ગુજરાત મહેસૂલ વિભાગનો ઐતિહાસિક નિર્ણય, DILR પ્રથા જ કાઢી નાખી, જાણો શું ફાયદો થશે

Spread the love

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો અને મિલકત ધારકોના હિતમાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જૂની બ્રિટિશ શાસનકાળથી ચાલી આવતી ‘સિટી સર્વે’ અને ‘જિલ્લા નિરીક્ષક જમીન દફતર’ પ્રણાલીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે ખેડૂતોએ જમીનની માપણી, પ્રોપર્ટી કાર્ડ, નકશા કે ટિપ્પણ મેળવવા માટે જિલ્લા કક્ષાની કચેરીઓ સુધી લાંબા થવું નહીં પડે.

મહેસૂલ વિભાગે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને રાજ્યના ૩૦૯ તાલુકાઓમાં ‘તાલુકા સર્વેયર’ એટલે કે નિરીક્ષક જમીન દફતર ની નવી કચેરીઓ કાર્યરત કરવાનો આદેશ આપ્યો છે.

 

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતરની કચેરીઓના વિભાજન અંગે સેક્શન અધિકારી દિનેશ પરમારની સહીથી સોમવારે એક મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કરાયો છે. આ અંતર્ગત, મહેસૂલી તંત્રના ૩૦૯ તાલુકાઓમાં નવા વર્ગ-૨ના આઈ.એલ.આર. અને તેના ઉપર જિલ્લાદીઠ વર્ગ-૧ના સુપરિટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ (એસ એલ આર)નું વહીવટી તંત્ર કાર્યરત થશે.

 

પ્રત્યેક આઈ.એલ.આર કચેરીને ૧૫ સર્વેયરોનું મહેકમ ફાળવવામાં આવશે. આ ઉપરાંત, જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં મહેસૂલી તલાટીઓનું મહેકમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવીન વહીવટી માળખાને કારણે છેલ્લા દોઢ-બે દાયકાથી મંથર ગતિએ ચાલતી જમીન રિ-સર્વેની કામગીરીમાં અભૂપૂર્વ ઝડપ આવશે.

 

જમીન દફતરની કુલ ૩૨૭ કચેરીઓ થકી સમગ્ર રાજ્યમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થતાં રિ-સર્વે અને ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે. મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, જમીન માપણી, રિ-સર્વે, નકશા, ટિપ્પણ તેમજ ખેતીની જમીનના ક્ષેત્રફળ, આકાર અથવા સત્તા પ્રકારમાં થતા ફેરફારોની સત્તાવાર નોંધ રાખવા માટેના ‘કમી જાસ્તી પત્રક’ (કે.જે.પી)ને સંપૂર્ણપણે ઓનલાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સત્તાના આ વિકેન્દ્રીકરણથી કેજેપી, નકશા અને ટિપ્પણ સહિતના તમામ અગત્યના દસ્તાવેજો ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી લોકો માટે ઉપલબ્ધ બનશે.

 

આગામી સમયમાં આ તમામ સેવાઓ આંગળીના ટેરવે ‘ફેસલેસ’ માધ્યમથી ઓનલાઇન મેળવી શકાશે. વધુમાં, સમગ્ર જમીન દફતર અને સેટલમેન્ટ કમિશનરેટની કામગીરી પર યોગ્ય મોનિટરિંગ રાખવા માટે જિલ્લા કક્ષાએ એસ એલ આર અને રાજ્ય સ્તરે અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર એમ ચાર ઝોનમાં નાયબ નિયામકનું સક્ષમ તંત્ર મોનિટરિંગની જવાબદારી સંભાળશે. આ નિર્ણયોથી ગુજરાતના લાખો ખેડૂતોને જિલ્લા કચેરીઓના ધક્કામાંથી કાયમી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *