યુલેશન વેલ બનાવાશે.
5. કલાત્મક દીવાલો: કેમ્પસને ફરતે મજબૂત કમ્પાઉન્ડ વોલ અને મુખ્ય ગેટ પર આધુનિક સિક્યોરિટી કેબિન બનશે. દીવાલો પર સુંદર આર્ટિસ્ટિક પેઇન્ટિંગ્સ કરાશે, જ્યારે કેમ્પસની અંદર આરસીસી સીસી રોડ અને પેવર બ્લોકનું રહેશે.