
ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ને ખેડૂતો ત્યાં ત્રાટક્યાં
ફરિયાદી અજીત પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 4 જૂન, 2026ના રોજ વડપુરા ગામના માજી સરપંચ કનુભાઈ પટેલે તેમને જાણ કરી હતી કે એમ.બી. ફેક્ટરીની પાછળ આવેલા ગૌચરમાં રાત્રિના સમયે જેસીબી અને ડમ્ફરો દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. રાત્રિના સમયે અજીતભાઈ, કનુભાઈ પટેલ, સંદિપભાઈ પટેલ અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં જેસીબી અને ડમ્પરો ચાલુ હતા.
10થી 15ના ઝુંડ ભરેલી બે ગાડીઓએ ફરિયાદીની કાર આંતરી
ગ્રામજનોને જોઈને ડ્રાઈવરો ભાગવા લાગ્યા હતા. ફરિયાદીએ એક ડ્રાઈવરને રોકીને પૂછપરછ કરવા માટે તેને પોતાની ગાડીમાં બેસાડીને નીકળ્યા હતા. જ્યારે તેઓ MB ફેક્ટરી નજીક પહોંચ્યા, ત્યારે ઇનોવા અને સ્કોર્પિયો ગાડીમાં આવેલા અંદાજે 15થી 20 જેટલા શખ્સોએ ફરિયાદીની ગાડી રોકાવી હતી. આરોપીઓના હાથમાં છરીઓ અને ધોકા જેવા ઘાતક હથિયારો હતા. જે બાદ આરોપીએ છરાના હાથા વડે ફરિયાદીની છાતીમાં ફટકા માર્યા હતા.
8 લાખથી વધુના સોનાના દાગીના લૂંટી આરોપીઓ ફરાર
આરોપીઓએ ફરિયાદીના ગળામાંથી (4 તોલાની સોનાની કંઠી 6,00,000) અને કનુભાઈ પટેલની (1.5 તોલાની સોનાની કંઠી 2,20,000) લૂંટી લીધી હતી. જે બાદ ફરિયાદીને બ્રેઝા ગાડીમાં નાખીને અપહરણ કરી ડીસન્ટ હોટલ સુધી લઈ ગયા હતા, જ્યાં તેમને નીચે ઉતારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઈજાગ્રસ્ત ફરિયાદી અને સાથીઓને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.