પાવાગઢ ડુંગર ઉપર પાણીના અભાવના પગલે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા સંચાલિત અન્નપૂર્ણા ભવન એટલે કે અન્નક્ષેત્ર આજે સળંગ ત્રીજા દિવસે પણ બંધ રાખવાની ફરજ પડી હતી. જેના પગલે માતાજીના દર્શને આવેલા માઇ ભક્તોને ચા – નાસ્તો, તેમજ ભોજન વગર પરત ફ્રવું પડયું હતું.
પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી ડુંગર પર પાણીની ગંભીર કટોકટીને લઈને સ્થાનિકો પાણી ને લઈને ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડુંગર પર પાણીના સ્ત્રોત એવા કુવાઓમાં પણ પાણી જોવા મળતું નથી. જેના કારણે સ્થાનિકો તેમજ ડુંગર પર આવતા યાત્રાળુઓ પાણી વિના ટળવળતા જોવા મળી રહ્યા છે. જોકે ડુંગર પર પાણીની અછતની ફરિયાદો વારંવાર ઊઠવા છતાં તંત્ર દ્વારા આગોતરું આ અંગે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થઇ છે. તેવા આક્ષેપો ડુંગર પરના સ્થાનિકો કરી રહ્યા છે.ગુરૂવાર ના રોજ થી આજે સતત ત્રીજા દિવસે ડુંગર પર સહેજ પણ પાણી ના પહોંચતા ડુંગરના સ્થાનિકો પાણી વિના વલખા મારે છે. ડુંગર પર પાણી પહોંચાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. જોકે ગ્રામ પંચાયત નર્મદા જૂથ પાણી પુરવઠા યોજનામાંથી પાણી મેળવી ડુંગર પર પહોંચાડે છે. પરંતુ નર્મદા જૂથ પાણી પુરવઠા યોજના માં રીપેરીંગ નું કામ ચાલુ હોવાના કારણે ડુંગર પર પાણી પહોંચી શક્યું ન હોવાથી જેને કારણે હાલ પાણીની તકલીફ્ છે તેમ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.
