સામના જોરહાટ એરબેઝ (રૌરિયા એરફોર્સ સ્ટેશન) પર ભારતીય વાયુસેના (IAF)નું AN-32 વિમાન ક્રેશ થયું. પ્રારંભિક માહિતી અનુસાર, લેન્ડિંગ પછી વિમાનમાં આગ લાગી. આ ઘટના જોરહાટ એરબેઝની અંદર બની હતી. એરબેઝ પર હાજર ફાયર બ્રિગેડ અને કટોકટી ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. ભારતીય વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેનું એક AN-32 વિમાન શનિવારે સવારે 10 વાગ્યે આસામના જોરહાટમાં નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું.
વાયુસેનાએ જણાવ્યું હતું કે, ક્રેશ સ્થળ પર પ્રાથમિક તપાસ ચાલી રહી છે. વાયુસેનાએ જાહેર જનતાને અપીલ કરી છે કે પ્રાથમિક તપાસ અહેવાલ ન આવે ત્યાં સુધી કોઈપણ અટકળોથી દૂર રહે. વાયુસેનાએ જણાવ્યું હતું કે, અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે અને નવી માહિતી ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે. ભારતીય વાયુસેનાએ આ અકસ્માતમાં પોતાના પાંચ કર્મચારીઓના મૃત્યુ બદલ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.