Kadi: સરકારી શાળા અને મંદિરની સાડા ચાર વીઘા જમીન બારોબાર વેચી મારતા USA-કેનેડાના NRI સહિત 14 સામે ફરિયાદ

Spread the love
મહેસાણા જિલ્લાના કડી પથકમાંથી જમીન માફિયાઓની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી સરકારી શાળા અને મંદિરની જમીનને નકલી દસ્તાવેજોના આધારે વેચી મારવાનું એક બહુમોટું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે કડી સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીએ બાવલું પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ હાઈપ્રોફાઈલ જમીન કૌભાંડમાં સ્થાનિક સાગરીતો ઉપરાંત અમદાવાદ, મુંબઈ તેમજ વિદેશ એટલે કે USA (અમેરિકા) અને કેનેડામાં રહેતા મળી કુલ ૧૪ જેટલા જમીન માફિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

જમીનને હડપવા ભૂમાફિયાઓએ મોટો ખેલ રચ્યો

 

મળતી વિગતો અનુસાર, કડી પથકમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા અને મંદિરની સાડા ચાર વીઘાથી વધુની કિંમતી જમીનને હડપવા માટે ભૂમાફિયાઓએ મોટો ખેલ રચ્યો હતો. આરોપીઓએ આ સરકારી જમીન ખાનગી ખેતીની જમીન હોવાનો ખોટો દાવો કર્યો હતો. કૌભાંડીઓએ આ જમીન પોતાના નામે બતાવવા માટે કૂટચિહ્નિત (ખોટા) દસ્તાવેજો અને મૂળ માલિકોના સ્થાને અન્ય ભળતી વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ રજૂ કરી સબ રજિસ્ટ્રાર કચેરીને પણ ગેરમાર્ગે દોરી હતી અને કરોડોની જમીન બારોબાર વેચી નાખી હતી.

 

નકલી દસ્તાવેજોના આધારે વેચી મારવાનું કૌભાંડ

 

જોકે, આ સમગ્ર કાળી કરતૂતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સરકારી પ્રાથમિક શાળાના જાગૃત આચાર્ય અને સ્થાનિક મામલતદાર દ્વારા આ જમીન સંદર્ભે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન શાળા અને મંદિરની જમીનના કાગળો બોગસ હોવાનું સાબિત થતાં સબ રજિસ્ટ્રાર એક્શનમાં આવ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં બાવલું પોલીસે તમામ 14 આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધી, વિદેશમાં બેઠેલા આરોપીઓ સુધી પહોંચવા માટે કાયદાકીય કડીઓ મજબૂત કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *