ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ સાથે 1.47 કરોડની ઠગાઈ

Spread the love

ગુજરાતમાં સાયબર ગુનેગારોનો આતંક દિવસબદિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં હવે સાયબર ઠગોએ લોકોને લૂંટવા માટે ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) જેવો ખતરનાક કીમિયો અપનાવ્યો છે. ગુજરાતમાં સાયબર છેતરપિંડીનો એક એવો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે, જેમાં એક નિર્દોષ ગુજરાતી વૃદ્ધને પોતાની જાળમાં ફસાવીને સાયબર માફિયાઓએ રૂપિયા 1.47 કરોડની માતબર રકમ પડાવી લીધી છે.ભોગ બનનાર વૃદ્ધના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ જે રકમ સાફ કરી દીધી, તે તેમની આખી જિંદગીની લોહી-પરસેવાની કમાણી હતી. એક અજાણ્યા ફોન કોલથી શરૂ થયેલો આ ખેલ વૃદ્ધની બરબાદી પર આવીને અટક્યો છે.

 

Digital Arrest: ધરપકડની ધમકીથી ખેલ શરૂ થયો

 

આ હચમચાવનારા કેસની સત્તાવાર જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત અગ્રણી એજન્સી ‘સાયબર દોસ્ત’ (I4C) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર વૃદ્ધના સ્માર્ટફોન પર એક દિવસ અચાનક જ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. વૃદ્ધે જેવો ફોન રિસીવ કર્યો કે સામેથી બોલતા શખ્સે પોતે કોઈ મોટી તપાસ એજન્સીમાંથી બોલતો હોવાનો વટ માર્યો હતો.

 

ઠગે વૃદ્ધને ધમકાવતા જણાવ્યું કે, તેમના નામે ડિજિટલ ક્રેડેન્શિયલ (જેમ કે બેંકિંગ વિગતો કે આઈડી) નો ઉપયોગ કોઈ ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અને રાષ્ટ્રવિરોધી કામોમાં થયો છે. આ સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પીડિત વૃદ્ધ પર અલગ-અલગ ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં ધકેલી દેવાની અને તાત્કાલિક ધરપકડ કરવાની સીધી ધમકીઓ આપવામાં આવી હતી.સાયબર ઠગોએ વૃદ્ધના મનમાં કાયદા અને જેલનો એવો ડર પેસાડી દીધો કે વૃદ્ધ સંપૂર્ણપણે તેમની જાળમાં ફસાઈ ગયા. ઠગોએ વૃદ્ધને ચોવીસે કલાક ફોન અને વીડિયો કોલ પર નજર હેઠળ રાખીને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી લીધા હતા. આ અરેસ્ટ દરમિયાન વૃદ્ધને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ ઘરના કે બહારના કોઈ પણ સભ્ય સાથે આ મુદ્દે વાત ન કરે.ઠગોએ એવી ધમકી આપી હતી કે, “જો આ તપાસની જાણકારી લીક થશે, તો તે તમારા અને તમારા આખા પરિવારના જીવ માટે ભારે જોખમી સાબિત થઈ શકે છે.” પરિવારની સુરક્ષા અને બદનામીના ડરથી પીડિત વૃદ્ધ સતત ૨૮ દિવસ સુધી આ ડિજિટલ કેદમાં ઘૂંટાઈ રહ્યા અને માનસિક ત્રાસ ભોગવતા રહ્યા.

 

વેરિફિકેશનના નામે 1.47 કરોડ લૂંટી લીધા

 

જ્યારે વૃદ્ધ માનસિક રીતે સાવ ભાંગી પડ્યા, ત્યારે સાયબરગુનેગારોએ પોતાનો અસલી રંગ બતાવ્યો. તેમણે વૃદ્ધને આ કથિત કાયદાકીય કેસમાંથી મુક્તિ અપાવવાની અને કેસ કાયમ માટે ખતમ કરવાની લાલચ આપી હતી. ઠગોએ જણાવ્યું કે, કેસ સેટલ કરવા માટે તેમના બેંક ખાતામાં રહેલા ફંડનું ‘સરકારી વેરિફિકેશન’ કરવું પડશે.ચોર ટોળકીની વાતોમાં આવીને પીડિત વૃદ્ધે વેરિફિકેશનના બહાને પોતાના ખાતામાંથી કટકે-કટકે કુલ 1,47,00,000 (૧.૪૭ કરોડ રૂપિયા) સાયબર ઠગોએ આપેલા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધા. તમામ પૈસા ટ્રાન્સફર થઈ ગયા બાદ જ્યારે સામેથી ફોન આવવાના બંધ થઈ ગયા અને સંપર્ક તૂટી ગયો, ત્યારે વૃદ્ધને ભાન થયું કે તેઓ એક બહુ મોટા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો શિકાર બની ચૂક્યા છે.

 

‘સાયબર દોસ્ત’ એ જાહેર કરી એડવાઈઝરી

 

આ મોટી ઘટના બાદ કેન્દ્રીય એજન્સી ‘સાયબર દોસ્ત’ દ્વારા સામાન્ય નાગરિકો માટે એક અત્યંત મહત્વની એડવાઈઝરી (સલાહ) જાહેર કરવામાં આવી છે, જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે. આ એડવાઈઝરી મુજબ ધરપકડનો નિયમ સ્પષ્ટ કરે છે કે દેશની કોઈપણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી (જેમ કે સીબીઆઈ, લોકલ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ઇડી કે ઇન્કમટેક્સ) ક્યારેય પણ ફોન કોલ કે વોટ્સએપ વીડિયો કોલ દ્વારા કોઈ વ્યક્તિની ધરપકડ કરતી નથી કે આવી રીતે બંધ રૂમમાં ડિજિટલ પૂછપરછ કરતી નથી. આ ઉપરાંત, કોઈ પણ સરકારી કે કાનૂની એજન્સી ક્યારેય ફોન પર કેસ રફાદફા કરવા કે ફંડ વેરિફિકેશનના નામે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહેતી નથી એટલે કે આવી કોઈ પૈસાની માંગણી કાયદેસર હોતી નથી. જો તમારા પર પણ આવો કોઈ અજાણ્યો ડરામણો કોલ આવે, તો સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ કોલ કટ કરી દેવો જોઈએ; સાયબર ફ્રોડથી ડરવાની જરૂર નથી, માત્ર જાગૃત અને સુરક્ષિત રહેવાની જરૂર છે અને જો કોઈ છેતરપિંડી થાય તો તુરંત રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *