
આ મામલે હવે ગુજરાત હાઇકોર્ટ અને સ્થાનિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી કાયદાકીય લડત શરૂ થઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર, ગત 29 મે 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન હેઠળ આવતી નોટિફાઇડ સ્લમ (ઝૂંપડપટ્ટી) ‘નાસીર નગર’ ખાતે એસ.એમ.સી.નો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટક્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સ્ટાફે કાયદા દ્વારા નિર્ધારિત કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના કે જરૂરી કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વગર ત્યાં અંદાજે 100થી 200 જેટલા મકાનો/ઝૂંપડાઓ પર જેસીબી ફેરવી દીધું હતું. આ આકસ્મિક તોડફોડને કારણે સેંકડો ગરીબ પરિવારો ઘરવિહોણા થઈ ગયા હતા.
ઘટના બાદ જ્યારે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના અધ્યક્ષ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી, ત્યારે આશ્ચર્યજનક જવાબો સામે આવ્યો. મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ બંનેએ સત્તાવાર રીતે એવો દાવો કર્યો કે સુરત મહાનગરપાલિકા દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કરવામાં આવ્યું નથી! આ જવાબ બાદ સવાલ ઊભો થયો છે કે જો પાલિકાએ આ કામગીરી નથી કરી, તો સરકારી વાહનો, જેસીબી અને પોલીસ પ્રોટેક્શન સાથે આટલું મોટું ઓપરેશન કોણે પાર પાડ્યું?
સ્થાનિક સૂત્રો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પુરાવાઓ અનુસાર, આ ડિમોલિશન કતારગામ ઝોનમાં થયું હતું, પરંતુ ત્યાં કામગીરી કરી રહેલો સ્ટાફ ‘સેન્ટ્રલ ઝોન’નો હતો. આ ભાંડો ફૂટી જતાં જ અધિકારીઓએ આ આખી ઘટનાથી પોતાનો હાથ અધ્ધર કરી લીધો છે અને ડિમોલિશન વિશે અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યા છે.
અસલમ સાઇકલવાળા, પૂર્વ નગર સેવક
પાલિકાના વહીવટી તંત્ર સામે મોરચો ખોલનારા અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે, સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયંત જીવનરામજીવાલા અને પાલિકાના આઈ.ડી.ડી. (IDD) વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ મીડિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે આમાં અમારો કોઈ રોલ નથી. વાસ્તવમાં, ઘટના સમયના અંદાજે 50 જેટલા વીડિયો ક્લિપ્સ ઉપલબ્ધ છે જેમાં આ બંને ઉચ્ચ અધિકારીઓ સહિત ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર નરેશ ગલચર, મોનિક ગઢિયા, જેનિશ પટેલ, ઋષિકેશ પટેલ તેમજ અન્ય ટેકનિકલ આસિસ્ટન્ટ અને સુપરવાઈઝરો પ્રત્યક્ષ હાજર રહીને મજૂરો અને જેસીબી ચાલકોને ગરીબોના આશિયાના તોડવા માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા હતા.
SIT અને સસ્પેન્શનની માંગ
આ મામલે ગરીબો પર દમન ગુજારનારા અને માફિયાગીરી આચરનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ સાથે પુરાવા તરીકે ઘટનાસ્થળના 50થી વધુ વીડિયો ક્લિપ્સ ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યા છે. કમિશનર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓ મૂકવામાં આવી છે:
કાયદાનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ જયંત જી. જીવાલા, સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર સહિતના તમામ 7 ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
આ સમગ્ર ‘ભૂતિયા ડિમોલિશન’ના કૌભાંડની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે સુરત મહાનગરપાલિકાના ત્રણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક વિશેષ તપાસ સમિતિ (SIT) ની રચના થાય.
તપાસના અંતે દોષિત ઠરેલા તમામ અધિકારીઓને કાયમી ધોરણે નોકરીમાંથી ડિસમિસ (બરતરફ) કરવામાં આવે.
જમીર શેખ વકીલ
મામલો હાઇકોર્ટ અને ફોજદારી અદાલતે પહોંચ્યો
ડિમોલિશનની આ ગેરકાયદેસર પ્રક્રિયા સામે પીડિતો વતી કાયદાકીય લડત પણ શરૂ કરી દેવામાં આવી છે. પીડિતોના વકીલના જણાવ્યા અનુસાર, જે મકાનો તોડાતા બચી ગયા છે તેના રક્ષણ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં એવી દાદ માંગવામાં આવી છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા (Procedure of Law) અનુસર્યા વિના બાકીના મકાનોનું ડિમોલિશન અટકાવવામાં આવે અને કોર્ટ દ્વારા વચગાળાનો મનાઈહુકમ (Stay Order) આપવામાં આવે.
આ ઉપરાંત, જે ગરીબોના મકાનો કોઈ પણ નોટિસ વિના ગેરકાયદે તોડી પડાયા છે, તે બદલ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ એફ.આઈ.આર. (FIR) રજીસ્ટર કરાવવા માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ની કોર્ટમાં એક ફોજદારી અરજી દાખલ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારે હાલ આ ઘટનાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક વહીવટ અને અધિકારીઓની જોહુકમી સામે મોટા સવાલો ઊભા કર્યા છે, અને આગામી દિવસોમાં આ મામલે મોટા વળાંકો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.