
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.’
ભાજપના ‘નો-રિપીટ’ નિયમમાં અપવાદરૂપ નેતા
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે પોતાના નિયમ મુજબ 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનું નક્કી કર્યું હતું. આ કારણે તમામ બેઠકોના ઉમેદવારો જાહેર થઈ ગયા હોવા છતાં માંજલપુર બેઠક હોલ્ડ પર રાખવામાં આવી હતી. તેનું કારણ યોગેશ પટેલ હતા, જેમની ઉંમર તે સમયે 76 વર્ષની હતી. જોકે, તેમની લોકપ્રિયતા અને જનતા પરની પકડને જોતા ભાજપે પોતાના નિયમમાં બાંધછોડ કરીને તેમને સતત આઠમી વખત ટિકિટ આપવી પડી હતી.
રાવપુરાથી માંજલપુર સુધીની અજેય સફર અને વિક્રમી લીડ
બેઠકનું વિભાજન:વર્ષ 2012માં નવા સીમાંકન બાદ વડોદરાની બેઠકો 3માંથી વધીને 5 થઈ, ત્યારે માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવી. અગાઉ આ વિસ્તાર રાવપુરા બેઠકનો ભાગ હતો.
ચૂંટણી પ્રદર્શન: 1990થી 2007 સુધી સતત પાંચ ટર્મ તેઓ રાવપુરા બેઠક પરથી જીત્યા હતા. 2012માં માંજલપુર બેઠક પરથી તેઓ 51,785 મતોની લીડથી વિજેતા બન્યા.
વિક્રમી માર્જિન:વર્ષ 2017માં તેમની જીતની લીડ વધીને 56,362 થઈ અને વર્ષ 2022ની ચૂંટણીમાં તો તેમણે તમામ રેકોર્ડ તોડીને 1 લાખથી વધુના માર્જિન સાથે અંદાજે 75% કરતાં વધુ મતો મેળવી પ્રચંડ વિજય મેળવ્યો હતો.
જનતાના પ્રશ્નો માટે પોતાની જ સરકાર સામે થનારા ‘લોકનેતા’
વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખના જણાવ્યા અનુસાર, યોગેશ પટેલ ગુજરાતના રાજકારણમાં એક અદ્ભુત અપવાદ હતા. તેઓ હંમેશાં પોતાના વિસ્તાર અને વડોદરાના વિકાસ માટે સક્રિય રહ્યા.
વડોદરાના હૃદયસમા સૂરસાગર તળાવની મધ્યમાં શિવજીની ભવ્ય પ્રતિમાનું નિર્માણ અને નવનાથ મહાદેવ મંદિરો પૈકીના જાગનાથ મંદિરનો જીર્ણોદ્ધાર તેમના જ પ્રયાસોથી થયો, જે વડોદરાનું નવું નજરાણું બન્યું.
વર્ષ 2018માં તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે મંત્રીઓ ધારાસભ્યોને મળતા નથી તેથી પ્રજાના કામો અટકે છે. તે જ વર્ષે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેમણે અધિકારીઓને કોંગ્રેસના ઈશારે કામ ન કરવા ચીમકી આપી હતી.
કોરોના મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ₹1,880 કરોડ ખંખેરી લેવામાં આવ્યા હોવાની અને મનફાવે તેમ ફી વસૂલાતી હોવાની ફરિયાદ તેમણે છેક રાજ્ય સરકાર સુધી પહોંચાડીને કડક કાર્યવાહી કરાવી હતી.
વિદ્યાર્થીકાળની આંદોલનકારી છબીથી મુખ્યધારાની રાજનીતિ
યોગેશ પટેલની રાજકીય સફર આંદોલનોથી શરૂ થઈ હતી. વરિષ્ઠ પત્રકાર અજય દવેના સ્મરણો મુજબ:
દૂધના ભાવવધારાનું આંદોલન (1978): આ આંદોલન દરમિયાન વડોદરામાં ભારે હિંસા થઈ હતી અને 200 જેટલા દૂધના પાર્લર સળગાવાયા હતા. રાવપુરા જ્યુબીલીબાગ પાસે ડેરી સળગાવતી વખતે યોગેશ પટેલ પોતે ગંભીર રીતે દાઝી ગયા હતા અને માંડ બચ્યા હતા. આ આંદોલને તેમને આખા રાજ્યમાં લોકપ્રિય બનાવ્યા.
શાળા ડોનેશન વિરોધી આંદોલન:શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતા ગેરકાયદે ડોનેશન સામે તેમણે ‘હિતરક્ષક સમિતિ’ હેઠળ આંદોલન કર્યું. આ લડત એટલી સફળ રહી કે શાળા સંચાલકોએ વાલીઓને મની ઓર્ડર કરીને પૈસા પાછા આપવા પડ્યા હતા.
આ આંદોલનો બાદ તેઓ મુખ્ય રાજનીતિમાં આવ્યા. જોકે, શરૂઆતમાં તેઓ કોર્પોરેશનની ત્રણ ચૂંટણીઓ લડ્યા અને ત્રણેયમાં તેમની હાર થઈ હતી.
રાજકીય પક્ષ પલટો અને સફર:
વર્ષ 1990માં તેઓ પ્રથમ વખત ‘જનતા દળ’માંથી રાવપુરા બેઠક પર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના રમેશભાઈ ઠાકોરને 20,388 મતોથી હરાવ્યા (તે સમયે ભાજપના મધુભાઈ શાહ ત્રીજા ક્રમે રહ્યા હતા). જોકે, 1995ની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારથી સતત 7 ટર્મ (કુલ 8 ટર્મ) સુધી અજેય રહ્યા.
યોગેશ પટેલ હંમેશાં જાહેર કાર્યક્રમોમાં સફેદ ઝભ્ભો અને તેના પર સાવલીવાળા મહારાજે આપેલી ખાસ કાળી કોટી પહેરેલા જ જોવા મળતા હતા, જે તેમની ઓળખ બની ગઈ હતી.
વર્ષ 2022માં જ્યારે 8મી વખત ટિકિટ મળી ત્યારે તેમણે PM મોદી સાથેના સંબંધોને યાદ કરતાં કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મને વ્યક્તિગત રીતે સારી રીતે જાણે છે. PM મોદી જ્યારે છેલ્લે વડોદરા આવ્યા ત્યારે મને ખાસ પૂછ્યું હતું કે – ‘યોગેશભાઈ, તૈયાર છો ને?”
આ ઉપરાંત, ભાજપના વરિષ્ઠ નેતા અને સુલતાનપુરના પૂર્વ સાંસદ મેનકા ગાંધી યોગેશ પટેલને પોતાના ભાઈ માનતા હતા અને દર વર્ષે રક્ષાબંધન પર તેમને નિયમિત રાખડી મોકલતા હતા. વડોદરાએ એક સાચા અર્થના લોકનેતા ગુમાવ્યા છે.