વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર ઇકો કાર ટ્રક પાછળ ઘુસી ગઈ, પતરા ચીરીને મૃતદેહો બહાર કઢાયા, 4ના મોત, 4 ઇજાગ્રસ્ત

Spread the love
વડોદરા: વડોદરા-દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરાના સમિયાલા નજીક ગત મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. મહેસાણા જવા નીકળેલો એક પરિવાર રસ્તો ભૂલી જતાં સમિયાલા પાસે પહોંચ્યો હતો, જ્યાં તેમની ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકોમાંથી ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પરિવાર ઈકો કારમાં સવાર થઈ મહેસાણા જવા નીકળ્યો હતો
મળતી માહિતી મુજબ, વડોદરાના અંપાડ અને ગોત્રી વિસ્તારના રહીશો એક ઇકો કારમાં સવાર થઈને મહેસાણા જવા માટે નીકળ્યા હતા. જો કે, રાત્રિના સમયે રસ્તો ભૂલી જવાના કારણે તેઓ એક્સપ્રેસ વે પર સમિયાલા નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમની કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને રાત્રિની શાંતિ ચીસાચીસથી ગુંજી ઉઠી હતી.અંપાડ અને ગોત્રી પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ
બીજી તરફ, અકસ્માતમાં ઘવાયેલા અન્ય ચાર મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં કનુભાઈ અંબાલાલ મેવાડા, રમેશભાઈ ડાહ્યાભાઇ સોલંકી, લક્ષ્‍મીબેન મગનભાઇ સોલંકી (તમામ રહે. અંપાડ) અને ધર્મિષ્ઠાબેન પ્રહલાદભાઇ બારડ (રહે. ગોત્રી, વડોદરા) નો સમાવેશ થાય છે. એક જ ગામના ત્રણ અને વડોદરાના કુલ ચાર લોકોના આકસ્મિક મોતના સમાચારથી અંપાડ અને ગોત્રી પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *