
સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં મનહરભાઈ પટેલ, નવીનભાઈ ભરવાડ અને પ્રદીપ શેઠનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન ત્રણેય કોન્ટ્રાક્ટરોની સંડોવણી સામે આવતા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇડીની ટીમે મનહર પટેલને રામ પટેલના મુવાડામાંથી, પ્રદીપ શેઠને વીરપુરમાંથી અને નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી પાડ્યા હતા.
મનહરભાઈ પટેલ અગાઉ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિઓ અને નાણાકીય અનિયમિતતાઓને લઈને સીઆઇડી ક્રાઇમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન તપાસ કરવામાં આવી રહી હતી. કોન્ટ્રાક્ટરો, સરપંચો અને તલાટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસનો વ્યાપ વધતા અને સીઆઇડીની કાર્યવાહી તેજ બનતા કેટલાક સંદિગ્ધ લોકો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
123 કરોડના આ બહુચર્ચિત કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા નાણાકીય વ્યવહારો, ટેન્ડર પ્રક્રિયા અને કામકાજ સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મહત્વના ખુલાસા થવાની સંભાવના વચ્ચે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.